એપશહેર

16.61 લાખનો દારૂ પકડાયો પણ બે બૂટલેગરો નાસી છૂટ્યાં

I am Gujarat 27 Aug 2016, 3:35 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat 16 61
16.61 લાખનો દારૂ પકડાયો પણ બે બૂટલેગરો નાસી છૂટ્યાં


શહેરમાં દારૂની રેલમછેલ હોવાનો વધુ એક પુરાવો વટવા જીઆઈડીસી પોલીસે આપ્યો છે. આ પોલીસે એક્સપ્રેસ હાઈવેના એક ગરનાળા પાસે પરોઢિયે વોચ ગોઠવીને 16.61 લાખ રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક ડ્રાઈવર અને બે ક્લીનર મળી કુલ ત્રણની ધરપકડ કરી છે. જ્યારે પોલીસને જોઈને ખોખરામાં રહેતા બે કુખ્યાત બૂટલેગર નાસી છૂટ્યા હતા. પોલીસે દારૂ, બોલેરો પીકઅપ જીપ અને એક આગળ પાઇલોટિંગ કરી રહેલા એક ટુ વ્હીલર મળીને કુલ 19.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. બુટલેગર નાસી છૂટતા પોલીસ દારૂ ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવાઈ રહ્યો હતો તે જાણી શકી નહીં હોવાનું જણાવ્યું હતું.

વટવા જીઆઈડીસીના પીઆઈ ઝેડ.એ.શેખને એક બાતમી મળી હતી કે, બોલેરો પીકઅપ જીપમાં લાખો રૂપિયાનો દારૂ તેમના વિસ્તારમાંથી પસાર થવાનો છે. જેના આધારે તેમણે ટીમ સાથે બુધવારે પરોઢિયે પાંચ વાગ્યે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેના રામોલ ગરનાળા ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી આગળ એક્સેસ ટુ વ્હીલર પર આગળ પાઇલોટિંગ કરી રહેલા શખ્સની પાછળ આવતી એક બોલેરો પીકઅપ જીપ જોઈ હતી. દરમિયાન બૂટલેગરોએ પણ આગળ પોલીસને જોઈ વાહનમાંથી ઉતરીને નાસી છૂટ્યા હતા. દરમિયાન પોલીસે પીછો કરીને જીપના ડ્રાઈવર લએક મહોમદ શેખ અને અન્ય બે ક્લીનર મળી કુલ ત્રણની ધરપકડ કરી જીપમાંથી 16.61 લાખનો વિદેશી દારૂ તથા જીપ અને એક્સેસ મળીને કુલ 19.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વટવા જીઆઈડીસી પોલીસે જણાવ્યું હતું કે, ખોખરામાં રહેતા બે બૂટલેગરો ટીનો અને હસૈન બાટલો નાસી છૂટ્યાં છે. તેમના પકડાયા બાદ દારૂ ક્યાંથી આવતો હતો અને ક્યાં જતો હતો તે જાણી શકાશે.

વટવા જીઆઈડીસી પોલીસ અન્ય પોલીસને બચાવી રહી છે?
વટવા જીઆઈડીસી પોલીસે પકડેલી દારૂની ખેપ અંગે ગણગણાટ શરૂ થયો છે કે, પોલીસ કાર્યવાહી સરાહનીય છે, પરંતુ દારૂના આટલા મોટા જથ્થાથી એક વાત એ પણ છે કે, આ તો પોલીસે એક ખેપ પકડી, બાકી રોજની કેટલી દારૂ ભરેલી ગાડીઓ શહેરમાં ઠલવાતી હશે. એટલું જ નહીં, વટવા જીઆઈડીસી પોલીસનું કહેવું છે કે, દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં જતો હતો તે બૂટલેગરના પકડાયા બાદ જાણી શકાશે. ચર્ચા છે કે, પોલીસે પીકઅપ જીપના ડ્રાઈવરને જ પકડ્યો છે. તેણે પણ દારૂ ક્યાંથી ભર્યો હતો અને ક્યાં લઈ જવાનો હશે તે અંગે ખુલાસો કર્યો જ હશે. પરંતુ દારૂ જે વિસ્તારમાં ઠાલવવાનો હતો તે વિસ્તારની પોલીસને બચાવવા જીઆઈડીસી પોલીસ દારૂ ક્યાં ઉતરવાનો હતો તે મુદ્દે અજાણ હોવાનું કહી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો