એપશહેર

સહકારી બેન્કોના કાયદાની સમીક્ષા થશે

I am Gujarat 11 Oct 2019, 12:09 pm
71533790 મુંબઈ:નાણાપ્રધાન સીતારામન ગુરુવારે PMC બેન્કના રોષે ભરાયેલા થાપણદારોને મળ્યા હતા. તેમણે સહકારી બેન્કોના વહીવટમાં સુધારો કરવા કાયદાકીય ફેરફારની ભલામણ માટે સમિતિ રચવાની જાહેરાત કરી હતી. સીતારામને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “જરૂર જણાશે તો સરકાર સંસદના શિયાળુ સત્રમાં સહકારી (કો-ઓપરેટિવ) બેન્કોના કાયદામાં સુધારો કરશે.”
I am Gujarat banking finance 75
સહકારી બેન્કોના કાયદાની સમીક્ષા થશે


PMC બેન્કનું ₹4,500 કરોડનું કૌભાંડ બહાર આવ્યા પછી RBIએ જણાવ્યું હતું કે, “નિયમન સંબંધી માળખામાં ફેરફારની જરૂર પડશે તો અમે તેનું મૂલ્યાંકન કરીશું.” સીતારામને કહ્યું હતું કે, “આર્થિક બાબતો અને ફાઇનાન્શિયલ સર્વિસિસ તેમજ ગ્રામીણ બાબતો અને શહેરી વિકાસ મંત્રાલયના સચિવો તેમજ RBIના ડેપ્યુટી ગવર્નરનો સમિતિમાં સમાવેશ કરાશે. સરકાર આ સમિતિની મદદથી ભવિષ્યમાં આવી ઘટનાને અટકાવવા જરૂરી પગલાં લેવા માંગે છે અને નિયમનકર્તાને વધુ સત્તા આપવા માંગે છે.”

નાણાપ્રધાને જણાવ્યું હતું કે, “હું એવું નથી કહેતી કે વર્તમાન કાયદામાં ખામી છે. સમિતિ સમસ્યાનો અભ્યાસ કરશે અને જરૂર જણાશે તો શિયાળુ સત્રમાં કાયદામાં સુધારો કરશે.” સહકારી બેન્કો અંગે સતત ચિંતા રહે છે. કારણ કે આ બેન્કો રાજકીય નેતાઓ અથવા વગદાર લોકોને મોકળું મેદાન આપે છે. તેમાં કાયદાનું યોગ્ય પાલન થતું નથી અને તેને લીધે બેડ લોનમાં મોટો ઉછાળો નોંધાય છે. જેનું નુકસાન થાપણદારોએ વેઠવું પડે છે અને નાણાં પર જોખમ ઊભું થાય છે. છેલ્લા બે દાયકામાં ઘણી સહકારી બેન્કો નિષ્ફળ ગઈ છે. આવી બેન્કોમાં PMC સૌથી મોટી છે.

ગયા મહિને કૌભાંડ બહાર આવ્યું ત્યારે RBIએ બેન્કમાંથી ઉપાડની મર્યાદા ₹1,000 રાખી હતી. જોકે, થાપણદારોના વિરોધ પછી તેને વધારી ₹25,000 કરાઈ હતી. બેન્કે કુલ ₹9,000 કરોડની લોનનો 70 ટકા હિસ્સો લગભગ નાદાર થઈ ચૂકેલી રિયલ એસ્ટેટ કંપની HDILને આપી હોવાનો આરોપ છે. સીતારામનની પત્રકાર પરિષદ પહેલાં PMC બેન્કના રોષે ભરાયેલા થાપણદારો ભાજપની દક્ષિણ મુંબઈની ઓફિસ બહાર ભેગા થયા હતા. નાણાપ્રધાન આવ્યા ત્યારે તેમણે સૂત્રોચ્ચાર કરી નાણાં પરત કરવાની માંગણી કરી હતી. સીતારામન અને કેટલાક થાપણદારો અંદર ગયા હતા, જ્યાં તેમની સાથે ટૂંકી ચર્ચા થઈ હતી.

સીતારામને કહ્યું હતું કે, “મેં તેમની સમસ્યા સાંભળી હતી. તેમને સમજાવાયું હતું કે, એકથી વધુ રાજ્યમાં સક્રિય સહકારી બેન્કોનું નિયમન RBI કરે છે. તેમાં સરકારની ભૂમિકા મર્યાદિત હોય છે.”

જોકે, સીતારામને RBI ગવર્નર શક્તિકાંત દાસ સાથે આ મુદ્દે વાત કરવાની તેમજ થાપણદારોની નારાજગી અને જરૂરિયાતથી માહિતગાર કરવાની ખાતરી આપી હતી. થાપણદારોને નાણાં ક્યારે પરત મળશે એવા પ્રશ્નના જવાબમાં સીતારામને કહ્યું હતું કે, “RBI અને RBIએ નીમેલા બેન્કના વહીવટદાર નિર્ધારિત પ્રક્રિયા પ્રમાણે કામ કરશે. જોકે, સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂરી કરવા ભાર મૂકી શકું.”

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો