એપશહેર

લાખોનો સામાન ટ્રક ડ્રાઈવરે ગઠિયાઓના હવાલે કર્યો

I am Gujarat 23 Jul 2016, 11:01 pm
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat crime 615
લાખોનો સામાન ટ્રક ડ્રાઈવરે ગઠિયાઓના હવાલે કર્યો


– લાખોની કિંમતના પિત્તળના વાસણો સહિતનો સામાન સસ્તામાં વેચાવા આવ્યો છે તેવી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ઓઢવ જીઆઈડીસીના એક ગોડાઉનમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરી ૨૮ લાખની મતા કબજે કરી હતી. હકિકતમાં આ સામાન જામનગરથી એક ટ્રકમાં વેપારીને ત્યાં મોકલવાનો હતો, જો કે ટ્રકનો ડ્રાઈવર રસ્તામાંથી ગુમ થઈ ગયો અને અમદાવાદ આવી કિંમતી સામાન ગઠિયાઓને પધરાવી દેવાયો હતો. પોલીસે પિત્તળનો સામાન ચોરી કરવાના ગુનામાં ત્રણની ધરપકડ કરી છે. જ્યારે ટ્રક ડ્રાઈવરની શોધખોળ આરંભી છે. ઓઢવ રિંગરોડ સ્થિત મલ્હાર એસ્ટેટના એક ગોડાઉનમાં પિત્તળનો સામાન સસ્તામાં વેચાવા માટે આવ્યો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચે શંકાના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ સામાન જામનગરથી નીકળેલી ટ્રક દ્વારા સગેવગે કરાયો હોવાનું ખુલતા ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ એસ.એલ ચૌધરી અને પી.એસ.આઈ ડી.એસ ગોહિલ તથા જે.એમ પટેલની ટીમે વજિય જૈન (ઉં.૩૬, રહે. મનિષા પાર્ક, ઓઢવ), અબ્દુલહફિઝ અબ્દુલ સત્તાર શેખ (ઉં.વ ૨૫, રહે. મુબારક સો. દાણીલીમડા) અને મુનિર મુબીનભાઈ શેખ (ઉં. ૨૮, રહે. અન્સાર નગર, બાપુનગર)ને પકડી પાડ્યા હતા. પોલીસે ગોડાઉનમાંથી પિત્તળનો અલગ અલગ ૨૮ લાખની કિંમતનો સામાન કબજે કર્યો હતો. તપાસ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે, જામનગર ટ્રાન્સપોર્ટમાં જામનગરથી એક વેપારીએ આ માલ ટ્રકમાં ભરાવ્યો હતો અને તે બીજા વેપારીને ત્યાં પહોંચાડવાનો હતો. દરમિયાન ટ્રકના ડ્રાઈવરની સાંઠગાંઠથી સામન ઓઢવ લઈ આવવામાં આવ્યો હતો અને તેને વેચવા માટે ગ્રાહક શોધતા હતા. પોલીસે આ અંગે જામનગરમાં ગુનો નોંધાયો હોવાથી આરોપીઓને ત્યાંની પોલીસને સોંપવા કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે ટ્રકના ફરાર ડ્રાઈવરની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો