એપશહેર

રિટેલ કંપનીઓને 'સારી દિવાળી'ની આશા

I am Gujarat 20 Oct 2019, 9:02 am
71625609 રસુલ બૈલે/રત્ના ભૂષણ
I am Gujarat industry news 169
રિટેલ કંપનીઓને 'સારી દિવાળી'ની આશા


નવી દિલ્હી:દિવાળી આવી છે ત્યારે નરમાઈના આ સમયમાં બેચેન ઓફલાઇન રિટેલરો અને કંપનીઓ દિવાળી સુધરવાની અપેક્ષા ધરાવે છે. જોકે, વેચાણ હજુ પણ ઓછું છે અને આ વીક-એન્ડમાં સારો બિઝનેસ થાય તેવી ધારણા છે.

જોકે કેટલાક રિટેલર્સનું કહેવું છે કે વેચાણના આંકડા હકારાત્મક છે. રિટેલ ચેઇન સ્પેન્સર રિટેલના ચીફ એક્ઝિક્યુટિવ દેવેન્દ્ર ચાવલાએ જણાવ્યું હતું કે, “એકંદરે વેચાણવૃદ્ધિ હોવી જોઈએ તેટલી નથી. અગાઉ તહેવારોનું શોપિંગ કેટલાંક સપ્તાહો સુધી ચાલતું હતું તે સંકોચાઈને હવે કેટલાક દિવસો સુધી જ સીમિત રહી ગયું છે. આથી અમને આગામી વીક-એન્ડ પર આશા છે.”

ઓક્ટોબરથી ડિસેમ્બર તહેવારોનો મહિનો છે અને મોટા ભાગની કન્ઝ્યુમર કંપનીઓનું 40 ટકા જેટલું વેચાણ આ સમયગાળામાં થાય છે, જેમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મોબાઇલ્સ મુખ્ય છે.

મોન્ડેલેઝ અને ફેરેરો રોશેર સહિતની પ્રીમિયમ ચોકલેટ બ્રાન્ડની વિતરકે જણાવ્યું હતું કે, “અમે પરંપરાગત વેપારમાં રિટેલ વેચાણમાં ધીમી ગતિ જોઈ રહ્યા છે, જોકે આધુનિક વેપાર સ્થિર છે. પરંતુ આ દિવસોમાં કેટલાય ગ્રાહકો દિવાળી પૂર્વે ખરીદી કરે છે. તેથી અમને લાગે છે કે પરંપરાગત વેપાર ઊંચકાશે. અમે આ વર્ષે રક્ષા બંધનમાં આ જ પ્રકારનો ટ્રેન્ડ જોયો હતો.”

પારલે પ્રોડક્ટ્સના કેટેગરી હેડ મયંક શાહે પણ આ જ પ્રકારનું મંતવ્ય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વેચાણના વેગ પકડવાનો સમય આવી ગયો છે. વપરાશમાં નરમાઈના પગલે માર્કેટ રિસર્ચર નિલ્સનનો અંદાજ છે કે 2019માં એફએમસીજી 9થી દસ ટકાના દરે વૃદ્ધિ પામશે. અગાઉ તેણે 11થી 12 ટકાનો અંદાજ મૂક્યો હતો.

મોટી રિટેલ ચેઇને જણાવ્યું હતું કે તેઓ આ સપ્તાહના પહેલા બે દિવસ નરમ ગયા તેના આધારે અટકળ કરવા માંગતા નથી. અરવિંદ બ્રાન્ડ્સના એમડી જે સુરેશે જણાવ્યું હતું કે, “સોમવાર અને મંગળવાર થોડા આકરા રહ્યા છે, પરંતુ અમને બુધવારથી વેચાણ વેગ પકડે તેમ લાગે છે. અરવિંદ બ્રાન્ડ અમેરિકાની પોલો, ગેપ, એરોપોસ્ટલ સહિતની વિવિધ વૈશ્વિક બ્રાન્ડનું વેચાણ કરે છે.

તહેવારોમાં વેચાણ વધારવા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરતી હોય છે. રિલાયન્સ ડિજિટલના સીઇઓ બ્રાયન બેડેએ જણાવ્યું હતું કે, હજુ દિવાળીને વાર છે પણ અગાઉની દિવાળી કરતાં વેચાણ સ્પષ્ટપણે વધી રહ્યું છે. આઇફોન અને વનપ્લસના સ્માર્ટફોન લોંચ થયા હોવાથી આ વર્ષ સારું રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો