એપશહેર

ચાતુર્માસની આરાધના માટે અમદાવાદમાં આવાસ

I am Gujarat 23 Jul 2016, 12:48 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat chaturmas residence in ahmeabad
ચાતુર્માસની આરાધના માટે અમદાવાદમાં આવાસ


જૈન ચાતુર્માસ ચાલી રહ્યો છે ત્યારે કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરેથી ચાતુર્માસની આરાધના કરવા માટે આરાધકો અમદાવાદ આવ્યા છે. ચાર મહિના દરમિયાન ભક્તિને જ કર્મ તરીકે સ્વીકારનારા આરાધકો અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખીને આ આરાધના કરી રહ્યાં છે. પૂજ્ય યુગભૂષણસૂરિજી (પંડિત મ.સા.)ની નિશ્રામાં શહેરનાં વિશ્વનંદિકર જૈન સંઘ, ભગવાન નગરનો ટેકરો, પાલડી ખાતે હાઇટેક યુવાનોથી માંડીને બિઝનેસમેન અને ડોકટર પણ ચાર મહિના બધું કાર્ય છોડીને ધર્મની આરાધના કરી રહ્યાં છે.

ચાર મહિના બિઝનેસ છોડીને ચાતુર્માસ આરાધના કરવા માટે બેંગ્લૂરુથી અમદાવાદ આવેલા ૩૦ વર્ષીય, બિઝનેસમેન વિનીત ભંડારીએ જણાવ્યું કે વેપારમાં જે નફો થાય તે તમને આ ભવમાં ઉપયોગી થઇ શકે છે, પરંતુ ધર્મની કમાણી થાય છે, તેનાથી તો ભવોભવ સુધરે છે. વેપારથી તમને સામગ્રી મળે છે, પરંતુ ધર્મ દ્વારા સાચાં સુખની પ્રાપ્તિ થાય છે.

મુંબઇમાં ૩૩ વર્ષ સુધી એમ.એસ. સર્જન તરીકેની પ્રેક્ટિસ કરનારા ૬૪ વર્ષીય ડો.ટેકચંદ મન્શી વીરાએ જણાવ્યું કે પૂજ્ય ભગવંતની નિશ્રામાં રહીને ચાતુર્માસની આરાધના કરી રહ્યો છું અને ત્યારબાદ હું દીક્ષા લેવાનો છું. મને દીક્ષા લેવાની ઇચ્છા એટલા માટે થઇ છે કે સ્પર્ધા તો સાંસારિક જીવનમાં પણ છે અને સંયમજીવનમાં પણ છે. સંસારમાં સ્પર્ધા એકબીજા સાથે છે, જ્યારે સંયમ જીવનમાં સ્વયંની સાથે છે. આ ઉપરાંત મહત્ત્વની વાત એ છે કે છેલ્લા બે વર્ષથી આ સંસારની અસારતા પૂજ્ય સાધુ ભગવંતના વ્યાખ્યાન સાંભળીને નિર્ણય કર્યો હતો અને જે આ વર્ષે મજબૂત બન્યો છે.

ખાસ કરીને અમદાવાદમાં ભાડે ફ્લેટ રાખીને રહેતાં ૫૩ વર્ષીય અશોકભાઇ શેઠે જણાવ્યું કે હું કર્ણાટકથી આવું છું, પરંતુ મારે ચાતુર્માસની આરાધના કરવાની હોવાથી અહીં ફ્લેટ ભાડે રાખીને રહું છું. જૈન ધર્મનાં નિયમોનું પાલન પણ કરું છું અને જવલ્લે જ મોબાઇલનો ઉપયોગ કરું છું. તેમાં પણ બિઝનેસનાં કોલ તો સદંતર બંધ છે. ચાર મહિના આરાધના કરવાનો ફાયદો એ છે કે આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને ટેન્શનથી દૂર રહેવાય છે. વેપારમાં તમને એક કરોડ રૂપિયા મળે તેનો જે આનંદ હોય તેનાં કરતાં પણ આ ધર્મની કમાણી દ્વારા જે અસીમ આનંદ મળે છે, તે અવર્ણનીય હોય છે.

પૂજ્ય યુગભૂષણસુરિજી (પંડિત મ.સા.)એ જણાવ્યું કે જૈન સાધુઓનો આચાર છે કે, વર્ષાકાળમાં વિહાર થતો નથી ત્યારે એક સ્થળે ચાતુર્માસિક આરાધના કરવામાં આવે છે. ધર્મનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા અનેક શ્રાવકો પોતાનો કરોડો રૂપિયાનો બિઝનેસ છોડીને પણ આરાધના કરવા આવે છે. એ જ રીતે અમારી પાસે જે યુવાવર્ગ આવે છે, તે પણ સમજ અને ધીરજ સાથે આવે છે, તેને ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.

IIT-મુંબઇના વિદ્યાર્થીને પણ દીક્ષા લેવાની ઇચ્છા IIT-મુંબઇથી બી.ટેક. કરી ચૂકેલા અને ૨૭ વર્ષીય જૈનેતર યુવાન સંકેત કે જેમને દીક્ષા લેવાની પણ ઇચ્છા છે, એમ કહી તેમણે કહ્યું કે હું ધર્મનાં ક્ષેત્રે આવ્યો છું અને ભૌતિક જ્ઞાન લઇને આવ્યો છું પરંતુ સંસારમાં જે તમને ભૌતિક સુખ લાગે છે, તે વિકારોને કારણે લાગે છે. ધર્મના માર્ગે તમને આત્મિક સુખની પ્રાપ્તિ થઇ શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો