એપશહેર

નિર્દોષ હોવા છતાં 5 વર્ષ જેલમાં રહ્યાં પતિ-પત્ની, બહાર આવ્યા તો હવે બાળકોનો પત્તો નથી!

મર્ડર કેસમાં પોલીસે કોઈ પુરાવા વિના જ પતિ-પત્નીને જેલમાં પૂરી દીધા, કોર્ટે જામીન પણ ના આપ્યા અને પૈસા ના હોવાથી ગરીબ દંપતી હાઈકોર્ટમાં ના જઈ શક્યું

Authored byAnuja Jaiswal | TNN 23 Jan 2021, 12:26 pm
આગ્રા: કોઈ વાંકગુના વિના જ પાંચ વર્ષ જેલમાં રહેવું પડે, અને જેલમાંથી છૂટીને પોતાના ગુમ બાળકોને શોધવા પડે તે પતિ-પત્ની પર કેવું વિતતું હશે તેની કદાચ કોઈ કલ્પના પણ ના કરી શકે. આગ્રામાં બનેલી આ ઘટના દેશની કાયદા અને વ્યવસ્થા ઉપરાંત ન્યાય મેળવવામાં જોવી પડતી લાંબી રાહની મજબૂરી પર ખરેખર ચિંતા ઉપજાવે તેવી છે. જેનો ભોગ બનેલા પતિ-પત્નીને પોલીસ જેલભેગા કરી તેમના નાના બાળકોને અનાથઆશ્રમમાં મોકલી દીધા હતા. હાલ પતિ-પત્ની તો છૂટી ગયા છે, પરંતુ તેમના બાળકોનો કોઈ પત્તો નથી.
I am Gujarat narendra singh and his wife najma
પોલીસની અક્ષમ્ય લાપરવાહીનો ભોગ બનેલા નરેન્દ્ર સિંહ અને તેમની પત્ની નજમા


આ ઘટનાની વિગત એવી છે કે, નરેન્દ્ર સિંહ (ઉં. 40 વર્ષ) અને તેમના પત્ની નજમા (ઉં. 30 વર્ષ)ની 2015માં આગ્રાના બાહમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પાંચ વર્ષના એક બાળકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવવાના મામલે પોલીસે કોઈ નક્કર પુરાવા વિના જ આ પતિ-પત્નીને આરોપી દર્શાવી પકડીને જેલભેગા કરી દીધા હતા. તેમની ધરપકડ કરાઈ ત્યારે તેમનો દીકરો પાંચ વર્ષનો હતો, અને દીકરી માત્ર ત્રણ વર્ષની હતી.

આ કમનસીબ પતિ-પત્નીને તાત્કાલિક છોડી મૂકવાનો આદેશ કરતા સેશન્સ કોર્ટે પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. કોર્ટે જણાવ્યું હતું કે નિર્દોષ વ્યક્તિને કોઈ વાંક-ગુના વિના પાંચ વર્ષ જેલમાં સબડવું પડે અને જેણે ખરેખર ગુનો કર્યો છે તેનો કોઈ અતોપતો જ ના હોય તે ઘટના ખરેખર ખૂબ જ કમનસીબ છે. કોર્ટે આ કેસની તપાસ કરનારા અધિકારી સામે પણ પગલાં લેવા માટે આદેશ આપ્યો છે.

કોર્ટે જણાવ્યું હતું કે, પોલીસે કોઈ નક્કર પુરાવા શોધવાને બદલે જે સાંયોગીક પુરાવા હતા માત્ર તેમના પર જ આધાર રાખીને આ કેસની તપાસ કરી છે. કેસની તપાસ સાથે સંકળાયેલા પીએસઆઈ ચિદાનંદ સિંઘે કોર્ટમાં કબૂલ્યું હતું કે તેણે એ જાણવા પણ પ્રયાસ નહોતો કર્યો કે એફઆઈઆર કોની વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

પોલીસની અક્ષમ્ય બેદરકારીનો ભોગ બનનારા નરેન્દ્ર સિંહ અગાઉ શિક્ષક તરીકે કામ કરતા હતા. તેઓ સવાલ કરે છે કે, આ બધામાં મારા બાળકોનો શું વાંક હતો? તેમને કોના કારણે પાંચ વર્ષ સુધી અનાથની માફક રહેવું પડ્યું? તેમનો દીકરો અજીત અને દીકરી અંજુ તે વખતે એટલા નાના હતા કે કદાચ અત્યારે તેઓ તેમના મા-બાપને ઓળખી પણ નહીં શકે. નરેન્દ્ર સિંહની પત્નીએ આ મામલે પોલીસને પત્ર લખી પોતાના બાળકોને શોધવા મદદ કરવા માટે આજીજી કરી છે.

આંખમાં આંસુ સાથે નરેન્દ્ર સિંહ જણાવે છે કે અમારી ધરપકડ થઈ ત્યારથી અમે અમારા બાળકોને મળી નથી શક્યા. 2015માં ડિસ્ટ્રિક્ટ જજે દંપતીની જામીન અરજી પણ ફગાવી દીધી હતી. તેઓ હાઈકોર્ટમાં પણ ગયા હતા, પરંતુ વકીલોની ફી પોસાય તેમ ના હોવાથી તેમને હાઈકોર્ટમાં કેસ અધવચ્ચેથી પડતો મૂકવો પડ્યો હતો.

દંપતીના વકીલ વંશો બાબુએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, પોલીસે કોર્ટમાં કબૂલ્યું હતું કે બાળકની હત્યા બાદ લોકોમાં જોરદાર આક્રોશ ફાટી નીકળતા તેમણે આ પતિ-પત્નીની ધરપકડ કરી હતી. એટલું જ નહીં, પોલીસે ચાર્જશીટ પણ હકીકતોને ચકાસ્યા વિના જ ઉતાવળમાં દાખલ કરી દીધી હોવાનું પણ માન્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો