એપશહેર

'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' રેન્કિંગમાં ભારતનો મોટો કૂદકો, 63માં સ્થાને પહોંચ્યું

નવરંગ સેન | I am Gujarat 24 Oct 2019, 9:34 pm
નવી દિલ્હીઃ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ મામલે ભારતની સ્થિતિ પહેલા કરતા વધારે સારી થઈ ગઈ છે. આ જ કારણથી વર્લ્ડ બેંક દ્વારા જારી કરવામાં આવેલી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની યાદીમાં ભારતે 14 સ્થાનનો કૂદકો માર્યો છે. હવે ભારત આ યાદીમાં 63માં ક્રમે આવી ગયું છે ભારતને સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ટોપ-10 દેશોમાં ત્રીજી વખત સામેલ કરવામાં આવ્યું છે. વર્લ્ડ બેંકની આ રેન્કિંગ એવા સમયે આવી છે જ્યારે આરબીઆઈ, વર્લ્ડ બેંક અને આઈએમએફ જેવી સંસ્થાઓએ ભારતની અર્થ વ્યવસ્થામાં મંદીની વાત કરી છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા ત્યારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારત 190 દેશોની યાદીમાં 140માં સ્થાને હતું. 2018 સુધીમાં ભારત 100માં સ્થાને આવી ગયું હતું. ગત વર્ષે ભારતે 23 સ્થાનનો કૂદકો માર્યો હતો અને તે 77માં સ્થાને હતું. થોડા દિવસો અગાઉ ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (આઈએમએફ)એ આકરું નિવેદન આપ્યું હતું. આઈએમએફએ જણાવ્યું હતું કે ભારતે પોતાની અર્થ વ્યવસ્થા માટે પાયાની વાતો પર તો કામ કર્યું છે પરંતુ સમસ્યાનું સમાધાન કરવું પણ જરૂરી છે. આઈએમએફના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ વોશિંગ્ટનમાં જણાવ્યું હતું કે ભારતે પાયાની વાતો પર સારું કામ કર્યું છે પરંતુ અર્થ વ્યવસ્થા સાથે જોડાયેલી એવી સમસ્યાઓ છે જેનું સમાધાન કરવું જરૂરી છે. ખાસ કરીને નોન-બેન્કિંગ ક્ષેત્રમાં પરિસ્થિતિ વધારે સારી કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે આઈએમએફે 2019 માટે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડીને 6.1 કરી દીધું છે. આ તેના એપ્રિલના અનુમાનો કરતા 1.2 ટકા ઓછું છે. ત્યારે તેણે 2019માં દેશનો વૃદ્ધિ દર 7.3 ટકા રહેવાનું અનુમાન છે. આ સાથે આઈએમએફે 2019 માટે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને ત્રણ ટકા કરી દેવામાં આવ્યું છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો