એપશહેર

સોનુ સૂદને મોટો ઝટકો, બોમ્બે હાઈકોર્ટે ફગાવી BMCની નોટિસ સામેની અપીલ

સોનુ સૂદે તેના જૂહુમાં આવેલા રહેઠાણમાં કથિત ગેરકાયદે બાંધકામ કર્યા મામલે બૃહદ મુંબઈ મહાનગરપાલિકાએ આપેલી નોટિસને બોમ્બે હાઈકોર્ટમાં પડકારી હતી.

I am Gujarat 21 Jan 2021, 8:58 pm
મુંબઈ: બોલિવુડ એક્ટર સોનુ સૂદને મુંબઈમાં કથિત ગેરકાયદે બાંધકામ મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે એક્ટર સોનુ સૂદની અપીલને ફગાવી દીધી છે, જેમાં તેણે જૂહુમાં આવલા રહેઠાણમાં કરેલા કથિત ગેરકાયદે બાંધકામ મામલે બીએમસી (બૃહદ મુંબઈ મહાનગરપાલિકા)ની નોટિસને પડકારી હતી. હાઈકોર્ટે ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહીનો નિર્ણય સંપૂર્ણ રીતે બીએમસી પર છોડી દીધો છે. સોનુ સૂદ અને તેની પત્ની સોનાલીએ દાવો કર્યો હતો કે, તેમણે બિલ્ડિંગમાં કોઈ ગેરકાયદે બાંધકામ કર્યુ નથી અને તેમણે મહાનગરપાલિકાના આરોપો ફગાવી દીધા હતા.
I am Gujarat Sonu Sood


સૂદના વકીલે બીએમસીએ આપેલી નોટિસનું પાલન કરવા માટે 10 દિવસનો સમય માગ્યો હતો અને કોર્ટેને અપીલ કરી હતી કે, તે મહાનગરપાલિકાને બાંધકામ તોડવાનું પગલું ન ઉઠાવવા નિર્દેશ આપે. કોર્ટે આ અપીલ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો અને કહ્યું કે, અભિનેતા પાસે એવું કરવા માટે પહેલા પૂરતો સમય હતો.

બીએમસીએ ગત વર્ષે ઓક્ટોબરમાં સોનુ સૂદને નોટિસ પાઠવી હતી. એ નોટિસને સૂદે ડિસેમ્બર 200માં સિવિલ કોર્ટમાં પડકારી હતી, પરંતુ કોર્ટે તેની અપીલ ફગાવી દીધી હતી. તે પછી તેણે બોમ્બે હોઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. બીએમસીએ પોતાની નોટિસમાં આરોપ લગાવ્યો હતો કે, સુદે છ માળની 'શક્તિ સાગર' રેસિડેન્સીયલ બિલ્ડિંગના માળખામાં ફેરફાર કરી તેને હોટલમાં ફેરવી નાખી હતી.

બીએમસીએ 13 જૂને જાન્યુઆરીએ થયેલી સુનાવણીમાં કોર્ટમાં દલીલ કરતા સોનુ સૂદ પર ગેરકાયદે બાંધકામથી રૂપિયા કમાવવાનો આરોપ લગાવ્યો હતો. મહાનગરપાલિકાનું કહેવું છે કે, સૂદે લાઈસન્સ લેવું જરૂરી ન સમજ્યું અને એક રેસિડેન્સીયલ બિલ્ડિંગને હોટલમાં ફેરવી દીધી. કેટલાક રિપોર્ટમાં કહેવાયું છે કે, સોનુને બીએમસી તરફથી નોટિસ અપાઈ હતી, પરંતુ તેણે તેને નજરઅંદાજ કરી હતી અને બાંધકામ ચાલુ રાખ્યું હતું.

બીએમસીનું કહેવું છે કે, સોનુ સૂદે કરેલા ગેરકાયદે બાંધકામને તોડવા માટે બે વખત કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે, પહેલી વખત 2018માં અને તે પછી ફેબ્રુઆરી 2020માં કાર્યવાહી હાથ ધરાઈ હતી, પરંતુ તેમ છતાં ગેરકાયદે બાંધકામ ચાલુ રહ્યું હતું. જ્યારે સામે પક્ષે સોનુ સૂદનો દાવો છે કે, તેણે બધી જરૂરી મંજરીઓ લીધી છે અને માત્ર મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી ક્લિયરન્સ બાકી છે, જે કોરોના મહામારીના કારણે મળી શક્યું નથી. બીએમસીએ ગેરકાયદે બાંધકામ મામલે સોનુ સૂદ સામે જૂહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

Read Next Story