એપશહેર

એશિયાના સૌથી ધનવાન મુકેશ અંબાણીથી કઈ રીતે આગળ નીકળી ગયા ચીનના જોંગ?

જોંગની ફાર્મા કંપનીનો શેર લિસ્ટિંગ બાદ બે હજાર ટકા ઉછળ્યો, ચીનની બહાર તેમને કોઈ ભાગ્યે જ ઓળખે છે

I am Gujarat 31 Dec 2020, 1:06 pm
નવી દિલ્હી: મુકેશ અંબાણીને પાછળ રાખીને ચીનના જોંગ શાનશાન એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. ભાગ્યે જ જાહેરમાં દેખાતા કે પછી મીડિયામાં ચમકતા શાનશાન પત્રકારથી લઈને મશરુમની ખેતી તેમજ હેલ્થકેર સેક્ટરમાં પણ હાથ અજમાવી ચૂક્યા છે. શાનશાને ચીનના સૌથી ધનવાન અને અલીબાબા ગ્રુપના સ્થાપક જેક માને પણ પાછળ છોડી દીધા છે. આ વર્ષે તેમની વેલ્થ 70.9 અબજ ડોલરથી વધીને 77.8 અબજ ડોલર થઈ છે, આમ તેઓ દુનિયાના 11મા સૌથી ધનિક વ્યક્તિ પણ બન્યા છે.
I am Gujarat zhong shanshan of china overtakes mukesh ambani to become asias richest person
એશિયાના સૌથી ધનવાન મુકેશ અંબાણીથી કઈ રીતે આગળ નીકળી ગયા ચીનના જોંગ?


બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર, શાનશાન અત્યારસુધીના ઈતિહાસમાં સૌથી ઝડપથી અબજોપતિ બનનારા શખ્સ છે. સૌથી મહત્વની વાત એ છે કે તેમને ચીનની બહાર ભાગ્યે જ કોઈ ઓળખે છે, કારણકે તેઓ પબ્લિસિટીથી હંમેશા દૂર રહેવાનું પસંદ કરે છે. એશિયામાં તેમના પછી 76.9 બિલિયન ડોલરની વેલ્થ સાથે મુકેશ અંબાણી બીજા નંબરે આવે છે, જ્યારે અલીબાબાના જેક મા 51.2 અબજ ડોલરની વેલ્થ સાથે પાંચમાં નંબરના ધનિક છે.

66 વર્ષના શાનશાન ના તો રાજકારણ સાથે સંકળાયેલા છે, કે પછી ના તો તેમના વેપાર હિત ચીનના બીજા કોઈ ધનવાન પરિવારો સાથે ટકરાય છે. આ કારણે જ તેમને ચીનમાં 'લોન વુલ્ફ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની કંપની બેજિંગ વાન્તાઈ બાયોલોજીકલ ફાર્મસી એન્ટરપ્રાઈઝ કંપની લિમિટેડનો એપ્રિલમાં આઈપીઓ આવ્યો હતો, અને ત્યારબાદ તેમની બોટલ્ડ વોટર કંપની નોન્ગ્ફુ સ્પ્રિંગ લિસ્ટેડ થઈ હતી. નોન્ગ્ફુના શેર લિસ્ટિંગથી અત્યારસુધી 155 ટકા વધી ચૂક્યા છે, જ્યારે વાન્તાઈનો શેર 2000 ટકાથી પણ વધુ વધી ચૂક્યો છે.

મુકેશ અંબાણી માટે પણ 2020નું વર્ષ ખૂબ જ લકી રહ્યું છે. રિલાયન્સને ટેક્નોલોજી તેમજ ઈ-કોમર્સ કંપનીમાં તબદીલ કરવાના તેમના પ્રયાસ સફળ રહ્યા છે, અને તેમની વેલ્થ કંપનીના શેરમાં થયેલા ઉછાળાને પગલે આ વર્ષે જ 18.3 અબજ ડોલરથી વધીને 76.9 અબજ ડોલર થઈ છે. એક સમયે મુકેસ અંબાણી દુનિયાના ચોથા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા, પરંતુ તેમની કંપનીના શેરમાં ગાબડું પડતાં તેમની વેલ્થ પણ ઘટી હતી.

બીજી તરફ, સિટીગ્રુપે પોઝિટિવ રિવ્યૂ આપતા નોંગ્ફુનો શેર આ સપ્તાહે રેકોર્ડ ઉંચાઈ પર પહોંચ્યો હતો. આ કંપની કોરોનાની રસી બનાવવા સાથે પણ સંકળાયેલી છે. જોંગને ચીનની ટેક્નોલોજી કંપનીઓ પર સરકારે ગાળિયો કસતા પણ મોટો ફાયદો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલ જેક મા અને ચીનની સરકાર વચ્ચે ચાલી રહેલા ખટરાગની આખી દુનિયામાં ચર્ચા છે. જેના કારણે ટેક્નોલોજી કંપનીઓના શેર્સમાં પણ ગાબડું પડ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો