એપશહેર

દિવ્યાંગ અનામત: સોગંદનામું કરવા સરકારને HCનો આદેશ

I am Gujarat 20 Jul 2016, 11:59 pm
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat hc 6
દિવ્યાંગ અનામત: સોગંદનામું કરવા સરકારને HCનો આદેશ


– કેન્દ્ર સરકારે દિવ્યાંગોના હકો અને અધિકારોના રક્ષણ માટે કાયદો બનાવ્યો હોવા છતાંય રાજ્ય સરકાર દ્વારા તેનો અમલ ના થતો હોવાના મુદ્દે થયેલી રિટની સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે,’દિવ્યાંગોના હિત અને હક માટે રાજ્ય સરકાર સાચી ભાવના સાથે કાર્યો કરી રહી છે. જો કે, આ પ્રકારનો કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ પડતર છે અને તે કેસમાં રાજ્ય સરકાર દ્વારા વિસ્તૃત અહેવાલ પણ રજૂ કરાયો છે.’ અરજદારે સરકારની રજૂઆતનો સૈધ્ધાંતિક વિરોધ કરતાં કહ્યું હતું કે, ‘વર્ષ 2002થી સરકારી નોકરીઓમાં દિવ્યાંગો માટે 3 ટકા અનામતની જોગવાઇ હોવા છતાંય સરકારે તેમને નોકરી આપી નથી. આ કઇ રીતે દિવ્યાંગોનું હિત હોઇ શકે.’ આ રજૂઆતોના અંતે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે રાજ્ય સરકારને સોગંદનામું કરવાનો આદેશ કર્યો હતો. એડ્વોકેટ કે. આર. કોષ્ટિએ પાર્ટી ઇન પર્સન તરીકે આ જાહેરહિતની અરજી કરીને એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે,’રાજ્ય સરકાર અનેક કાર્યક્રમો અને જાહેરાતો કરીને દિવ્યાંગોના કલ્યાણની ગુલબાંગો કરે છે, પરંતુ હકીકતમાં તેઓ કાયદા અને બંધારણની જોગવાઇઓ પ્રમાણે તેમની ફરજનો નિર્વાહ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. 1995ના કાયદાએ દિવ્યાંગોને કેટલાક અધિકારો આપ્યા છે. જે પ્રમાણે સરકારી નોકરીઓમાં તેમના માટે 3 ટકા અનામતની જોગવાઇઓ પણ કરવામાં આવી છે, પરંતુ રાજ્ય સરકારે આ જોગવાઇઓ અંતર્ગત વર્ષ 2002થી આજસુધી કોઇ પણ ભરતી કરી નથી.’ રિટમાં રજૂઆત કરાઈ છે કે,’દેશમાં 2.68 કરોડ દિવ્યાંગો પૈકી રાજ્યમાં 10 લાખથી વધુ દિવ્યાંગો છે. એમાંથી મોટાભાગની વ્યક્તિઓ સન્માનજનક નોકરી મેળવવાથી વંચિત રહી જાય છે, દિવ્યાંગો માટેના કાયદાના અમલ માટે જરૂરી તમામ પગલાં ભરવાનો સરકારને આદેશ કરવો જોઇએ અને તેનું મોનિટરિંગ પણ થવું જોઇએ.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો