એપશહેર

ટેક્સપેયર્સ માટે ખુશખબર! IT રિટર્નમાં નહીં આપવી પડે આ જાણકારી

ઈન્કમ ટેક્સ ભરતા લોકોએ રિટર્નમાં આ મહત્વની જાણકારી આપવાની જરૂર નહીં પડે, સત્તાવાર સૂત્રોએ આપી માહિતી

I am Gujarat 17 Aug 2020, 11:26 pm
નવી દિલ્હી: ટેક્સપેયર્સને પોતાના ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ (ITR ફોર્મ)માં મોટી કિંમતની લેવડ-દેવડ વિશે જાણકારી નહીં આપવી પડે. સત્તાવાર સૂત્રોએ આ જાણકારી આપી છે. ઘટનાક્રમ સાથે જોડાયેલા સત્તાવાર સૂત્રોએ એક સવાલના જવાબમાં કહ્યુ કે, 'IT રિટર્નમાં ફેરફારનો હાલ કોઈ પ્રસ્તાવ નથી.' અધિકારીઓ પાસેથી આ સંબંધમાં આવેલા કેટલાક રિપોર્ટ્સ અનુસાર 20 હજાર રૂપિયાથી વધુના હોટલ પેમેન્ટ, 50 હજાર રૂપિયાથી વધુના જીવન વીમા પ્રીમિયમ પેમેન્ટ, 20 હજાર રૂપિયાથી વધુ સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પેમેન્ટ, સ્કૂલ અથવા કૉલેજને એક વર્ષમાં એક લાખથી વધુનું ડૉનેશન વગેરે જેવી નાણાંકિય લેવડ-દેવડની જાણકારી માટે રિટર્ન ફોર્મનો વિસ્તાર કરવાનો પ્રસ્તાવ છે.
I am Gujarat taxpayers not required to disclose high value transactions in itr
ટેક્સપેયર્સ માટે ખુશખબર! IT રિટર્નમાં નહીં આપવી પડે આ જાણકારી


સૂત્રોએ કહ્યું કે, નાણાંકિય લેવડ-દેવડ વિશે જાણકારીનો વિસ્તાર કરવાનો અર્થ એ થશે કે, ઈન્કમ ટેક્સને આ પ્રકારના ઊંચા મૂલ્યવાળી લેવડ-દેવડની જાણકારી ફાયનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂટ આપશે. ઈન્કમ ટેક્સ લૉ હિસાબે માત્ર ત્રીજો પક્ષ જ આ પ્રકારની લેવડ-દેવડની જાણકારી ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપી શકે છે. ઈન્કમ ટેક્સ વિભાગ તે જાણકારીના આધારે એ તપાસ કરે છે કે, જે-તે વ્યક્તિએ પોતાનો ટેક્સ યોગ્ય રીતે ભર્યો છે કે નહીં. આ જાણકારીનો ઉપયોગ પ્રામાણિક ટેક્સપેયર્સની તપાસ માટે થતો નથી.

ITR ફોર્મમાં કોઈપણ ફેરફારનો પ્રસ્તાવ નહીં

એક અધિકારીએ કહ્યું કે, 'IT રિટર્ન ફોર્મમાં કોઈપણ પ્રકારના ફેરફારનો કોઈ પ્રસ્તાવ નથી. ટેક્સપેયર્સને ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મમાં તેની મોટી રકમની લેવડ-દેવડની જાણકારી આપવાની કોઈ જરૂર નથી.' અધિકારીઓનું કહેવું છે કે મોટી રકમની લેવડ-દેવડના માધ્યમથી ટેક્સપેયર્સની ઓળખ કરવી એક દખલગિરી વિનાની પ્રક્રિયા છે. આ અંતર્ગત એવા લોકોની ઓળખ કરવામાં આવે છે જેઓ ઘણી પ્રકારના સામાન ખરીદવામાં ખૂબ પૈસા ખર્ચે છે અને તેમ
છતાં ઈન્કમ ટેક્સ રિટર્નમાં તેને દેખાડતા નથી અથવા પોતાના વાર્ષિક આવક 2.5 લાખથી ઓછી દેખાડે છે. આવા ખર્ચમાં બિઝનેસ ક્લાસ હવાઈ મુસાફરી, મોટી હોટલ્સમાં રૂપિયા ખર્ચ કરવા અને બાળકોને મોંઘી સ્કૂલમાં ભણાવવા વગેરે શામેલ છે.

મોટી લેવડ-દેવડ માટે પહેલેથી છે જોગવાઈ

નાણાં મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, ઈન્કમ ટેક્સ કાયદામાં પહેલેથી ઊંચી લેવડ-દેવડ માટે PAN નંબર અને આધાર નંબર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રકારની ઊંચી લેવડ-દેવડ અંગે સંબંધિત કંપની અથવા ત્રીજો પક્ષ ઈન્કમ ટેક્સને સૂચવે છે. આ જોગવાઈ મુખ્ય રીતે આધારને વ્યાપક બનાવવાના હેતુથી કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, 'એ હકીકત બધાની સામે છે કે, ભારતમાં લોકોનો એક નાનકડો વર્ગ જ ઈન્કમ ટેક્સ ભરે છે અને તે બધા લોકો જેમને ચૂકવણી કરવાની છે તેઓ અસલમાં તે કરી રહ્યા નથી.'

સૂત્રોનું કહેવું છે કે, આવામાં ઈન્કમ ટેક્સ વિભાગને ટેક્સ કલેક્શન માટે સ્વૈચ્છિક ટેક્સ પેયર્સ પર જ નિર્ભર રહેવું પડે છે. આવામાં ત્રીજા પક્ષ પાસેથી મેળવેલી નાણાંકિય લેવડ-દેવડનું વિવરણ જ કોઈ હસ્તક્ષેપ વિના ટેક્સ ચોરને શોધવાનો સૌથી પ્રભાવી ઉપાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો