એપશહેર

ગોળીબારમાં ઘવાયેલા બિલ્ડર ઈરફાન દાઢીનું મોત: પોલીસે હત્યાની કલમ ઉમેરી

I am Gujarat 19 Sep 2016, 11:55 pm
નવગુજરાત સમય, અમદાવાદ
I am Gujarat crime 325
ગોળીબારમાં ઘવાયેલા બિલ્ડર ઈરફાન દાઢીનું મોત: પોલીસે હત્યાની કલમ ઉમેરી

બે દિવસ પહેલા રાત્રે મિત્રો સાથે બેસેલા બિલ્ડર ઈરફાન દાઢી પર કરાયેલા ગોળીબારમાં ઘાયલ ઈરફાન દાઢીનું આજે સારવાર દરમિયાન વી.એસ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતુ. પોલીસે આ ઘટનામાં આજે જીવલેણ હુમલાની કલમ સામે હત્યાની કલમ પણ ઉમેરી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. જો કે હત્યા શું કામ કરાઈ? તે કારણ પણ પોલીસ શોધી શકી નથી. બીજી તરફ ઈરફાન દાઢીના મોતની વાત સવારથી જ વહેતી થતા તેમના રહેણાકની આસપાસની અનેક દુકાનો બંધ રહી હતી અને કોઈ આવેશમાં કોઈ વ્યક્તિ કોઈ પગલું ન ભરે માટે વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
જમાલપુર મ્યુનિ. સ્લમ ક્વાટર્સ પાસે શનિવારે રાત્રે મિત્રો સાથે બિલ્ડર મોહંમદ હનીફ નિઝામુદ્દીન શેખ ઉર્ફે હનીફ દાઢી બેઠા હતા. ત્યારે એક્ટિવા જેવા વાહન પર બે શખ્સો તેમની નજીક ધસી આવ્યાં હતા. ચાલકે હેલમેટ પહેર્યું હતું, જ્યારે પાછળ બેસેલાએ મોઢે રૂમાલ બાંધ્યો હતો. પાછળ બેસેલો શખ્સ નીચે ઉતર્યો અને હનીફ શેખ પર ગોળીબાર કર્યો હતો. સદ્દનસીબે પહેલી ગોળી સાઈડમાંથી નીકળી ગઈ હતી, આ જોઈ હુમલાખોરે બીજુ ફાયરિંગ કરતા ગોળી તેમને પેટની સાઈડમાં પડખામાં વાગી હતી. દોડી આવેલા લોકોએ હનીફ શેખને ગંભીર હાલતમાં વી.એસ. ખસેડ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરી ગોળી કઢાઈ હતી, જો કે હાલત ગંભીર હતી. દરમિયાન વહેલી સવારે તેમનું મોત નિપજ્યું હતું.
મોતને પગલે ગાયકવાડ હવેલી પોલીસે જીવલેણ હુમલાની કલમની સાથે હવે હત્યાની કલમ પણ ઉમેરી દીધી છે. જો કે, હુમલાખોર કોણ હતા અને કેમ હુમલો કર્યો છે તે અંગે પોલીસ હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મેળવી શકી નથી. આ અંગે ઝોન-3 ડીસીપી એન.એ. મુનિયાએ જણાવ્યું હતું કે, પોલીસ તમામ શક્ય દિશામાં તપાસ કરી રહી છે. હનીફ શેખના પરિવારે પણ જે જે શંકા વ્યક્ત કરી છે તેમાં કોઈ ચોક્કસ કડી મળી નથી. બીજી તરફ દફન વિધી દરમિયાન સ્થાનિક લોકો પૈકી કોઈ ઉશ્કેરાઈને કોઈ અનિચ્છનિય કાર્ય ન કરી જાય તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ હત્યા કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
ધૂંધળા CCTVથી પોલીસ મૂંઝવણમાં મુકાઈ
પોલીસે હત્યા સ્થળ નજીક લાગેલા કેટલાક સીસીટીવીના ફુટેજ કબજે કર્યા છે. જેમાં ધૂંધળી તસવીરોના કારણે પોલીસ મૂંઝવણમાં મુકાઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, હુમલાખોરો ગોળીબાર કર્યા બાદ ફરી છીપાવાડ તરફ ભાગ્યા હોય પોલીસે હુમલાખોરો કોટ વિસ્તારના જ હોવાની શંકા આધારે તપાસ શરૂ કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો