એપશહેર

બે મહિના સુધી સુશાંત જે રિસોર્ટમાં રોકાયો હતો ત્યાં પણ CBIની ટીમે કરી તપાસ

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે CBI અલગ-અલગ ટીમ બનાવીને તપાસ ચલાવી રહ્યું છે. આજે સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાની અને કૂક નીરજની પૂછપરછ ચાલી રહી છે, ત્યારે એક ટીમે એ રિસોર્ટની મુલાકાત લીધી હતી જ્યાં સુશાંત રોકાયો હતો.

TNN & Agencies 23 Aug 2020, 3:52 pm
શનિવારે સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ કરી રહેલી CBIની ટીમે તેના બાંદ્રા સ્થિત ઘરની મુલાકાત લીધી હતી. ટીમે ત્યાં ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો હતો. હવે રવિવારે CBIની ટીમ એ રિસોર્ટમાં પહોંચી હતી જ્યાં સુશાંતે બે મહિના વિતાવ્યા હતા. સાથે જ CBIની એક ટીમ સિદ્ધાર્થ પીઠાની અને કૂક નીરજની પૂછપરછ કરી રહી છે.
I am Gujarat ssr 13


રવિવારે સવારે CBIની ટીમ વોટરસ્ટોન રિસોર્ટ પહોંચી હતી. આ રિસોર્ટમાં ટીમે બે કલાકથી વધુ સમય વિતાવ્યો હતો. રિસોર્ટમાં તપાસ દરમિયાન CBIની ટીમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે સુશાંત અહીં આવ્યો હતો ત્યારે તેનું વર્તન કેવું હતું.

સુશાંત કેસઃ તો શું CBIને તપાસમાં સિદ્ધાર્થ પિઠાની અને કુક નિરજના નિવેદનમાં વિસંગતતાઓ મળી?

દરમિયાન ફોરેન્સિક ડૉક્ટરોની એક ટીમ IAF DRDO ગેસ્ટહાઉસ ખાતે આવી પહોંચી છે. આ ગેસ્ટહાઉસ સાંતાક્રૂઝ વિસ્તારમાં આવેલું છે. એજન્સીના સૂત્રોનું માનીએ તો, શનિવારે સુશાંતના ફ્લેટ પર કરેલી તપાસ તેમજ 15 જૂને પોસ્ટમોર્ટમ કરનારા કૂપર હોસ્પિટલના તબીબોની પૂછપરછમાંથી જે વિગતો બહાર આવી છે તેના પર ફોરેન્સિક ટીમના ડૉક્ટરોએ ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાની, કૂક નીરજ અને હેલ્પર દિપેશ સાવંતની પૂછપરછ થઈ રહી છે.

CBI ફરી કરી રહી છે સિદ્ધાર્થ પીઠાની-નીરજની પૂછપરછ, જલદી જ આવશે રિયાનો વારો

ગુરુવારે દિલ્હીથી મુંબઈ આવ્યા પછી CBIની ટીમે સિદ્ધાર્થ પીઠાની અને નીરજની ત્રણવાર પૂછપરછ કરી છે. CBI ટીમ આવનારા દિવસોમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવારની પૂછપરછ કરી શકે છે. એજન્સીના સૂત્રના જણાવ્યા અનુસાર, CBI સુશાંત, રિયા અને અન્યોના કોલ ડિટેલ રેકોર્ડ પણ ચકાસશે.

ઉલ્લેખનીય છે કે, CBI અને CFSLની ટીમ ગુરુવારે સાંજે મુંબઈ આવી પહોંચી હતી. બિહાર સરકારે સુશાંતના મોતનો કેસ CBIને સોંપવાની ભલામણ કેંદ્ર સરકારને કરી હતી. જે કેંદ્રએ માન્ય રાખતા 6 ઓગસ્ટે CBIએ કેસ ટેકઓવર કર્યો હતો. રિયા ચક્રવર્તી, પિતા ઈંદ્રજીત, માતા સંધ્યા, ભાઈ શોવિક, સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા સહિત અન્યો સામે ફરિયાદ નોંધાવાઈ છે. સુશાંતના પિતા કે. કે. સિંહે 25 જુલાઈએ બિહાર પોલીસ પાસે નોંધાવેલી FIRને આધારે CBIએ કેસ દાખલ કર્યો છે.

આ તરફ સુશાંતના મોત મામલે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પણ મની લોન્ડ્રિંગના એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. 31 જુલાઈથી EDએ પણ પોતાની તપાસ શરૂ કરી હતી. EDએ સુશાંતના પિતા, બહેન મિતુ સિંહ, રિયા, શોવિક, ઈંદ્રજીત, સેમ્યુઅલ મિરાંડા, સિદ્ધાર્થ પીઠાની, રૂમી જાફરી સહિતના લોકોની પૂછપરછ કરી છે. તો શુક્રવારે સુશાંતની અન્ય એક બહેન પ્રિયંકા સિંહનું EDએ દિલ્હીમાં સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું હતું.

Read Next Story