એપશહેર

એક્સપર્ટ્સનો મત: સોનામાં યથાવત રહેશે તેજી, 2021માં કેટલા સુધી પહોંચી શકે છે ભાવ?

સૌથી સેફ રોકાણ ગણાતું ગોલ્ડ 2021માં પણ વધશે, તેની પાછળ એક્સપર્ટ્સ આપી રહ્યા છે મજબૂત તર્ક

I am Gujarat 28 Dec 2020, 12:41 pm
મુંબઈ: ગોલ્ડ હંમેશા અનિશ્ચિત સમયમાં સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આ જ કારણ છે કે કોરોના વાયરસની મહામારીની અનિશ્ચિતતામાં પણ ગોલ્ડનો ભાવ નવી ઉંચાઈ પર પહોંચી ગયો છે. જાણકારોનું માનીએ તો 2021માં પણ સોનામાં તેજી જોવા મળી શકે છે. તેનો ભાવ નવા વર્ષમાં 63 હજાર રુપિયા પ્રતિ 10 ગ્રામ થાય તો પણ નવાઈ નહીં. અમેરિકન ડોલરમાં આવેલી નબળાઈ અને નવા રાહત પેકેજની આશાથી સોનાને સપોર્ટ મળવાની શક્યતા છે.
I am Gujarat rally in gold likely to continue yellow metal can touch 63k level say experts
એક્સપર્ટ્સનો મત: સોનામાં યથાવત રહેશે તેજી, 2021માં કેટલા સુધી પહોંચી શકે છે ભાવ?


2020માં કોરોના વાયરસની મહામારીને કારણે આર્થિક અને સામાજીક અનિશ્ચિતતાઓને કારણે સોનું રોકાણનું એક સુરક્ષિત માધ્યમ બનીને ઉભર્યું છે. આ પીળી ધાતુની કિંમત MCX પર ઓગષ્ટમાં 56,191 રુપિયા પ્રતિ 10 ગ્રામ અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 2,075 ડોલર પ્રતિ ઔંશ સુધી પહોંચી ગઈ હતી. વૈશ્વિક નાણાકીય નીતિમાં ઝડપથી આવતા પરિવર્તનથી ઓછા વ્યાજ દર અને અભૂતપૂર્વ લિક્વિડિટીનો દોર શરુ થતાં સોનાની કિંમતમાં ઉછાળો નોંધાયો હતો.

કોમટ્રેડઝ રિસ્ક મેનેજમેન્ટ સર્વિસિસના સીઈઓ જ્ઞાનશંકર ત્યાગરાજનના જણાવ્યા અનુસાર, આ વર્ષની શરુઆતમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 39,100 રુપિયાની આસપાસ હતા. કોરોનાના શરુઆતના આંચકાથી ગોલ્ડ ઘટીને 38,400 રુપિયા થઈ ગયું હતું. પરંતુ ત્યારબાદ તે સતત વધતું રહ્યું, અને એક સમયે 56,191 રુપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું.

તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસની વેક્સિન અને આર્થિક સુધારાની ચર્ચા છતાંય આશા છે કે હાલના પ્રોત્સાહનોને કારણે સોનામાં તેજી આગળ પણ જળવાઈ રહેશે. અમેરિકામાં જાહેર કરાયેલા પેકેજને કારણે ડોલર કમજોર થઈ શકે છે. તેનાથી સોનાની કિંમતમાં ફરી ઉછાળો આવી શકે છે. આ ઉપરાંત, જંગી પેકેજને કારણે ફુગાવાનું દબાણ રહેવાની શક્યતાને કારણે પણ રોકાણકારોમાં સોનાનું આકર્ષણ જળવાઈ રહેશે.

ત્યાગરાજને એમ પણ જણાવ્યું હતું કે ભારત અને ચીનની ડિમાન્ડ 2021માં મહત્વપૂર્ણ રહેશે, જે પાછલા કેટલાક વર્ષથી કમજોર રહી છે. જેના લીધે પણ તેમાં ફરી તેજી આવી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 2021માં સોનાની કિંમત ઓછામાં ઓછી 60 હજાર રુપિયા અથવા 2200 ડોલરના સ્તરે સ્પર્શી શકે છે, બસ તેના માટે રુપિયો સ્થિર રહે તે જરુરી છે.

એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલનું કહેવું છે કે વૈશ્વિક સ્તર પર આર્થિક સુધારા સાથે જોડાયેલી ચિંતાઓને કારણે 2021માં પણ સોનામાં સતત તેજી જોવા મળી શકે છે. તેની કિંમત કોમેક્સ પર 2150-2390 ડોલર પ્રતિ ઔંશની આસપાસ રહી શકે છે. જ્યારે એમસીએક્સ પર ગોલ્ડ 57000-63000 રુપિયા વચ્ચે રહી શકે છે.

તેમણે જણાવ્યું હતું કે આર્થિક ગતિવિધિઓમાં રિકવરીની ધીમી રફ્તાર, શ્રમ બજારની વૃદ્ધિમાં નબળાઈ સાથે મોટી માત્રામાં પ્રોત્સાહનોના ઉપાયોથી સોનામાં મજબૂતાઈ જોવા મળી શકે છે. 2020માં ગોલ્ડને ડોલરની સરખામણીએ રુપિયામાં થયેલા ઘટાડાથી વધુ ટેકો મળ્યો હતો. ગત એક વર્ષ દરમિયાન હાજર રુપિયો લગભગ ત્રણ ટકા નીચે રહ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો