એપશહેર

સરકારને RBIની રિઝર્વ લેવાની જરૂર નથી: જેટલી

I am Gujarat 1 Jan 2019, 8:48 am
67331936 નવી દિલ્હી:નાણાપ્રધાન અરુણ જેટલીના જણાવ્યા અનુસાર રાજકોષીય ખાધના લક્ષ્યાંકને પહોંચી વળવા સરકારને RBIની પુરાંતની જરૂર નથી. પૂરક માંગ અંગેની ચર્ચાનો જવાબ આપતાં જેટલીએ જણાવ્યું હતું કે, “સરકાર ખેડૂતોની મુશ્કેલી દૂર કરવા જરૂરી તમામ પગલાં લેશે.”
I am Gujarat rbi 68
સરકારને RBIની રિઝર્વ લેવાની જરૂર નથી: જેટલી


રાજકોષીય ખાધનો લક્ષ્યાંક પૂરો કરવા સરકારની નજર RBIની પુરાંત પર છે એવા આરોપોનો જવાબ આપતાં જેટલી કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી સરકારે અત્યાર સુધીની સરકારોમાં સૌથી સારી રીતે રાજકોષીય ખાધનું મેનેજમેન્ટ કર્યું છે. મારે રાજકોષીય ખાધ માટે RBIની પુરાંતની જરૂર નથી.” તેમણે કહ્યું હતું કે, “RBIને કેટલી પુરાંતની જરૂર છે તેનો નિર્ણય લેવા અગાઉ 1997, 2004 અને 2013માં નિષ્ણાતોની ત્રણ સમિતિની રચના કરવામાં આવી હતી.”

જેટલીએ કહ્યું હતું કે, “પ્રશ્ન એ છે કે, RBIને અર્થતંત્ર માટે કેટલી માળખાકીય મૂડીની જરૂર છે? કેટલાક દેશોમાં આ આંકડો કુલ એસેટ્સના 8 ટકા હોય છે, તો ઓછું જોખમ લેવા ઇચ્છતા દેશોમાં તેનું પ્રમાણ એસેટ્સના 14 ટકા હોય છે. ભારતમાં આ આંકડો 27-28 ટકા છે.” જેટલીએ કહ્યું હતું કે, “નિષ્ણાતોની સમિતિ RBI પાસે રાખવાની પુરાંતના પ્રમાણનો નિર્ણય લેશે. આ નાણાંનો ઉપયોગ બેન્કોના મૂડીકરણ માટે થઈ શકે. ઉપરાંત, ગરીબી દૂર કરવા પણ આ રકમ વાપરી શકાય.”

જેટલીએ કહ્યું હતું કે, “RBI પાસે રાખવાની પુરાંતનો નિર્ણય લેવા સમિતિની રચના અને તેના માળખાનો નિર્ણય ઊર્જિત પટેલ ગવર્નર હતા ત્યારે લેવાયો હતો. હવે તેની જાહેરાત કરવામાં આવી છે.” સમિતિની આગેવાની RBIના ભૂતપૂર્વ ગવર્નર બિમલ જાલાન કરશે. 2018-’19 માટેની પૂરક માંગની ગ્રાન્ટની બીજી બેચમાં વધારાના ₹85,948.86 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં PSU બેન્કોના ₹41,000 કરોડના મૂડીકરણનો સમાવેશ થાય છે. લોકસભાએ સોમવારે તેને ધ્વનિ મતથી મંજૂરી આપી હતી.

કૃષિની સ્થિતિ અંગે કેટલાક સભ્યોએ વ્યક્ત કરેલી ચિંતા અંગે જેટલીએ કહ્યું હતું કે, “સરકાર ખેડૂતોને ટેકો આપવા શક્ય તમામ પગલાં લેશે. ખેડૂતોને પડતર કરતાં 50 ટકા વધુ લઘુતમ ટેકાના ભાવ (MSP) મળે એ માટે સરકારે પ્રયાસ કર્યા છે. સરકાર ખેડૂતોની મુશ્કેલી દૂર કરવા શક્ય તમામ પગલાં લેશે.” જેટલીએ કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારે રાજકોષીય ખાધમાં ઘટાડો કર્યો છે અને ચાલુ ખાતાની ખાધને અંકુશમાં રાખી છે. તેની સાથે ભારત પાંચ વર્ષ માટે સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવતું અર્થતંત્ર રહ્યું છે.

જેટલીએ જણાવ્યું હતું કે, “મોદી સરકારના કાર્યકાળમાં જ ભારત ચીનને પછાડી સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવનારું અર્થતંત્ર બન્યું હતું.” તેમણે કહ્યું હતું કે, “નોટબંધીએ ટેક્સના વ્યાપની વૃદ્ધિમાં તેમજ ગરીબી નિવારણ અને સામાજિક ક્ષેત્રના કાર્યક્રમો માટે વધુ ભંડોળની ફાળવણીમાં મદદ કરી હતી.”

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો