એપશહેર

કિશોરીની છેડતી કરનારા લંપટ ડોક્ટરની ધરપકડ બીમારીના બહાને બે દિવસ હોસ્પિટલમાં રહ્યો

I am Gujarat 27 Jul 2016, 1:02 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat police arrested doctor who tried to seduce minor girl
કિશોરીની છેડતી કરનારા લંપટ ડોક્ટરની ધરપકડ બીમારીના બહાને બે દિવસ હોસ્પિટલમાં રહ્યો


કુબેરનગરમાં ૧૬ વર્ષની કિશોરીને ઈન્જેક્શન આપવાના બહાને સાંજે ક્લિનિક પર બોલાવીને ‘પડદા પાછળ’ અડપલા કરનારા લંપટ ડોક્ટરની સરદારનગર પોલીસે સત્તાવાર ધરપકડ કરી છે. કિશોરીની ફરિયાદથી ઉશ્કેરાયેલા લોકોએ ક્લિનિકમાં જ ડોક્ટરને મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો. જો કે ડોક્ટરે પેટ અને છાતીમાં દુખાવાનું બહાનું કાઢી હોસ્પિટલમાં ભરતી થઈ ગયો હતો.

ત્રણ દિવસ પોલીસે હોસ્પિટલમાં જાપ્તો ગોઠવ્યા બાદ ગત રાતે ડોક્ટરને હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી હતી. કહેવાય છે કે, ડોક્ટરે ‘પોક્સો’ના કેસમાં આગોતરા જામીન પણ મુક્યા હતા. પરંતુ કાયદાના જાણકારો આ કેસમાં આગોતરા જામીન મળવાની સંભાવના નહીવત ગણાવી રહ્યાં છે.

કુબેરનગરમાં રહેતી એક મહિલાએ ત્રણ દિવસ પૂર્વે પોતાના વકીલ અંકુર ગારંગે સાથે સરદારનગર પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી કે, તેમની ૧૬ વર્ષની દીકરીને છેલ્લા બે-ચાર દિવસથી તાવ આવતો હોઈ શનિવારે સવારે કુબેરનગરમાં આવેલા એસ.એસ.ડી. સેવા કેન્દ્ર નામના ટ્રસ્ટના ક્લિનિક પર ચેકઅપ માટે ગયા હતા. ત્યાં તપાસ બાદ MBBS ડો. જેરામદાસ જે. લધાણી (ઉં.૪૫)એ દીકરીને ઈન્જેક્શન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, નજીકમાં તેમનું ખાનગી ક્લિનિક આવેલું છે અને ત્યાં સાંજે આવીને વધુ એક ઈન્જેક્શન મુકાવી જવાની સૂચના આપી હતી.

ડોક્ટરની સૂચના પ્રમાણે માતા-પુત્રી સાંજે ૬.૩૦ વાગ્યે ડો. લધાણીના લક્ષ્મી ક્લિનિક પર પહોંચ્યા હતા. ત્યાં ડોક્ટર લધાણીએ માતાને બહાર ઊભી રાખીને દીકરીને પડદા પાછળના ટેબલ પર સુવા સૂચના આપી હતી. થોડીવાર બાદ દીકરી બહાર આવી અને તેણે માતાને ફરિયાદ કરી કે, ડોક્ટરે તેની સાથે બિભત્સ અડપલા કર્યા હતા. દીકરીની વાત સાંભળી મહિલાએ હોબાળો મચાવતા હાજર લોકોએ ડો. લધાણીને પકડીને માર મારીને પોલીસ હવાલે કર્યો હતો.

એક તરફ તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ રહી હતી ત્યારે બીજી તરફ તેણે લોકોના મારથી છાતી અને પેટમાં દુખાવો ઉપડ્યાની ફરિયાદ કરતા પોલીસે તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. બે દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોલીસે હોસ્પિટલ પર જાપ્તો ગોઠવ્યો હતો. સોમવારે સાંજે હોસ્પિટલમાંથી ડો. લધાણીને રજા મળતા પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી હતી.

સૂત્રોનું કહેવું છે કે, ડોક્ટર વિરૂધ્ધ ‘પોક્સો’ હેઠળ ગુનો નોંધાયો છે જેમાં આગોતરા જામીનની શક્યતા નહિવત હોય છે. ત્યારે ડોક્ટરે કરેલી આગોતરા જામીનની અરજી ધરપકડ થતા પાછી ખેંચવી પડશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો