એપશહેર

કાબુલી ચણાના ભાવ વિક્રમી ટોચે

I am Gujarat 12 Jul 2016, 4:14 am
પૂરવઠો વધારવા માટે સરકાર પ્રયાસો કરી રહી હોવા છતાં પૂરવઠાની અછત પાછળ કઠોળના ભાવમાં વિક્રમી તેજી જારી રહી છે. સોમવારે જથ્થાબંધ બજારમાં કાબૂલી ચણા તથા ચણાના ભાવ વધીને વિક્રમી સપાટીને સ્પર્શી ગયો હતો. સરકારના ભાવવધારો ડામવાના પ્રયાસો ક્યારે પરિણામ લાવશે તે હવે વિચાર માગી લેનારો પ્રશ્ન બની ગયો છે.
I am Gujarat wholesale prices of kabuli gram gram shot to record highs
કાબુલી ચણાના ભાવ વિક્રમી ટોચે


કાબુલી ચણાની સ્મોલ વેરાયટીના ભાવ પાછલા બંધ ક્વિન્ટલદીઠ રૂ. ૮,૮૦૦-૧૦,૦૦૦ સામે વધીને રૂ. ૧૦,૦૦૦-૧૦,૨૦૦ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગયા છે. ચણા પણ ક્વિન્ટલદીઠ રૂ. ૮,૧૦૦-૮,૪૦૦ સામે વધીને રૂ. ૮,૫૦૦-૯,૦૦૦ના શિખરે પહોંચી ગયા છે. ચણા દાળ લોકલ અને બેસ્ટ ક્વોલિટી પણ અનુક્રમે રૂ. ૮,૭૦૦-૮,૯૦૦ તથા રૂ. ૯,૦૦૦-૯,૧૦૦ની ઊંચી સપાટીએ જોવાઈ હતી.

કિલોગ્રામ દીઠ રૂ. ૨૦૦ની સપાટીએ પ્રવર્તી રહેલા કઠોળના ભાવ સરકાર માટે માથાનો દુ:ખાવો બન્યાં છે. આ પ્રશ્નના ઉકેલ માટે સરકારે મોટા પાયે કઠોળ પકવતા રાષ્ટ્રો પાસેથી આયાત સહિતના વિકલ્પો અજમાવવા શરૂ કર્યાં છે. સોમવારે અન્ય કઠોળમાં વર્તમાન ઊંચા ભાવે ઉલ્લેખનીય ખરીદી નહોતી, તેથી તેમના ભાવ સાંકડી રેન્જમાં જ રહ્યાં હતાં અને પાછલા બંધની તુલનાએ લગભગ સ્થિર રહ્યા હતાં.

કઠોળના MSP, બોનસની પુન: સમીક્ષા માટે સમિતિની રચના

કઠોળના ભાવવધારાથી ચિંતિત બનેલી સરકારે કઠોળની વાવણીને પ્રોત્સાહન આપવા માટે તેના મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (MSP) અને બોનસની પુન: સમીક્ષા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ સમિતિ ભારતમાં કઠોળની વાવણીને વેગ આપવા માટે યોગ્ય નીતિ ઘડવા અંગે પણ સૂચન આપશે. સરકાર કઠોળના બફર સ્ટોકનું કદ હાલના આઠ લાખ ટનથી વધારીને ૨૦ લાખ ટન કરી રહી છે, તેની સાથોસાથ કઠોળનું મોટા પાયે ઉત્પાદન કરતા રાષ્ટ્રો પાસેથી સરકાર-થી-સરકારના સ્તરે આયાતની શક્યતાઓ ચકાસાઈ રહી છે. નાણાપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતા હેઠળની એક ઊચ્ચ સ્તરીય ટીમની બેઠકમાં આ નિર્ણયો લેવાયા હતાં. આ બેઠકમાં અન્ન પ્રધાન રામવિલાસ પાસવાન અને શહેરી વિકાસ પ્રધાન એમ. વેંકૈયા નાયડૂ પણ હાજર રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે સરકાર ૨૦૧૬-૧૭ના પાક વર્ષ મટે ખરીફ કઠોળના MSPમાં તીવ્ર વૃદ્ધિની જાહેરાત કરી ચૂકી છે. આ સમિતિના અહેવાલના આધારે સરકાર હાલ ચાલી રહેલી ખરીફ સિઝન માટે કઠોળની ખેતીને પ્રોત્સાહન જાહેર કરે છે કે પછી રબી સિઝન માટે પ્રોત્સાહન આપશે તે જોવાનું રહે છે. સરકાર ૨૦૧૬-૧૭ના પાક વર્ષ (જુલાઈ-જૂન)માં તુવેર જેવા કઠોળનું ૧.૧૯ લાખ ટનનું સંપાદન કરી ચૂકી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો