એપશહેર

ડેટા સર્વિસિસ માટે 'ફ્લોર પ્રાઇસ' નક્કી કરો: COAI

I am Gujarat 4 Dec 2019, 2:11 pm
72360369 નવી દિલ્હી:ભારતી એરટેલ, વોડાફોન આઇડિયા અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમે TRAIને ડેટા સર્વિસિસ માટે તાકીદે ‘ફ્લોર પ્રાઇસ’ નિર્ધારિત કરવા જણાવ્યું છે. ત્રણેય કંપનીમાં ઘણા સમય પછી કોઈ મુદ્દે સંમતિ જોવા મળી છે. ટેલિકોમ કંપનીઓએ જણાવ્યું હતું કે, ઇક્વિટી અને ડેટા સ્રોત ઉપલબ્ધ નથી ત્યારે રાહત માટે TRAIનો ટેરિફ ઓર્ડર ‘ફ્લોર પ્રાઇસ’ માટે ઉત્તમ વિકલ્પ રહેશે.
I am Gujarat coai 2
ડેટા સર્વિસિસ માટે 'ફ્લોર પ્રાઇસ' નક્કી કરો: COAI


સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (COAI)એ 3 ડિસેમ્બરે પત્ર લખીને જણાવ્યું હતું કે, “સ્પર્ધાને કારણે કોઈ એક ઓપરેટર સ્વૈચ્છિક ટેરિફ ચાર્જિસ નક્કી કરતા ખચકાશે.” જોકે, કંપનીઓના જણાવ્યા અનુસાર વોઇસ કોલના ભાવ નિયંત્રિત થવા જોઈએ નહીં. કારણ કે આ સર્વિસ જરૂરી છે અને સામાન્ય માણસો પણ તેનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે, ત્રણેય ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફમાં 50ટકા સુધીનો વધારો જાહેર કર્યા પછી થોડા જ દિવસોમાં TRAIને ફ્લોર પ્રાઇસ અંગે તાત્કાલિક દરમિયાનગીરી કરવા જણાવાયું છે.

COAIએ એક પત્રમાં જણાવ્યું હતું કે, “તીવ્ર સ્પર્ધાની સ્થિતિમાં ટેરિફમાં વૃદ્ધિ કોઈ સર્વિસ પ્રોવાઇડર માટે સ્વૈચ્છિક રીતે ભાવવધારો કરવો શક્ય નથી. એટલે મોબાઇલ ડેટા સર્વિસ માટે લઘુતમ ટેરિફનો એકમાત્ર વિકલ્પ ઉપલબ્ધ છે.” COAIએ કહ્યું હતું કે, “સરકારના બ્રોડબેન્ડના ટાર્ગેટ હાંસલ કરવા સેક્ટરમાં જંગી રોકાણની જરૂર છે. જોકે, તે ભંડોળ એકત્ર કરી શકવાની સ્થિતિમાં નથી. કારણ કે અત્યારે ઇક્વિટી રોકાણ, લોન અને ઓપરેટર્સ પાસેના સરપ્લસ ભંડોળ જેવા વિકલ્પોની મદદથી રકમ મેળવવી મુશ્કેલ છે.” COAIએ વધુમાં જણાવ્યું હતું કે, “ટેક્સમાં ઘટાડો અને ટેરિફમાં વૃદ્ધિ જેવાં અન્ય પગલાં પણ સેક્ટરને મદદ કરી શકશે.”

COAIએ TRAIના ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે, યુઝર દીઠ સરેરાશ આવક (ARPU) ઘટીને માસિક ₹80થઈ છે, જે 2017માં ₹118 અને 2010માં ₹141 હતી. TRAIના ડેટા પ્રમાણે ડેટાનો પ્રતિ GB ભાવ ઘટીને 2018ના અંતે ₹11.78 થયો હતો, જે 2015માં ₹226 હતો. સરકારના અંદાજ પ્રમાણે ટેરિફમાં તાજેતરની વૃદ્ધિ પછી ડેટાનો સરેરાશ ભાવ પ્રતિ GB ₹16.49 થયો છે, જે હજુ વિશ્વમાં સૌથી ઓછો છે. જ્યારે આઉટગોઇંગ કોલનો ભાવ પ્રતિ મિનિટ 18 પૈસા છે, જે માર્ચમાં 13 પૈસા હતો.

COAIએ લખેલા પત્રને કારણે ‘ફ્લોર પ્રાઇસ’નો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. હજુ થોડા સમય પહેલાં DoTએ સ્પષ્ટતા કરી હતી કે, તે TRAIને ‘ફ્લોર પ્રાઇસ’ની ચકાસણી કરવા નહીં જણાવે. ત્યાર પછી કંપનીઓ દ્વારા ભાવવધારાને કારણે ‘ફ્લોર પ્રાઇસ’નો મુદ્દો ભુલાઈ ગયો હોવાનું જણાતું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો