એપશહેર

વ્યાજનું વિષચક્ર: 70 હજારના 2 લાખ ચુકવ્યા પછી પણ કડક ઉઘરાણીથી ત્રાસી ઝેર પીધું

I am Gujarat 12 Sep 2016, 4:40 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat 70 2 2
વ્યાજનું વિષચક્ર: 70 હજારના 2 લાખ ચુકવ્યા પછી પણ કડક ઉઘરાણીથી ત્રાસી ઝેર પીધું


કૃષ્ણનગરના એક યુવકે નારણપુરા અને મેમનગરના ચાર વ્યાજખોરોના ત્રાસથી ઝેર પીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. વ્યાજે લીધેલા 70 હજારના બદલામાં 2 લાખ રૂપિયા પરત ચુકવ્યા છતાં રૂપિયાની ઉઘરાણી કરતા અને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકીથી કંટાળી યુવકે આપઘાત કર્યાનું અંતિમ ચિઠ્ઠીમાં આક્ષેપ કર્યો છે. નોંધનીય છે કે, મૃતક જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટી બહાર પાર્ક કરેલી તેની ઈકો કારમાંથી જ તે શનિવારે સવારે અર્ધબેભાન હાલતમાં મળી આવ્યો હતો. લોકોએ સિવિલ હોસ્પિટલ ખસેડતા ત્યાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસે ચારેય વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.

કૃષ્ણનગરની વિશ્વકેતુ સોસાયટી બહાર પાર્ક એક ઈકો કારમાંથી તે જ સોસાયટીમાં રહેતા 42 વર્ષિય છગનભાઈ બટુકભાઈ આહીર અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યાં હતા. જ્યાં ટૂંકી સારવારમાં તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા દોડી આવેલી કૃષ્ણનગર પોલીસે તપાસ કરતા છગનભાઈ આહીરે ઝેર પીને આપઘાત કર્યાનું ખૂલ્યું હતું. કૃષ્ણનગર પોલીસે તપાસ કરતા છગનભાઈ પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, નારણપુરા જોગણીમાતાનાં મંદિર પાસે રહેતા જયેશ રબારી અને બિજલ રબારી તથા મેમનગર ખાતે રહેતા કાનજી રબારી અને અનિલ મરાઠી પાસેથી તેમણે 70 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. આ રૂપિયાના બદલામાં તેમણે વ્યાજ સાથે 2 લાખ રૂપિયા ચુકવી દીધા છતાં વ્યાજખોરો તેમની પાસેથી વધુ રૂપિયાની માંગણી કરતા હતા.

છગનભાઈ આહીર રૂપિયા ભરપાઈ થઈ ગયાનું કહેતા ત્યારે વ્યાજખોરો તેમને મારી નાંખવાની ધમકી આપતા હતા. છેલ્લા લાંબા સમયથી અપાતા આ માનસિક ત્રાસથી કંટાળીને અંતે છગનભાઈ બટુકભાઈ આહીરે તેમની ઈકો કારમાં પોતાની સોસાયટી બહાર ઝેર ગટગટાવી લીધું હતું. પોલીસનું કહેવું છે કે, છગનભાઈ પોતાની ઈકો કાર લઈને એસ.જી હાઈવે પર પેસેન્જર વર્ધીનું કામ કરતા હતા.
હાલ કૃષ્ણનગર પોલીસે આ ચાર વ્યાજ ખોરોને પકડી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો