એપશહેર

ઘરમાં મંદિર માટે સ્થાન હોય છે, તેમ ગ્રંથાલય પણ બનાવો : પૂ.ભાઇશ્રી

I am Gujarat 2 Jul 2016, 12:20 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat there should be a place for library in home rameshbhai oza
ઘરમાં મંદિર માટે સ્થાન હોય છે, તેમ ગ્રંથાલય પણ બનાવો : પૂ.ભાઇશ્રી


‘જેમ ઘરમાં મંદિર માટે અલગ-પવિત્ર સ્થાન રાખવામાં આવે છે, એવી જ રીતે ‘ગ્રંથાલય’ને પણ સ્થાન આપો. કેમકે સાહિત્ય ચારિત્ર નિર્માણ પણ કરે છે. જે વિચરવાનું અને વિચારવાનું બંધ કરી દે છે, તેને માણસ કંઇ રીતે કહી શકાય. ભોળનાથ પાસેથી આપણે ત્રણ વસ્તુઓ શીખવાની છે. ભીનાશ, ભોળપણ અને ભરોસો. વર્તમાન સમયમાં વિશ્વાસનો અભાવ છે, જે સમાજને ખૂબ જ પીડે છે’, એમ આંતરરાષ્ટ્રીય ભાગવત કથાકાર, પૂ.રમેશભાઇ ઓઝા(પૂ.ભાઇશ્રી)એ શુક્રવારે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત મૂર્ધન્ય સાહિત્યકાર, ‘દેવશંકર મહેતાની શ્રેષ્ઠ વાર્તાઓ’ પુસ્તકનાં વિમોચન પ્રસંગે જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલા,ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાં, વરિષ્ઠ સમીક્ષક ડો.સુમન શાહ, પુસ્તકનાં સંપાદક ડો.જગદીશ ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે અનેક મૂર્ધન્ય સાહિત્યકારો ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે અર્ચન ત્રિવેદી અને જીગીશા ત્રિવેદીએ ‘વાચિકમ્’ રજૂ કર્યું હતું.

પૂ.ભાઇશ્રીએ જણાવ્યું કે હું વિશ્વ પ્રવાસી છું ત્યારે અમેરિકામાં કથા માટે જવાનું થાય ત્યારે ગુજરાતી યજમાનને પૂછું કે સંતાનોને ગુજરાતી આવડે છે? ત્યારે તેઓ કહેતાં કે સંતાનો લખી-વાંચી શકતા નથી પણ બોલી શકે છે. ૧૫ વર્ષ પછી સ્થિતિ એવી છે કે તેઓ કહે કે સંતાનને ગુજરાતી ભાષા લખતા-વાચતા અને બોલતાં પણ આવડતું નથી પણ તે સમજી શકે છે. હવે પછીનાં ૧૫ વર્ષ પછી શું થશે? તે ખબર નથી. આપણે પણ એવું વાતાવરણ ઊભું કરવાનું છે કે નવી પેઢીને વાચન તરફ રુચિ થવી જોઇએ. ભાષાની શુદ્ધિ અને સમૃદ્ધિ જળવાય તે માટેનો આપણો પ્રયાસ હોવો જોઇએ.

પૂ.ભાઇશ્રીએ જણાવ્યું કે જેમ ભોજન એ શોખ નથી પણ અનિવાર્યતા છે, એ જ રીતે વાચન એ શોખ નહીં પણ અનિવાર્યતા બનવી જોઇએ. તમે પુસ્તક વાંચો છો ત્યારે તે પુસ્તકની પણ એક વાસ હોય છે અને તમે જેને ચાહો તેની ગંધ પણ તમને ગમતી હોય છે. આ આનંદ તરફ આપણે નવી પેઢીને લઇ જવાની છે. આજે ભણતર પણ ભીનાશ લાવવાનું કામ કરતું નથી ત્યારે મને એમ લાગે છે કે કોઇક કડી ખૂટી રહી છે. ‘અંધકાર હૈ વહાં, જહાં આદિત્ય નહીં હૈ, હૈ વહ મુર્દા દેશ જહાં, સાહિત્ય નહીં હૈ, હૈ નહીં સાહિત્ય જહાં, વહાં આદર્શ નહીં હૈ, હૈ નહીં આદર્શ જહાં, વહાં જીવન નહી હૈ’

અકાદમી ‘દેશી સુખડીનું ભાથું’ આપી રહી છે રાજ્યસભાનાં સાંસદ પુરુષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું કે આજની સ્થિતિ એવી છે કે, વોટ્સએપ અને પિત્ઝાના ધોમધખતાં સમયમાં દેશી સુખડીનું ભાથું આપવાનું કાર્ય ગુજરાત સાહિત્ય અકાદમી કરી રહી છે. વારસામાં માત્ર સાત-બારના ઉતારા મળે એવું નહીં, વેર પણ મળતું હોય છે ત્યારે નવી પેઢીને વારસામાં કંઇક મળે તેવું કરે તે જરૂરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો