એપશહેર

Budget 2020-21: લોકો વધુ રુપિયા વાપરે તે માટે આ છે નિર્મલા સિતારમણનો પ્લાન?

નવરંગ સેન | I am Gujarat 29 Jan 2020, 2:22 pm
નવી દિલ્હી: ભારતીય અર્થતંત્ર છેલ્લા એક દાયકાના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેવામાં 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા 2020-21ના બજેટ પર લોકો મોટી આશા રાખીને બેઠા છે. આ બજેટમાં સરકાર અર્થતંત્રને ફરી દોડતું કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ કરવા ઉપરાંત પર્સનલ ટેક્સમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. ટેક્સના દરમાં ઘટાડો કરવાથી લોકો પાસે વધુ ખર્ચ કરવા રોકડ રહેશે, અને તેનાથી માંગ વધશે. જેનાથી અર્થતંત્ર સંકટમાંથી બહાર આવી શકે છે તેવું સરકારી સૂત્રો અને અર્થશાસ્ત્રીઓનું કહેવું છે. દેશમાં હાલ જીડીપીનો દર જુલાઈ-સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં 4.5 ટકા પર આવી ગયો હતો. બેરોજગારીના આંકડા પણ ચિંતાજનક સ્તર પર છે. કોર્પોરેટ ટેક્સમાં કાપ મૂકવા અને વ્યાજના દરમાં ઘટાડો કરવા છતાં રોકાણમાં જોઈએ એટલો વધારો નથી થઈ શક્યો. સરકાર એક તરફ સિટીઝનશિપ બિલની વિરુદ્ધમાં આંદોલનનો સામનો કરી રહી છે, ત્યારે માંદુ અર્થતંત્ર તેની ચિંતામાં ઓર વધારો કરી રહ્યું છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, સરકાર રસ્તાઓ, રેલવે તેમજ ગ્રામીણ કલ્યાણકારી યોજનાઓ પર વધુ ખર્ચ કરે તો અર્થતંત્ર ફરી દોડતું થઈ શકે છે. નબળું અર્થતંત્ર અને સરકાર સામે ચાલી રહેલા દેખાવોથી બજેટમાં સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત થવાના ચાન્સ પણ વધારે છે. જેનાથી આગામી સમયમાં જીડીપીને નાનકડો બૂસ્ટર ડોઝ મળી શકે છે. IMF દ્વારા પણ ભારતનો જીડીપી રેટ આ નાણાંકીય વર્ષના અંતે 4.8 ટકા સુધી રહી શકે છે તેવો અંદાજ વ્યક્ત કરાયો છે. આવનારા નાણાંકીય વર્ષમાં પણ જીડીપી રેટ 5.8 ટકાની આસપાસ રહેશે તેવું IMFનું અનુમાન છે. સરકાર આ વર્ષે પણ પોતાની મહેસૂલી ખાધનો ટાર્ગેટ ચૂકી જાય તેવી પૂરી શક્યતા છે. આવકમાં ત્રણ લાખ કરોડના ઘટાડાના અનુમાન સાથે સતત ત્રીજા વર્ષે ખાધને નિયંત્રણમાં રાખવાનું સરકાર માટે અશક્ય બની રહેશે. પોતાનું બીજું પૂર્ણકાલિન બજેટ રજૂ કરવા જઈ રહેલા નિર્મલા સિતારમણ 2020-21ના વર્ષમાં ખાધનું પ્રમાણ વધારીને 3.6 ટકા કરે તેવી શક્યતા છે. નવા નાણાકીય વર્ષમાં આવક ઉભી કરવા માટે સરકારનો એક મોટો આધાર ખાનગીકરણ પણ રહેશે. એક્સપર્ટ્સનું માનીએ તો આ બજેટમાં ખાનગીકરણનો 1.5 લાખ કરોડનો ટાર્ગેટ મૂકી શકાય છે.ઉલ્લેખનીય છે કે, સરકાર એર ઈન્ડિયા, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સહિતના પોતાના કેટલાક સાહસો વેચવાની તૈયારી શરુ કરી ચૂકી છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો