એપશહેર

કંગનાની ઓફિસમાં તોડફોડનો કેસ: બોમ્બે હાઈકોર્ટે BMCની કાર્યવાહીને ગણાવી ગેરકાયદેસર

કંગનાનો ઓફિસ કમ બંગલો તોડી પાડવાના મામલે થયેલી અરજીમાં બોમ્બે હાઈકોર્ટે એક્ટ્રેસની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો છે.

I am Gujarat 27 Nov 2020, 12:49 pm
કંગના રનૌતના મુંબઈ સ્થિત બંગલામાં બૃહ-મુંબઈ નગર નિગમ (BMC)એ તોડફોડ કરી હતી. આ મામલે એક્ટ્રેસ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર શુક્રવાર (27 નવેમ્બર)ના રોજ નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. કંગના રનૌતે BMCની કાર્યવાહીને ગેરકાયદેસર ગણવાની બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે બોમ્બે હાઈકોર્ટે આ મામલે BMCને ઠપકો આપ્યો છે અને ગેરકાયદે બાંધકામની નોટિસ રદ્દ કરી દીધી છે. સાથે જ કહ્યું છે કે, કંગના રનૌત ફરી બાંધકામ માટે BMCને અરજી આપી શકે છે અને BMCએ અઠવાડિયાની અંદર આ અંગેનો નિર્ણય કરવો પડશે.
I am Gujarat kangana bmc


સપ્ટેમ્બર મહિનામાં કંગના રનૌતની મુંબઈ સ્થિત ઓફિસમાં BMC દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ કંગના રનૌતે આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવીને BMC પાસે 2 કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું. હવે કોર્ટે કંગનાની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું, ખરાબ નિયતથી BMCએ આ પગલું ભર્યું હતું અને કંગનાની ઓફિસમાં ખોટા ઇરાદાથી તોડફોડ કરવામાં આવી હતી.


હાઈકોર્ટે કંગનાની પાલી હિલ સ્થિત ઓફિસના તોડફોડના નુકસાનના મૂલ્યાંકન માટે મૂલ્યાંકનકર્તાની નિયુક્તિ કરી છે. કોર્ટે કહ્યું કે, મૂલ્યાંકનકર્તાની તપાસ પૂરી થયા બાદ વળતરની રકમ નક્કી કરવામાં આવશે. બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણયનું કંગના રનૌતે ટ્વિટ કરીને સ્વાગત કર્યું છે.


કંગનાએ ટ્વિટ કરીને લખ્યું, "જ્યારે કોઈ વ્યક્તિ સરકાર સામે અવાજ ઉઠાવે છે અને જીતે છે ત્યારે આ વ્યક્તિગત જીત નથી લોકશાહીનો વિજય છે. જેમણે મને હિંમત આપી તે સૌનો આભાર અને જેઓ મારા તૂટેલા સપનાઓ પર હસ્યા તેમનો પણ આભાર. તમે વિલન જેવું કામ કર્યું માટે જ હું હીરો બની શકી."

કંગનાના નિવેદનો પર કોર્ટે સવાલ ઉઠાવ્યો

કંગનાએ કરેલા આપત્તિજનક નિવેદનો અને પોસ્ટ અંગે કોર્ટે કહ્યું કે, 'તેમણે સમજી વિચારીને બોલવું જોઈએ. કોર્ટનો વિષય ઓફિસમાં થયેલી તોડફોડનો છે, ટ્વિટમાં કહેવાયેલી વાતોનો નહીં. અહીં બહુ કામ અટકેલું છે. કંગનાએ કરેલા નિવેદનો બેજવાબદારીપૂર્ણ છે પરંતુ સારું એ જ રહેશે કે તેને અવગણવામાં આવે.'

કોર્ટે આગળ કહ્યું, કોઈ વ્યક્તિ વિશેષ કંઈપણ મૂર્ખામીપૂર્ણ વાતો કરે છે. રાજ્ય દ્વારા સમાજ પર બાહુબળનો પ્રયોગ ના કરી શકાય. કોર્ટે તસવીરો અને અન્ય સામગ્રીઓનું વિશ્લેષણ કર્યું, સામનામાં છપાયેલી સામગ્રી અને ન્યૂઝ ચેનલોમાં ચાલેલી વિડીયો ક્લિપનું પણ અવલોકન કર્યું હતું, કોર્ટે 40 ટકા સુધી તોડી નાખવામાં આવેલી બિલ્ડિંગ અને સામનામાં છપાયેલી હેડલાઈન 'ઉખાડી નાખ્યું'ને પણ ધ્યાનમાં લીધી. જે બાદ BMCને ઠપકો આપ્યો હતો.

કોર્ટે સ્વીકાર્યું કે આ તમામ બાબતો કંગના રનૌતને ધમકાવવા માટે કરવામાં આવી હતી અને BMCના ઇરાદા ખોટા હતા. કોર્ટ વળતર ચૂકવવાનો આદેશ આપતાં કહ્યું કે, ઓફિસમાં થયેલી તોડફોડનું મૂલ્યાંકન કરવામાં આવે અને આ મૂલ્યાંકનની જાણકારી કંગના અને BMC બંનેને હોવી જોઈએ. વળતરની રકમ BMCએ ચૂકવવી પડશે.

Read Next Story