એપશહેર

‘ચેઈન સ્નેચિંગ, ઘરફોડના ગુના રોકો’ પોલીસને ક્રાઈમ કોન્ફરન્સમાં તાકીદ

I am Gujarat 7 Feb 2017, 1:01 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat crime 259
‘ચેઈન સ્નેચિંગ, ઘરફોડના ગુના રોકો’ પોલીસને ક્રાઈમ કોન્ફરન્સમાં તાકીદ


શહેરના પશ્ચિમ વિસ્તારના માર્ગો ઉપર ફરી એક વખત ગુનેગારોનું રાજ સ્થાપિત થઈ રહ્યું હોય તેમ ચેઈન સ્નેચિંગ, યુવતીઓના પર્સ લૂંટી લેવાના અને ઘરફોડ ચોરીના ગુના વધી રહ્યાં છે. સોમવારે શહેરના પશ્ચિમ વિસ્તાર એટલે કે સેક્ટર-1ના PIની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં JCP પિયૂષ પટેલે તમામ PIને ગુના બને તે પછી કાર્યવાહી કરવાના બદલે ગુના જ ન બને તેવું પેટ્રોલિંગ કરવાની તાકીદ કરી છે. પ્રો-એક્ટિવ પોલીસિંગથી પ્રજાજનોને સલામતીનો અહેસાસ થાય તેવી કાર્યવાહી કરવા માટે પોલીસને ઈજન આપવામાં આવ્યું છે.

ચોરી, લૂંટ, સ્નેચિંગના ગુના બને તે નોંધીને આરોપીને પકડવા માટે કવાયત કરવા કરતાં આવી ગુનાખોરી અટકાવવા માટે પોલીસની સક્રિયતા વધે તે જરૂરી છે. ક્રાઈમ કોન્ફરન્સમાં સેક્ટર-1ના પોલીસ ઈન્સ્પેક્ટર્સ, ACP, DCPને આ માટે આવશ્યક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. અધિકારીઓને જણાવાયું હતું કે, પોલીસ ચોપડે ચડી ચૂકેલા રીઢા અપરાધી પકડવાના બાકી હોય તો ઝડપી લેવા ત્વરિત કાર્યવાહી કરવી. જો રીઢા આરોપી જામીન ઉપર મુક્ત થયા હોય તો તેમની ગતિવિધિ ઉપર નજર રાખવા, અટકાયતી પગલાં વ્યાપક બનાવવા સુચનાઓ આપવામાં આવી હતી. પોલીસ ડિટેક્શન ઉપર ધ્યાન કેન્દ્રીત કરે તેની સાથોસાથ પ્રિવેન્શન એટલે કે ગુના રોકવા ઉપર વિશેષ ધ્યાન આપે તે જરૂરી છે. કોઈ ગુનો બને તે પછી ઊંડાણપૂર્વકની તપાસ કરીને ભવિષ્યમાં આ પદ્ધતિએ ફરી ગુનો ન થાય તે માટે આવશ્યક કાર્યવાહી કરવા સુચના અપાઈ હતી.

શહેરના માર્ગો ઉપર અકસ્માતના બનાવો વધવા પામ્યા છે. ટ્રાફિક પોલીસ પાસે ઓછું માનવબળ છે તે સંજોગોમાં સ્થાનિક પોલીસે પણ બેફામ ગતિએ દોડતા વાહનોને અંકુશિત કરવા મદદરૂપ બનવું જોઈએ. પશ્ચિમ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પ્રજાલક્ષી કામગીરી વધુ સુદ્રઢ બનાવવા ઉપર ક્રાઈમ કોન્ફરન્સમાં ભાર મુકવામાં આવ્યો હતો.

સાયબર ક્રાઈમ સામે ઝોન-2ના 90 પોલીસ કર્મચારી, PSIને તાલીમ
સાયબર ક્રાઈમ વધી રહ્યાં છે ત્યારે ઝોન-2 DCP ઉષા રાડાએ તેમના વિસ્તારના ‘સાયબર’નું જ્ઞાન ધરાવતા પોલીસકર્મી અને PSIને તાલીમ મળે તેવું આયોજન કર્યું હતું. આજે બપોરે મહારાષ્ટ્ર પોલીસ ટ્રેનિંગ એકેડમી, સાયબર સેલના અધિકારી વિકાસ નાયકે ૯૦ પોલીસ કર્મચારી, અધિકારીને સાયબર ક્રાઈમ અંગે જાણકારી આપી હતી. સાયબર ક્રાઈમ વધી રહ્યાં છે ત્યારે ઓનલાઈન ફ્રોડ, ક્રેડિટકાર્ડ, ડેબિટકાર્ડ સહિતના ઈ-ક્રાઈમ અંગે પોલીસને તાલીમ આપવાના વધુ આયોજનો કરવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો