એપશહેર

જેક્લીન ફર્નાન્ડિઝે મહારાષ્ટ્રના બે ગામ દત્તક લીધા, કુપોષિતોનું રખાશે યોગ્ય ધ્યાન

મહામારી દરમિયાન જરૂરિયાતમંદોની મદદ કરવા માટે બોલિવુડના સેલેબ્સ આગળ આવ્યા છે. હવે જેક્લીન ફર્નાન્ડિઝે પોતાની બર્થ ડે પર મહારાષ્ટ્રના બે ગામ દત્તક લીધા છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે 1500 લોકોનું ધ્યાન રાખવામાં આવશે

TNN 17 Aug 2020, 10:53 am
લોકડાઉન દરમિયાન બોલિવુડના ઘણા સેલેબ્સ લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા હતા. તે વાત પછી ભૂખ્યાનું પેટ ભરવાની વાત હોય કે પછી જરૂરિયાતમંદો સુધી જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચાડવાની વાત. હાલમાં જેક્લીન ફર્નાન્ડિઝે પોતાની બર્થ ડે (11 ઓગસ્ટ)પર મહારાષ્ટ્રના પાથર્ડી અને સકુર એમ બે ગામ દત્તક લીધા છે. ત્રણ વર્ષના પ્રોજેક્ટના ભાગરૂપે તે આ ગામના એવા રહેવાસીઓને ભોજન પૂરુ પાડશે, જેઓ કુપોષિત છે.
I am Gujarat Jacqueline Fernandez


જેક્લીને કહ્યું કે, 'આ છેલ્લા ઘણા સમયથી મારા ધ્યાનમાં હતું. આ સિવાય મહામારીના કારણે આ વર્ષ દરેક માટે મુશ્કેલ છે. આપણામાંથી કેટલાક લોકો નસીબદાર છે, પરંતુ સમાજના કેટલાક લોકો મૂળભૂત જરૂરિયાતો મેળવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે'.

એક્ટ્રેસે વધુમાં કહ્યું કે, 'આ પ્રોજેક્ટના ભાગરૂપે 1500 લોકોનું ધ્યાન રાખવામાં આવશે. જેમાં બાળકો સહિત ગામના લોકોને કુપોષણ માટે તપાસવામાં આવશે. તેમના માટે જાગૃતિ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવશે. અમે નવજાત બાળકોની સંભાળ રાખવામાં સક્ષમ થવા માટે 150 મહિલાઓને માહિતી અને સહાય આપવાની યોજના બનાવી રહ્યા છીએ. આ સિવાય સાત ફ્રંટ-લાઈન વર્કર્સને પણ તાલીમ આપવામાં આવશે. અમે 20 કટુંબોના હેલ્થને ટ્રેક કરીશું. જેમને કુપોષણને દૂર કરવાના સાધન પૂરા પાડવામાં આવશે. આ સિવાય 20 મહિલાઓને ગર્ભધારણથી બાળકના જન્મ સુધી તેઓ હેલ્ધી રહે તે માટેની પણ ખાતરી કરીશું. 20 બાળકોને કુપોષણની સારવાર આપવામાં આવશે અને ગામમાં 20 કિચન ગાર્ડન ઉભા કરવામાં આવશે. સમાજને કંઈક પરત આપવું તે હું મારા માતા-પિતા પાસેથી શીખી છું અને તેમણે મારા નિર્ણયને સપોર્ટ આપ્યો છે'.

વર્ક શિડ્યૂલ વિશે વાત કરતાં જેક્લીને કહ્યું કે, 'અમે 'અટેક'નું પ્રી-પ્રોડક્શન કામ શરુ કરી દીધું છે. કામ પર પરત ફરવામાં હજુ થોડો સમય લાગશે, કારણ કે બધા ન્યૂ નોર્મલ અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે'. 'અટેક'માં જેક્લીન ફરી એકવાર જ્હોન અબ્રાહમ સાથે જોવા મળશે. જેની સાથે તે અગાઉ હાઉસફુલ-2, રેસ-2 અને ઢીશૂમમાં સ્ક્રીન શેર કરી ચૂકી છે.

આ સિવાય તે 'કિક'ની સિક્વલનો પણ ભાગ બનશે તેવી ચર્ચા છે, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરુ થશે તેવી શક્યતા છે. 'મહામારીના કારણે શિડ્યૂલ ખોરવાઈ ગયું છે. તેથી વધુ સ્પષ્ટતા થયા પછી જ આ અંગે હું તમને વધારે જણાવી શકીશ', તેમ અંતમાં એક્ટ્રેસે કહ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો