એપશહેર

કોર્પોરેટ હાઉસોને બેન્કિંગ લાઈસન્સ આપવા સામે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સરકારને ચેતવી

રિઝર્વ બેંકની એક કમિટીએ બિઝનેસ હાઉસોને બેંક લાઈસન્સ આપવાની ભલામણ કરી છે. જેનો રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ વિરોધ કર્યો.

Agencies 24 Nov 2020, 4:30 pm
નવી દિલ્હી: રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને પૂર્વ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ કહ્યું છે કે, કોર્પોરેટ હાઉસોને બેંક શરૂ કરવાની મંજૂરી આપવાની ભલામણ આજની સ્થિતિમાં ચોંકાવનારી છે. બંનેનું માનવું છે કે, બેન્કિંગ ક્ષેત્રમાં બિઝનેસ હાઉસોની હાજરી વિશે હાલમાં જે મર્યાદાઓ અમલમાં છે તેના પર ટકી રહેવું વધુ મહત્વપૂર્ણ છે.
I am Gujarat Raghuram Rajan


રિઝર્વ બેંક દ્વારા બનાવાયેલા એક આંતરિક કાર્ય સમૂહ (IWG)એ ગત સપ્તાહે ઘણા સૂચનો આપ્યા હતા. જેમાં બેન્કિંગ કાયદામાં સંશોધન કરી મોટા કોર્પોરેટ હાઉસોને બેંક શરૂ કરવાનું લાઈસન્સ આપવાનું પણ સામેલ હતું. રાજન અને આચાર્યએ એક સંયુક્ત લેખમાં એમ પણ કહ્યું કે, આ પ્રસ્તાવને હાલમાં પડતો મૂકવો યોગ્ય છે.

તેમાં કહેવાયું છે કે, 'જ્યારે બેંકના માલિક દેવાદાર જ હોય, તો એવામાં બેંક સારી લોન કઈ રીતે આપી શકશે? જ્યારે એક સ્વતંત્ર તેમજ પ્રતિબદ્ધ રેગ્યુલેટરની પાસે દુનિયાભરની માહિતીઓ હોય છે, તો પણ તેમના માટે ખોટી લોન આપવા પર રોક લગાવવા માટે દરેક જગ્યાએ નજર રાખવી મુશ્કેલ હોય છે.' આ ગ્રુપની રચના દેશની ખાનગી ક્ષેત્રોની બેંકોમાં માલિકી સંબધિત દિશાનિર્દેશો અને કંપની સંચાલન વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે કરવામાં આવી હતી.

આર્ટિકલમાં વર્કિગ ગ્રુપના આ જ પ્રસ્તાવ તરફ ઈશારો કરતા કહેવાયું કે, મોટા પ્રમાણમાં ટેકનિકલ રેગ્યુલેટરી પ્રોવિઝન્સને તાર્કિક બનાવવાની વચ્ચે આ (કોર્પોરેટ હાઉસોને બેંકનું લાઈસન્સ આપવા સંબંધિત ભલામણ) સૌથી મહત્વપૂર્ણ સૂચન 'ચોંકાવનારું' છે. તેમાં કહેવાયું કે, 'તેમાં પ્રસ્તાવ મૂકાયો છે કે, મોટા કોર્પોરેટ હાઉસોને બેન્કિંગ ક્ષેત્રમાં ઉતરવાની મંજૂરી આપવામાં આવે. ભલે આ પ્રસ્તાવ કેટલીક શરતો સાથે છે, પરંતુ તે એક મહત્વપૂર્ણ સવાલ ઊભો કરે છે: આવું અત્યારે કેમ?'

આ આર્ટિકલ રઘુરામ રાજનના લિંક્ડઈન પ્રોફાઈલ પર સોમવારે પોસ્ટ કરાયો. તેમાં કહેવાયું કે, આંતરિક કાર્ય સમૂહે બેન્કિંગ એક્ટ 1949માં ઘણા મહત્વના સંશોધનના સૂચન આપ્યા છે. તેનો ઉદ્દેશ્ય બેન્કિંગમાં કોર્પોરેટ હાઉસોને ઘૂસવાની મંજૂરી આપતા પહેલા રિઝર્વ બેંકની શક્તિઓ વધારવાનો છે. બંને લેખકોએ કહ્યું કે, 'જો સારું નિયમન અને સારી તકેદારી માત્ર કાયદો બનાવવાથી શક્ય હોય તો ભારતમાં એનપીએની સમસ્યા ન હોત. સંક્ષેપમાં કહેવામાં આવે તો ટેકનિકલ રીતે તાર્કિક બનાવવા પર કેન્દ્રિત આતંરિક સમૂહના ઘણા સૂચનો અપનાવવા યોગ્ય છે, પરંતુ તેનું મુખ્ય સૂચન એટલે કે બેન્કિંગમાં કોર્પોરેટ હાઉસોને ઉતરવાની મંજૂરી આપવી હાલમાં પડતી મૂકવા લાયક છે.'

રાજન અને આચાર્યએ કહ્યું કે, દુનિયાના ઘણા ભાગોની જેમ ભારતમાં બેંકોને કદાચ જ ક્યારેક નિષ્ફળ થવા દેવાય છે. યસ બેંક અને લક્ષ્મી વિલાસ બેંકને હાલમાં જે રીતે બચાવાઈ છે, તે તેનું જ ઉદાહરણ છે. એ જ કારણે ડિપોઝિટર્સને એ વિશ્વાસ હોય છે કે, નોટિફાઈડ બેંકોમાં મૂકેલા તેમના રૂપિયા સુરક્ષિત છે. તેનાથી બેંકો માટે ડિપોઝિટર્સે મૂકેલા રૂપિયાના મોટા ભાગનો ઉપયોગ કરવો સરળ થઈ જાય છે.

રિઝર્વ બેંકના બંને પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, બેન્કિંગ ક્ષેત્રમાં મોટા કોર્પોરેટ હાઉસોને ઉતરવા ન દેવા પાછળ બે કારણો છે. પહેલો તર્ક એ છે કે, કોર્પોરેટ હાઉસોને રૂપિયાની જરૂર હોય છે. જો તેમની પાસે પોતાની બેંક હશે તો કોઈ સવાલ વિના સરળતાથી રૂપિયા લઈ લેશે. બીજું કારણ એ છે કે, બેન્કિંગમાં કોર્પોરેટ હાઉસો ઉતરવાથી કેટલાક કોર્પોરેટ હાઉસોની આર્થિક તેમજ રાજકીય શક્તિ વધી જશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો