એપશહેર

TMKOC: પોપટલાલને આવ્યો પત્રકાર પૂજાનો ફોન, પહેલી મુલાકાત લગ્ન સુધી પહોંચશે?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ફરી એકવાર પોપટલાલના લગ્નનો ટ્રેક દર્શાવાઈ રહ્યો છે. પૂજા નામની પત્રકાર સાથે પોપટલાલ પહેલી મુલાકાત કરવા જઈ રહ્યો છે.

I am Gujarat 2 Apr 2021, 11:54 am

હાઈલાઈટ્સ:

  • બે વર્ષ પહેલા ઈન્દોરમાં પોપટલાલને કોઈ કારણોસર નહોતી મળી શકી પૂજા.
  • મુંબઈ આવતી હોવાથી પોપટલાલને મળવા માટે બોલાવ્યો.
  • ટપ્પુ સેનાની મદદથી પોપટલાલે પૂજા માટે 6 હજાર રૂપિયાની ગિફ્ટ ખરીદી છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat popat pooja
સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ફરી એકવાર કુંવારા પત્રકાર પોપટલાલના લગ્નનો મુદ્દો ઉઠાવાયો છે. લગ્ન માટે તલપાપડ પત્રકાર પોપટલાલને આ વખતે સામેથી યુવતીનો ફોન આવ્યો છે. તમે જાણો જ છો કે લગ્નનું નામ સાંભળતા જ પોપટલાલ શરમથી લાલ થઈ જાય છે. આ વખતે પણ આવું જ થઈ રહ્યું છે. સંયોગ તો જુઓ કે જે યુવતીનો પોપટલાલને ફોન આવ્યો છે તે પોતે પણ પત્રકાર છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના લેટેસ્ટ એપિસોડમાં ટપ્પુ સેના 'પોપટ અંકલ'ના ઘરે આવી છે. પોપટલાલ એકલો રહે છે અને સોસાયટીના બાકીના સભ્યો પરિવાર સાથે સમય વિતાવે છે તેવો મોકો તેને મળતો નથી. ત્યારે પોપટલાલની એકલતા દૂર કરવા ટપ્પુ સેના તેમની સાથે આઈસ્ક્રીમ પાર્ટી કરવા આવે છે. સોનુ બધા માટે આઈસ્ક્રીમ કાઢીને લાવે છે ત્યાં જ પોપટલાને એક ફોન આવે છે.

આ ફોન તૂફાન એક્સપ્રેસની ઈન્દોર બ્રાંચમાં કામ કરતી પૂજા અગ્રવાલ નામની પત્રકારનો હોય છે. પૂજા મુંબઈ આવવાની હોય છે ત્યારે તે પોપટલાલને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પૂજા કોઈ સ્ટોરી પર કામ કરી રહી છે અને તેના માટે જ તે મુંબઈ આવી રહી છે. ફોન પર પૂજા કહે છે કે, બે વર્ષ પહેલા પોપટલાલે પત્રકાર સંમેલનમાં જે વ્યક્તવ્ય આપ્યું હતું તેનાથી તેની જિંદગી પલટાઈ ગઈ હતી. પૂજા પોપટલાલથી ખૂબ પ્રભાવિત છે. આ સાંભળીને પોપટલાલની ખુશી સમાતી નથી.

દરેક યુવતીને જોઈને પોપટલાલના મનમાં લગ્નનો વિચાર આવી જ જાય છે. ત્યારે પૂજા જે તેના આટલા વખાણ કરી રહી છે તે કુંવારી છે કે કેમ? તે જાણવાનો વિચાર પોપટલાલના મનમાં આવે છે. પહેલા તો પોપટલાલ પૂછતા ખચકાય છે પરંતુ બાદમાં વાતમાંથી વાત કાઢીને પૂછી જ લે છે. પૂજા પરણેલી છે કે નહીં તે જાણવા પોપટલાલ કહે છે કે, તમે મુંબઈ આવી રહ્યા છો ત્યારે તમારી ગેરહાજરીમાં પતિ તમારા પરિવારને સંભાળી રહ્યા છે તે સારી બાબત છે. ત્યારે જ પૂજા બોલી પડે છે કે, હજી તે કુંવારી છે.

આ સાંભળ્યા પછી પોપટલાલની ખુશીનો પાર નથી રહેતો. પોપટલાલ પૂજાને સામો સવાલ કરે છે કે દુનિયામાં આટલા સારા છોકરાઓ છે તો તમે હજી લગ્ન કેમ નથી કર્યા? પૂજા પણ સામે કહે છે કે, દુનિયામાં આટલી છોકરીઓ હોવા છતાં તમે પણ કુંવારા જ છો ને. આ સાંભળીને પોપટલાલ વિચારે છે કે, પૂજાએ તેવા વિશે ખાસ્સું રિસર્ચ કરીને રાખ્યું છે. આ વાતનો અહેસાસ થતાં પોપટલાલ ફરી શરમાઈ જાય છે. પૂજા સાથેની વાત વચ્ચે મૂકીને વિચારોમાં સરી પડે છે. પૂજા બે-ત્રણ વખત 'હેલો હેલો' કહે છે ત્યારે પોપટલાલ વિચારોમાંથી બહાર આવે છે.

વાતો વાતોમાં પૂજા પોપટલાલને કહે છે કે તે તેને પૂજાજી કહીને ના બોલાવે, ફક્ત પૂજા કહે. સામે છેડેથી પોપટલાલ પણ પોતાને માત્ર પોપટલાલ કહેવાની વિનંતી પૂજાને કરે છે. છેવટે પૂજા અને પોપટલાલ બીજા દિવસે સવારે 11 વાગ્યે તૂફાન એક્સપ્રેસની ઓફિસમાં મળવાનું નક્કી કરીને ફોન મૂકે છે. પૂજા સાથે વાત કર્યા પછી પોપટલાલની ખુશી સાતમા આસમાને છે અને તેના મનમાં લગ્નની શરણાઈઓ વાગવા માંડે છે. આ દરમિયાન પાછળ ઊભી રહીને આ આખો સંવાદ સાંભળી રહેલી ટપ્પુ સેના પણ પોપટ અંકલ માટે ખુશ થાય છે.

ટપ્પુ સેના પોપટલાલને પૂજા કોણ છે તેના વિશે પૂછે છે અને પૂજાજી પરથી સીધું જ પૂજા કહેવા પર ચીડાવે પણ છે. ત્યારબાદ ટપ્પુ સેના 'પોપટ અંકલ'ને પૂજા સાથે 'સેટ' કરવા માટે ટિપ્સ આપવા માંડે છે. પૂજાને શું ગિફ્ટ આપી શકાય તેના વિવિધ આઈડિયા તેઓ આપે છે. પર્સ, આઈસ્ક્રીમ,પર્ફ્યૂમ જેવી વસ્તુઓ પર વિચાર કર્યા પછી છેવટે સોનુના ઓર્ગેનિક બ્યૂટી પ્રોડક્ટ આપવાના વિચાર પર સૌ સહમત થાય છે. પોપટલાલ અને ટપ્પુ સેના મળીને પૂજા માટે 6 હજાર રૂપિયાની ઓર્ગેનિક બ્યૂટી પ્રોડક્ટ ઓનલાઈન ખરીદે છે. જેની ડિલિવરી બીજા દિવસે સવારે 10 વાગ્યે થશે.

હવે જોવાનું એ રહેશે કે પોપટલાલ અને પૂજાની પહેલી મુલાકાત કેવી રહેશે? કોઈ કારણોસર બે વર્ષ પહેલા પોપટલાલને ન મળી શકેલી પૂજાના મનમાં પોપટલાલ માટે જે છાપ છે તે અકબંધ રહેશે? પોપટલાલે ખરીદેલી ગિફ્ટ પૂજાને પસંદ આવશે? પ્રોફેશનલ કામથી શરૂ થયેલો સંબંધ લગ્ન સુધી પહોંચશે? આ બધા જ સવાલોના જવાબ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના આવનારા એપિસોડમાં મળી જશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો