એપશહેર

સુરતઃ અલગ-અલગ મંદિરોમાંથી પિત્તળના 6 ઘંટની ચોરી કરનારો ખેડૂત ઝડપાયો

અલગ-અલગ ગામડાઓમાંથી ઘંટની ચોરી કરતાં એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ ચોરે અલગ-અલગ મંદિરોમાંથી અડધો ડઝન ઘંટ ચોર્યા હોવાની કબૂલાત પણ કરી લીધી છે. આ ચોર સામે સુરત શહેરના બે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

TNN 30 Jul 2020, 7:59 am
સુરતઃ અલગ-અલગ ગામડાઓના મંદિરોમાંથી પિત્તળના ઘંટની ચોરીની સંડોવણીમાં સામેલ હોવાના આરોપમાં શહેરના બહારના વિસ્તારમાં આવેલા વાસવા ગામના લોકોએ બુધવારે 42 વર્ષીય એક ખેડૂતને ઝડપી પાડ્યો હતો.
I am Gujarat temple bells
પ્રતિકાત્મક તસવીર


આરોપીની ઓળખ યોગેશ પ્રજાપતિ તરીકે થઈ છે, જે ભરૂચના હાંસોટ તાલુકાના ઈલાવ ગામનો વતની છે. ગ્રામજનોએ આરોપીને ઝડપ્યા બાદ તેને પોલીસને સોંપ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો છે કે, છ મંદિરોમાંથી 36 હજારની કિંમતના 6 ઘંટની ચોરીમાં તે સંડોવાયેલો હતો. પોલીસે હજીરા અને ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ અલગ-અલગ ગુના હેઠળ તેની ધરપકડ કરી છે.

વાસવા ગામના બે મંદિરોમાંથી ઘંટની ચોરી થયા બાદ સ્થાનિક લોકોએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં એક વ્યક્તિ ઘંટ ચોરતો જોવા મળ્યો હતો. બુધવારે પ્રજાપતિ બાઈક પર આંટાફેરા કરી રહ્યો હોવાનું ગ્રામજનોના ધ્યાનમાં આવ્યું હતું.

કેટલાક ગ્રામજનોને પ્રજાપતિનો ચહેરો સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલા ચોરને મળતો હોય તેવું લાગ્યું હતું. તેથી તેમણે પ્રજાપતિનો પીછો કર્યો હતો અને તેને રોક્યો હતો.

તેમને પ્રજાપતિ પાસેથી તેવા સાધનો મળ્યા જેનો ઉપયોગ ઘંટને તેની સાંકળથી અલગ કરવા માટે થાય છે. ભીડને જોતા જ પ્રજાપતિએ પોતે ઘંટ ચોર્યા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે કહ્યું કે, પ્રજાપતિ છેલ્લા ઘણા મહિનાથી મંદિરોમાંથી ઘંટ ચોરતો હતો. તે સાંજના સમયે મંદિરોમાં જતો હતો અને જ્યારે કોઈ આસપાસ ન હોય ત્યારે ઘંટ ચોરી લેતો હતો. બાદમાં તે ઘંટને કોસંબામાં આવેલી દુકાનમાં વેચી દેતો હતો.

હજીરાના જૂનાગામમાં આવેલા સાકરિયા હનુમાનજી મંદિર, વાસવા ગામમાં આવેલા સંતોષી માતા મંદિર અને પાલદેવી માતા મંદિર, તેમજ ડામકા ગામમાં આવેલા સિંધવાઈ માતા, વેરાઈ માતા અને હનુમાનજી મંદિરમાં ઘંટ ચોરવા બદલ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે.

Read Next Story