એપશહેર

આ વખતે પોતાનો જન્મદિવસ નહીં ઉજવે અમિતાભ બચ્ચન, જણાવ્યું કારણ

Shailesh Thakkar | I am Gujarat 10 Oct 2019, 11:28 pm
અમિતાભ બચ્ચન 11 ઑક્ટોબરના રોજ 77 વર્ષના થઈ જશે પણ આ નિમિત્તે સુપરસ્ટાર પોતાના જન્મદિવસને ધૂમ-ધડાકા સાથે ઉજવવાનો કોઈ ઈરાદો ધરાવતા નથી. પોતાના ફેન્સને પોતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની વિનમ્રતાપૂર્ણ અપીલ કરતા બિગ બીએ કહ્યું કે, ‘આમાં ઉજવણી કરવા જેવું શું છે?’ આ પણ એક સામાન્ય દિવસ જેવો છે. હું આભારી છું કે, હજુ પણ કામ કરી રહ્યો છું અને મારું શરીર મારી આત્મા સાથે તાલમેલ બેસાડવા માટે સક્ષમ છે.’ જન્મદિવસ અંગે બિગ બીએ પોતાના જૂના દિવસોને યાદ કર્યા જ્યારે તેમના સ્વર્ગસ્થ પિતા હરિવંશરાય બચ્ચન તેમના જન્મદિવસ પર તેમના માટે એક કવિતા લખતા હતા અને તેમને સંભળાવતા હતા. જૂના દિવસોને યાદ કરતા બિગ બીએ કહ્યું, ‘આ પરિવારની એક પરંપરા હતી, પણ આ પરંપરાને નવી પરિભાષા ત્યારે મળી જ્યારે 1984માં મારી સાથે થયેલી જીવલેણ દુર્ઘટના બાદ મારા પિતાએ મારા જન્મદિવસ પર કવિતા સંભળાવી હતી. તે મારા માટે કોઈ નવી જિંદગી મેળવવા જેવું હતું. કવિતા વાંચતી વખતે મારા પિતા ભાંગી પડ્યા હતા. આવું પહેલીવાર હતું, જ્યારે મેં તેમને રડતા જોયા હતા.’ તેમણે કહ્યું કે, સમયની સાથે બહુ બધી બાબતો બદલાઈ ગઈ છે અને મારા જન્મદિવસની પરંપરાઓ પણ. તેમણે કહ્યું કે, ‘હું મારા પિતાની કવિતાને ખૂબ યાદ કરું છું અને તે દિવસે જે રીતે મારી મા ઉત્સાહિત રહેતી હતી તે પણ ખૂબ યાદ આવે છે. દર વર્ષે કેક કાપવાના રિવાજમાં મને હવે કોઈ રસ રહ્યો નથી. આનું સ્થાન સૂકામેવાની પ્લેટે લઈ લીધી છે.’ તેમના અધૂરા સપના વિશે પૂછવા પર તેમણે જણાવ્યું, ‘ઘણા બધા છે! હું પિયાનો વગાડવા માગું છું. હું ઘણી ભાષાઓ શીખવા માગું છું. હું ગુરુદત્ત સાથે કામ કરવા માગું છું.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કઈ એવી ફિલ્મ છે જેની તે રીમેક બનાવવા માગે છે ત્યારે તેમણે કહ્યું, ‘એક પણ નહીં. જે ફિલ્મો બની ચૂકી છે, તેને ફરી બનાવવાનો શો મતલબ. તેનાથી આગળ કેમ ન વિચારી શકાય.’ જણાવી દઈએ કે, ફિલ્મ ‘ગુલાબો સિતાબો’માં તેમના સહ-કલાકાર આયુષ્માન ખુરાનાએ કહ્યું હતું કે, ‘તે 24 વર્ષ જેવી વિચારધારા ધરાવતા 77 વર્ષના વ્યક્તિ છે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો