એપશહેર

વોટ કરવા પહોંચેલા અલ્પેશ કથિરિયાને મળી ગયા કુમાર કાનાણી, પગે લાગીને લીધા આશીર્વાદ

Alpesh Kathiriya : વરાછામાં આ વખતે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર મનાઈ રહી છે ત્યારે પોલિંગ બુથ પર મળી ગયા કથિરિયા અને કાનાણી, અલ્પેશે કહ્યું કે જો કુમાર કાનાણી જીતશે તો પોતે તેમને ખભે ઉંચકીને ફરશે. તો બીજી તરફ કુમાર કાનાણીએ જણાવ્યું કે વરાછાની જનતા ભાજપ સાથે છે, અલ્પેશ સાથે કોઈ હરિફાઈ છે જ નહીં.

Authored byનવરંગ સેન | I am Gujarat 1 Dec 2022, 2:54 pm
સુરત: રાજકારણના ખરા રંગ ચૂંટણી ટાણે જોવા મળતા હોય છે. તેમાંય આ વખતે સૌથી ચર્ચાસ્પદ બનેલી સુરતની વરાછા બેઠક પર વોટિંગ(Gujarat Assembly Election 2022) વખતે જે દ્રશ્યો જોવા મળ્યા તે લોકોને પણ નવાઈ પમાડે તેવા હતા. સમગ્ર પ્રચાર દરમિયાન એકબીજા સામે શાબ્દિક હુમલા કરવામાં કંઈ બાકી ના રાખનારા કુમાર કાનાણી અને અલ્પેશ કથિરિયા (Alpesh Kathiriya) આજે પોલિંગ બુથમાં જાણે ભરત મિલાપ થતો હોય તેમ એકબીજાને મળતા જોવા દેખાયા હતા. વાત કંઈક એવી છે કે અલ્પેશ કથિરિયા વોટ આપવા પહોંચ્યા ત્યારે પોલિંગ બુથ પર કુમાર કાનાણી પણ હાજર હતા.
I am Gujarat alpesh kathiriya.
અલ્પેશે કુમાર કાનાણીને પગે લાગી આશીર્વાદ મેળવ્યા


કુમાર કાનાણીને જોતા જ અલ્પેશ કથિરિયા તેમને પગે લાગ્યા

પોતાનાથી ઉંમરમાં મોટા કુમાર કાનાણીને જોતા જ અલ્પેશ કથિરિયા તેમને પગે લાગ્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, અલ્પેશે અહીં એવું નિવેદન પણ આપ્યું હતું કે જો કુમાર કાનાણી જીતશે તો પોતે તેમને ખભે બેસાડીને તેમના સરઘસમાં જોડાશે. બીજી તરફ, વોટ આપવા નીકળેલા કુમાર કાનાણીએ મીડિયા સાથે વાતચીત કરતા એવું પણ જણાવ્યું હતું કે વરાછાની જનતા ભાજપની સાથે છે, અને અલ્પેશ કથિરિયા સાથે તેમની કોઈ ટક્કર નથી. ઉલ્લેખનીય છે કે, 2017માં પાટીદાર આંદોલન વચ્ચે પણ ભાજપની ટિકિટ પર કુમાર કાનાણી જીત્યા હતા.

અલ્પેશ કથિરિયા પોતાની સભામાં કુમાર કાનાણીને કાકા કહીને સંબોધતા

વરાછામાં આ વખતે પ્રચાર યુદ્ધ પણ જોરદાર જામ્યું હતું. તેમાંય કુમાર કાનાણીએ અલ્પેશ કથિરિયાની માતાના ઘૂંટણ સરકારી યોજના હેઠળ નિ:શુલ્ક બદલાયા હોવાનો દાવો કરતા મામલો ઓર ગરમાયો હતો. અલ્પેશ કથિરિયા પણ પોતાની તમામ સભામાં કુમાર કાનાણીને કાકા કહીને સંબોધતા હતા, અને કાકાને હરિદ્વાર મોકલી દેવાના છે તેવી વાતો પણ કરતા હતા. જોકે, બંને ઉમેદવારો જાણે મતદાનના દિવસે બધું ભૂલી ગયા હોય તેમ એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતા.

પાટીદાર આંદોલન વખતે પણ વરાછા બેઠક જીતી

પાટીદાર આંદોલન વખતે પણ વરાછા બેઠક જીતી લાવનારા કુમાર કાનાણી ત્રીજીવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે અનેક સિનિયર નેતાઓની ટિકિટ કાપી છે ત્યારે વરાછામાં કાંટાની ટક્કરના માહોલમાં પણ પક્ષે તેમના પર વિશ્વાસ મુક્યો છે. હાલ બંને પક્ષો જંગી લીડથી જીતવાના દાવા કરી રહ્યા છે, પરંતુ 08 ડિસેમ્બરે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે જનતાએ કોના પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story