એપશહેર

મોદીના પીએમ બન્યા બાદ પહેલીવાર RBIએ વ્યાજના દર વધાર્યા

નવરંગ સેન | I am Gujarat 6 Jun 2018, 2:49 pm
મુંબઈ: આરબીઆઈએ સાડા ચાર વર્ષમાં પહેલી વાર વ્યાજના દરમાં વધારો કર્યો છે. બેંકે આજે જાહેર કરેલી મોનેટરી પોલિસીમાં ટૂંકા ગાળાના લેન્ડિંગ રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરાયો છે, આ સાથે જ તેનો દર વધીને 6.25 ટકા થયો છે. મહત્વનું છે કે, નરેન્દ્ર મોદીના સત્તા પર આવ્યા બાદ પહેલી વાર રિઝર્વ બેંકે વ્યાજના દરમાં વધારો કર્યો છે. જોકે, બેંકે સીઆરઆર (કેશ રિઝર્વ રેશિયો) અને સ્ટેચ્યુટરી લિક્વિડ રેશિયો (SLR)ને યથાવત રાખ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડના ભાવમાં વધારો થયા બાદ પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ તેમજ ફુગાવો વધતા રિઝર્વ બેંક આ વખતે વ્યાજદર વધારશે તેવી મજબૂત શક્યતા હતી. આરબીઆઈએ પોતાના અનુમાનમાં ક્રુડના ભાવ એપ્રિલમાં 68 ડોલર પ્રતિ બેરલની આસપાસ હશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી, પરંતુ ક્રુડ 80 ડોલરની સપાટીએ પહોંચી ગયું હતું. રેપો રેટ એટલે રિઝર્વ બેંક અન્ય બેંકોને જે દરે ધીરાણ કરે તે દર. બેંકોને મળતા ધીરાણ પર વ્યાજ વધવાથી હવે બેંકો પણ વિવિધ પ્રકારની લોનો પર વ્યાજનો દર વધારશે. જેનાથી લોન મોંઘી થશે. ફુગાવાનું પ્રમાણ જ્યારે વધી જાય ત્યારે માર્કેટમાં કેશ ફ્લોને કાબૂમાં લેવા માટે રિઝર્વ બેંક વ્યાજના દર વધારતી હોય છે. મહત્વનું છે કે, રિઝર્વ બેંક વ્યાજના દર વધારશે તેવી પૂરી શક્યતા હોવાથી થોડા દિવસ પહેલા જ વિવિધ બેંકોએ લોન પર લેવાતા વ્યાજના દરમાં પણ વધારો કર્યો છે. બીજી તરફ, ફિક્સ્ડ ડિપોઝિટ પર પણ વ્યાજના દર વધારવામાં આવ્યા છે. નોટબંધી બાદ બેંકો પાસે વિશાળ માત્રામાં કેશ આવી જતા બેંકોએ વ્યાજના દરોમાં ઘટાડો કર્યો હતો. જોકે, નોટબંધીના બે વર્ષ બાદ વ્યાજના દરમાં સતત ઘટાડો થવાનો સિલસિલો આજે અટક્યો છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો