એપશહેર

ભારતીય ઉદ્યોગજગતની નવી પેઢીનો કરોડપતિ ક્લબમાં સમાવેશ

I am Gujarat 26 Sep 2016, 4:12 am
દેશના ટોચના બિઝનેસ હાઉસનો દોરી સંચાર સંભાળવા માટે સજ્જ બનેલી નવી પેઢીએ પગારની દૃષ્ટિએ કરોડપતિ ક્લબમાં સ્થાન મેળવ્યું છે. અદાણીથી લઈને અંબાણી તેમજ પ્રેમજીથી લઈને ખોરાકીવાલાના સંતાનો નવી પેઢીના ઉદ્યોગસાહસિકોએ બિઝનેસજગતમાં પગરણ માંડતા જ તેઓ કરોડોમાં આળોટતા થઈ ગયા છે.
I am Gujarat corporates 17
ભારતીય ઉદ્યોગજગતની નવી પેઢીનો કરોડપતિ ક્લબમાં સમાવેશ

અગ્રણી ઉદ્યોગ જૂથોએ તેમના સંતાનોને પોતાની માલિકીની કંપનીઓમાં પ્રમોટરથી લઈને ડિરેક્ટર્સ બનાવ્યા છે તેમજ મહત્વનો પદભાર સોંપ્યો છે અને તેમને તગડું વેતન ઓફર કરવામાં આવ્યું છે. જો કે ભારતની ટોચની કંપનીઓના સીઈઓના રૂ.૨૦ કરોડના સરેરાશ વાર્ષિક વેતનની તુલનાએ આ નવી પેઢીના ઉદ્યમીઓના પગાર અને ભથ્થાં ઘણા નીચા જણાય છે. ગુજરાત સ્થિત ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીને અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના સીઈઓ તરીકે નિયુક્ત કરાયા હતા. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં તેમણે કંપનીમાંથી કોઈ પગાર લીધો નથી પરંતુ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ૧લી સપ્ટેમ્બરથી તેમને વાર્ષિક વેતન, ભથ્થાં અને અન્ય લાભો મળીને રૂ.૧.૫ કરોડનું વળતર મંજૂર કર્યું છે.
અદાણી ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ અદાણીને ૨૦૧૫-૧૬માં કુલ રૂ.૨.૮ કરોડનું વેતન ચૂકવવામાં આવ્યું હતું તેમજ પૂર્ણકાલિન ડિરેક્ટર મલય મહાદેવિયાનો પગાર રૂ.૧૦.૭ કરોડ હતો. રિલાયન્સ કેપિટલમાં ડિરેક્ટર નિમાયેલા અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીને પ્રતિ માસ રૂ.૧૦ લાખ પગાર ચૂકવવાની દરખાસ્ત કરાઈ છે. મુકેશ અંબાણીના સંતાનો આકાશ અને ઈશા અંબાણીના પગાર અંગે માહિતી પ્રાપ્ત નથી થઈ શકી. આ બન્ને સંતાનો કંપનીના ટેલિકોમ અને રિટેલ બિઝનેસમાં સક્રિય છે.
ટીવીએસ મોટર્સના પ્રમુખ વેણુ શ્રીનિવાસનના પુત્ર સુદર્શનને ગત વર્ષે રૂ.૯.૫૯ કરોડનું પેકેજ મળ્યું હતું. જ્યારે આઈટી સેક્ટરની કંપની વિપ્રોના વડા અઝિમ પ્રેમજીના પુત્ર રિશદને ગત વર્ષે રૂ.૨.૧૫ કરોડ રૂપિયા ભથ્થાં પેટે ચૂકવાયા હતા. વોકહાર્ટના ચેરમેન હબીલ ખોરાકીવાલાના પુત્રો હુઝૈફા તેમજ મુર્તુઝાને રૂ.૧.૩૩ કરોડનું પેકેજ મળ્યું હતું જ્યારે હોસ્પિટલ કામકાજ સંભાળી રહેલી પુત્રી જહાબિયાના વળતર અંગે માહિતી પ્રાપ્ત થઈ નહતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો