એપશહેર

Paytm અને Policybazaarના ધબડકાએ રોકાણકારોને શું શીખવ્યું?

Paytmનું નિરાશાજનક લિસ્ટિંગ થયા બાદ બીજા દિવસે પણ તેના શેર્સમાં ધોવાણ જારી રહ્યું હતું

Authored byShubham Raj | I am Gujarat 22 Nov 2021, 9:21 pm

હાઈલાઈટ્સ:

  • તાજેતરમાં લિસ્ટેડ થયેલી ઝોમાટો, પેટીએમ અને પોલિસીબઝાર ત્રણેય ખોટ કરતી કંપનીઓ છે
  • આ ત્રણેય કંપનીઓ ભવિષ્યમાં નફો કેવી રીતે કરશે તે અંગે પણ તેમની પાસે કોઈ યોજના નથી
  • દિવાળી પહેલા સતત ઉપર જઈ રહેલું માર્કેટ હાલમાં કોન્સોલિડેશન તબક્કામાં પ્રવેશ્યું છે, તેવું ઘણા એનાલિસ્ટોનું માનવું છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat paytm15
દેશના સૌથી મોટા આઈપીઓ પેટીએમના ધબડકાના કારણે ઘણા રોકાણકારોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. પેટીએમના નિરાશાજનક લિસ્ટિંગ બાદ મોટા ભાગના નિષ્ણાતોએ રોકાણકારોને ચેતવણી આપી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ આઈપીઓ દ્વારા નવા રોકાણકારોને મોટો બોધપાઠ શીખવા મળ્યો છે. પેટીએમમાં સોમવારે પણ 198.80 રૂપિયાનું ધોવાણ થયું હતું અને તે 1362 રૂપિયા પર બંધ રહ્યો હતો.
આવી જ હાલત પોલિસીબઝાર અને ઝોમાટોની પણ રહી છે. તો તાજેતરમાં જ લિસ્ટેડ થયેલા આ ત્રણેય કંપનીના શેર અંગે સામાન્ય વાત શું રહી છે? આ ત્રણેય કંપનીઓ ખોટ કરતી છે અને હજી સુધી એક પણ વખત નફો નોંધાવી શકી નથી. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં તેઓ નફો કેવી રીતે કરશે તે અંગે પણ તેમની પાસે કોઈ યોજના નથી. તેઓ ભવિષ્યના બિઝનેસના આધારે શેરબજારમાં પ્રવેશી છે. જે રોકાણકારોએ આ ત્રણેય કંપનીઓના શેરમાં રોકાણ કર્યું છે તેમને મોટું નુકસાન ઊઠાવવું પડ્યું છે.

દિવાળી પહેલા સતત ઉપર જઈ રહેલું માર્કેટ હાલમાં કોન્સોલિડેશન તબક્કામાં પ્રવેશ્યું છે, તેવું ઘણા એનાલિસ્ટોનું માનવું છે. અને આ જ એવો તબક્કો છે જ્યાં કંપનીઓના બિઝનેસની ખરી પરીક્ષા થાય છે. મેરેથોન ટ્રેન્ડ્સના સીઈઓ અતુલ સુરીએ તાજેતરમાં જ તેમના રોકાણકારોને સંબોધિત કરતા કહ્યું હતું કે, શેરબજારમાં છેલ્લે બે વખત જ્યારે કડાકો બોલ્યો હતો અને બૂલ રન દરમિયાન કોન્સોલિડેશન તબક્કો આવ્યો હતો ત્યારે નફો કરતી કંપનીઓ જ આગળ આવી હતી.

તેમણે કહ્યું હતું કે, એક જ વાત છે કે કોન્સોલિડેશન તબક્કામાં બજાર એવા જ શેર્સને માન્યતા આપે છે જે શેર્સ સતત કમાણી કરી રહ્યા છે અને આ તેવા જ શેર્સ ઉપર જાય છે. જ્યારે બજાર ઉપરની દિશામાં જાય છે ત્યારે બધુ જ ઉપર જાય છે પરંતુ જ્યારે બજાર થંભે છે ત્યારે લોકો વાસ્તવિક કમાણી અને સ્ટોરી-ટેલિંગને અલગ કરે છે.

પીબી ફિનટેકના કો-ફાઉન્ડર અને ચેરમેન યાશિષ દહિયાએ તાજેતરમાં જ ઈકોનોમિક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તમે પાંચ કે 10 વર્ષમાં તેઓ શું બની શકશે તેના આધારે તેનું વેલ્યુએશન કરો છો. મૂર્ખ ન બનીએ અને આવી કંપનીઓને જલ્દીથી નફો કરતી જાહેર કરવા માટે દબાણ ન કરીએ. લાંબા ગાળે આ રોકાણકારો માટે મૂલ્ય-વિનાશક બનશે.

Paytm દ્વારા ફાઈલ કરાયેલ IPO પ્રોસ્પેક્ટસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં નફો અસ્પષ્ટ હોઈ શકે છે. મેનેજમેન્ટે પણ તેવો સંકેત આપ્યો હતો. કંપની હજુ પણ વધુ યુઝર્સ મેળવવા માટે, ઘણી વખત કેશબેક સ્વરૂપે રૂપિયા આપી રહ્યા છે. કોઈને ખાતરી નથી કે તે યુઝર્સ આવક લાવશે કે નહીં.

મોર્ગન સ્ટેઈનલીના રિધમ દેસાઈએ રજૂ કરેલું પ્રોજેક્શન દેખાડે છે કે ભારતમાં નવી પ્રોફિટ સાયકલ શરૂ થઈ રહી છે અને તેનાથી શેરબજાર ઉચકાશે. મોટા ભાગે ન્યુ-એજ ટેક્નોલોજી કંપનીઓ આ સાયકલનો ભાગ નહીં હોય.

કંપનીઓ લિસ્ટ થાય તે પહેલા આ જોખમો સ્પષ્ટ હતા. પરંતુ રિટેલ રોકાણકારોએ આ જોખમોને અવગણ્યા હોવાનું જણાય છે. બિનઅનુભવી રોકાણકારો - કદાચ અનુભવી લોકો પણ - મર્ચન્ટ બેંકર્સ અને કેટલાક વિશ્લેષકો દ્વારા કહેવામાં આવેલા વચનો પર ખરીદી હતી.

તે જોવાનું રસપ્રદ રહેશે કે શું તેઓ આ ધબડકામાંથી બોધપાઠ શીખ્યા છે કે પછી ઇતિહાસ તેનું પુનરાવર્તન કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો