એપશહેર

ટોચની ૫૦૦ લિસ્ટેડ કંપનીઓ માટે ડિવિડન્ડ પોલિસી ફરજિયાત

I am Gujarat 14 Jul 2016, 4:52 am
જંગી રોકડ અનામત ધરાવતી ઘણી કંપનીઓ શેરધારકોને ડિવિડન્ડ ચૂકવવામાં અનિચ્છા દર્શાવતી હોવાની અનેક ફરિયાદોને પગલે બજાર નિયામક સેબીએ માર્કેટ કેપની દૃષ્ટિએ ટોચની ૫૦૦ લિસ્ટેડ કંપનીઓ માટે ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન પોલિસી ફરજિયાત બનાવી છે. આ નવા નિયમો કંપનીને ડિવિડન્ડની ચૂકવણીની ફરજ નહીં પાડે પરંતુ તેનાથી રોકાણકારોને આ લિસ્ટેડ કંપનીઓમાંના તેમના રોકાણની સ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ મળશે. આ સિવાય તેઓ તેમની રોકાણ જરૂરિયાતોને અનુસાર શેરની પસંદગી કરી શકશે.
I am Gujarat sebi makes dividend distribution policy must for top 500 firms
ટોચની ૫૦૦ લિસ્ટેડ કંપનીઓ માટે ડિવિડન્ડ પોલિસી ફરજિયાત


સેબીના બોર્ડ દ્વારા અગાઉ મંજૂર કરાયેલા આ નવા નિયમો અંગે સેબીએ જણાવ્યું હતું કે રોકાણકારોને કયા સંજોગોમાં ડિવિડન્ડ મળશે કે કયા સંજોગોમાં નહીં મળે તે કંપનીઓએ જણાવવાનું રહેશે. આ ઉપરાંત ડિવિડન્ડ જાહેર કરવા માટે કંપનીઓએ વિવિધ નાણાકીય માપદંડ તથા આંતરિક અને બાહ્ય પરિબળોને પણ ધ્યાનમાં લેવાના રહેશે. એટલું જ નહીં પરંતુ કંપની તેની પાસે રહેલી નફાની વધારાની રકમનો ઉપયોગ કેવી રીતે કરશે તેની જાણ પણ તેણે શેરધારકોને કરવાની રહેશે. તદુપરાંત વિવિધ વર્ગના શેરો અંગે અપનાવાનારા માપદંડો અંગેની માહિતી પણ આપવાની રહેશે. કંપનીઓએ આ પોલિસીની જાણ પોતાના વાર્ષિક અહેવાલમાં તથા તેમની વેબસાઈટ્સ પર કરવાની રહેશે.

શરૂઆતમાં માર્કેટ કેપિટલાઈઝેશન(દરેક નાણાકીય વર્ષની ૩૧ માર્ચના રોજ)ની દૃષ્ટિએ ટોચની ૫૦૦ કંપનીઓએ ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન પોલિસી તૈયાર કરવાની રહેશે જ્યારે અન્ય કંપનીઓને પાછળની તારીખે તે લાગુ પડશે. સેબીના જણાવ્યાં અનુસાર માર્કેટ કેપની દૃષ્ટિએ ટોચની ૫૦૦ કંપનીઓએ સ્વૈચ્છિક ધોરણે તેમની ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન નીતિ પોતાના વાર્ષિક અહેવાલ તથા વેબસાઈટ્સ પર મુકવાની રહેશે. ડિવિડન્ડની ચૂકવણી દાયકાઓથી પ્રચલનમાં હોવા છતાં સેબીના આ પગલાંથી રોકાણકારોને કંપનીઓમાં કરવામાં આવતાં રોકાણ પરનું વળતર અંગેનો ખ્યાલ મળી રહેશે. બ્રાઝિલ, ચીલી, વેનેઝુએલા, કોલંબિયા તથા ગ્રીસ જેવા રાષ્ટ્રોએ કંપનીના નફાના પ્રમાણમાં શેરધારકોને ડિવિડન્ડ ચૂકવવાનું ફરજિયાત બનાવ્યું હોવાનું કહેવાય છે.

ડિવિડન્ડની ફરજિયાત ચૂકવણીથી લઘુમતિ રોકાણકારોને લાભ થાય છે તો બીજી બાજુ તેનાથી કંપનીની રોકાણની યોજનાઓ પર વિપરીત અસર પડે છે. ભારતમાં પ્રવર્તમાન નિયમો અનુસાર કંપનીઓએ છેલ્લાં પાંચ વર્ષની તેમની ડિવિડન્ડ નીતિ તથા ડિવિડન્ડનો દર જણાવવાનો રહે છે. જોકે અત્યાર સુધી ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન નીતિ ફરજિયાત નહીં હોવા છતાં કેટલીક લિસ્ટેડ કંપનીઓએ સ્વયં પોતાની નીતિ ઘડી હતી.

કયા રાષ્ટ્રોમાં ડિવિડન્ડ ચૂકવણી ફરજિયાત બ્રાઝિલ, ચીલી, વેનેઝુએલા, કોલંબિયા તથા ગ્રીસમાં કંપનીના નફાના પ્રમાણમાં શેરધારકોને ડિવિડન્ડ ચૂકવવાનું ફરજિયાત બનાવ્યું હોવાનું કહેવાય છે.

ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા સરળ બનાવાઈ નવી દિલ્હી- સ્ટોક બ્રોકર્સ માટે રોકાણકારોનું ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાને સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ કેટલાંક ચોક્કસ દસ્તાવેજોને ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં રજૂ કરવાની મંજૂરી આપી છે. આ માટે ક્લાયન્ટની મંજૂરી લેવાની રહેશે. ઈલેક્ટ્રોનિક ફોર્મેટમાં દસ્તાવેજોની જાળવણી સરળ બનવાને પગલે રોકાણકારો પણ તેની યોગ્ય જાળવણી કરી શકશે. આ નવો નિર્દેશ આગામી ૧ ઓગસ્ટ, ૨૦૧૬થી અમલી બનશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો