એપશહેર

અ'વાદ: પિરાણા ડમ્પિંગ યાર્ડમાં જીવતી દટાઈ 12 વર્ષની છોકરી, મા અને ભાઈ-બહેન શોકાતુર

છોકરી નિયમિતપણે પિરણામાં કચરાના ડુંગર પર ચડીને રમકડાં અને અન્ય વસ્તુઓ વીણવા જતી હતી. પરંતુ રવિવારે તેની સાથે આ દુર્ઘટના ઘટી.

TNN 28 Sep 2020, 8:30 am
અમદાવાદ: 12 વર્ષની નેહા વસાવા અને 7 વર્ષનો અનિલ મારવાડી રવિવારે પિરાણા ડમ્પિંગ યાર્ડમાં ફેંકી દેવાયેલા રમકડાની શોધમાં ગયા હતા. આ કામ તેઓ નિયમિતપણે કરતા હતા. તેઓ જે શોધી લાવે તેમાંથી સારી સ્થિતિ હોય તેને તેમના માતા-પિતા વેચી દેતા હતા. પરંતુ આ વખતે નેહાનું નસીબ વાંકું ચાલ્યું અને તેની પર કાદવનો જાડો થર અને કચરાનો ઢગલો પડ્યો ને તે જીવતી દટાઈ ગઈ.
I am Gujarat pirana n
નેહાનું સર્ચ ઓપરેશન (ડાબી તસવીર)


પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે પરંતુ ક્ષણે-ક્ષણે તેના જીવતા રહેવાની સંભાવના ઘટી રહી છે. નેહાના પિતાનું એક વર્ષ પહેલા નિધન થયું હતું ત્યારથી તેની માતા રંજન રોજમદાર મજૂર તરીકે કામ કરે છે. નેહા સાથે આ દુર્ઘટના થયા બાદ રંજનબેન અને તેમના ત્રણ બાળકો- કિશન (18 વર્ષ), વૈશાલી (19 વર્ષ) અને રાહુલ (7 વર્ષ) દુઃખમાં ગરકાવ છે.

શોકાતુર થયેલા નેહાના મા, બહેન અને ભાઈઓ



સ્થાનિકો અને પોલીસના જણાવ્યા અનુસાર, નેહા અનિલ સાથે પિરાણા ડમ્પિંગ યાર્ડમાં રમતી હતી. "તેઓ કચરાના ઢગલા પર રમકડાં અને કંઈક વસ્તુઓ શોધવા માટે ચડ્યા હતા. એ વખતે તેમનું સંતુલન બગડ્યું અને અન્ય એક કચરાના ઢગલામાં પડ્યા હતા. કેટલાક સ્થાનિકોએ આ જોયું અને તેઓ તરત જ મદદે દોડી ગયા હતા. તેમણે છોકરાને બચાવી લીધો પરંતુ છોકરી ના મળી", તેમ દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ જણાવ્યું.

શ્વાસ લેવામાં તકલીફ થતી હતી છતાં છોકરાએ કહ્યું, કચરાના ઢગલામાં પડ્યા પછી તેનું માથું બહાર હતું એટલે તેને ઝડપથી શોધી શકાયો પરંતુ નેહા ના મળી. એક પોલીસકર્મીના જણાવ્યા અનુસાર, દાણીલીમડા પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓ અને ફાયરબ્રિગેડના પાંચ જવાનો રવિવારે મોડી રાત સુધી નેહાની શોધમાં લાગ્યા હતા પરંતુ તેનો પત્તો મળ્યો નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો