એપશહેર

Infosysના CEO સલીલ પારેખના વેતનમાં 88%નો તોતિંગ વધારો, હવે 80 કરોડનો પગાર મેળવશે

તાજેતરના વર્ષોમાં ઈન્ફોસિસે ઇન્ડસ્ટ્રીમાં જોરદાર દેખાવ કર્યો છે તેનું કારણ આપીને કંપનીએ સીઈઓ સલીલ પારેખ (Infosys CEO Salil Parekh)ના વાર્ષિક પગારમાં 88 ટકાનો તોતિંગ વધારો કર્યો છે. આ સાથે તેઓ ભારતમાં સૌથી ઉંચો પગાર મેળવતા એક્ઝિક્યુટિવ્સ પૈકી એક બની ગયા છે. પારેખને વધુ પાંચ વર્ષ માટે કંપનીના એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નવેસરથી એપોઈન્ટ કરવામાં આવ્યા છે.

Authored byઅજિત ગઢવી | ET Bureau 26 May 2022, 10:07 am
ટોચની સોફ્ટવેર ઉત્પાદક કંપની ઇન્ફોસિસના સીઈઓ સલીલ પારેખ (Infosys CEO Salil Parekh)ના વાર્ષિક પગારમાં 88 ટકાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. હવેથી સલીલ પારેખને વર્ષે 80 કરોડનો પગાર (Salil Parekh Salary) ચુકવાશે. આ સાથે તેઓ ભારતમાં સૌથી ઉંચો પગાર મેળવતા એક્ઝિક્યુટિવ્સ પૈકી એક બની ગયા છે. તાજેતરના વર્ષોમાં ઈન્ફોસિસે ઇન્ડસ્ટ્રીમાં જે જોરદાર દેખાવ કર્યો છે તેને ટાંકીને કંપનીએ આ પગારવધારો કર્યો છે.
I am Gujarat Salil Parekh
સલીલ પારેખની આગેવાનીમાં ઇન્ફોસિસે અસાધારણ ગ્રોથ કર્યો છે.


ઇન્ફોસિસ (Infosys) ના મોટા ભાગના સ્થાપકો મિડલક્લાસમાંથી આવેલા છે અને કંપનીએ પણ નાના પાયે શરૂઆત કરી હતી. તેથી ટોચના એક્ઝિક્યુટિવ્સને આટલો ઉંચો પગાર આપવા માટે કંપની રાજી થાય તેનાથી ઘણા લોકોને નવાઈ લાગી છે. તેથી કંપનીઓ સલીલ પારેખને આટલો પગાર આપવા પાછળ લાંબો ખુલાસો પણ કર્યો છે.

હજુ એક દિવસ પહેલાં જ કંપનીએ સલીલ પારેખને વધુ પાંચ વર્ષ માટે કંપનીના એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નવેસરથી એપોઈન્ટ કર્યા હતા. હવે તેઓ 1 જુલાઈ 2022થી 31 માર્ચ 2027 સુધી આ હોદ્દા પર રહેશે. સલીલ પારેખના પગારમાં આટલો મોટો વધારો કરવામાં આવ્યો તેના માટે ઘણા કારણો જવાબદાર છે. આ કંપનીના શેરહોલ્ડર્સના વળતરમાં વધારો થયો છે, કંપનીની માર્કેટ કેપિટલ વધી છે અને ગ્રોથમાં પણ વધારો થયો છે.

જોકે, સલીલ પારેખને તમામ પગાર વધારો હાથમાં મળી જશે તેવું નથી. પગારવધારાનો 97 ટકા હિસ્સો તેમના પરફોર્મન્સ સાથે સંકળાયેલો છે. નવા પગારભથ્થા પ્રમાણે ફિક્સ પગારનો હિસ્સો કુલ વેતનના 15 ટકા કરતા પણ ઓછો છે. સલીલ પારેખના પરફોર્મન્સ આધારિત પગારનો 70 ટકા હિસ્સો RSU અથવા PSU ગ્રાન્ટ સાથે સંકળાયેલો છે. તેથી કંપનીના શેરનો દેખાવ કેવો છે તેના આધારે તેમને વળતર મળશે.

2 જાન્યુઆરી 2018ના રોજ સલીલ પારેખે ઈન્ફોસિસનો ચાર્જ સંભાળ્યો ત્યારે કંપનીના સહ-સ્થાપક અને ચેરમેન નંદર નીલેકણીએ તેમને ઈન્ફોસિસને લીડ કરવા માટે યોગ્ય વ્યક્તિ ગણાવ્યા હતા. ચાર વર્ષમાં પારેખે તેમની ક્ષમતા પૂરવાર કરી દેખાડી છે. એક સમયે ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ (Infosys Founder Narayan Murthy) અને સીઈઓ વિશાલ સિક્કા (Vishal Sikka) વચ્ચે ટકરાવ થયો ત્યારે કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું.

બ્રોકરેજ કંપની જેપી મોર્ગને તાજેતરમાં ભારતીય આઈટી સેક્ટરને ડાઉનગ્રેડ કર્યું છે અને અંડરવેઈટ રેટિંગ આપ્યું છે. આ ઉપરાંત આઈટી કંપનીઓના શેરના ટાર્ગેટમાં પણ 10થી 20 ટકાનો ઘટાડો કર્યો છે. 2022ના ત્રીજા ક્વાર્ટર સુધી આઈટી સેક્ટરનો ગ્રોથ સારો હતો જે હવે ધીમો પડ્યો છે તેમ તેણે જણાવ્યું હતું.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story