એપશહેર

જન્મથી જ દુર્લભ બીમારીના કારણે શારીરિક વિકાસ રૂંધાયો પણ સપનાં નહીં, ધો.10ની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસ કરવા મક્કમ

અમદાવાદના મિર્ઝાપુરમાં રહેતો હબીબ કુરેશી મોરકિયો સિન્ડ્રોમથી પીડાય છે. આ બીમારીના કારણે તેનો શારીરિક વિકાસ ના થઈ શક્યો. હબીબ અડધો કલાક પણ જાતે લખી કે ચાલી નથી શકતો પરંતુ તેની આ શારીરિક ખામીને તે પોતાનાં સપનાના આડે નથી આવવા દેવા માગતો. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરીને ઉચ્ચ અભ્યાસ કરવા માગે છે.

Authored byશિવાની જોષી | TNN 25 Mar 2022, 8:59 am

હાઈલાઈટ્સ:

  • 16 વર્ષની ઉંમરે પણ બે વર્ષના બાળક જેવો દેખાય છે હબીબ કુરેશી.
  • આઠ મહિનાનો થયો ત્યારે બેસતાં ના શીખતાં તેને મોરકિયો સિન્ડ્રોમ હોવાનું નિદાન થયું હતું.
  • હાલ બોર્ડની પરીક્ષામાં હબીબને રાઈટરને સુવિધા આપવામાં આવી છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat pablo(101)
હબીબ કુરેશી (તસવીર સૌજન્ય- TOI)
અમદાવાદ: હબીબ કુરેશી (Habib Qureshi) દેખાવમાં ભલે નાના બાળક જેવો લાગતો હોય પરંતુ તેની ઉંમર 16 વર્ષ છે અને આગામી 28 માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ 10 (Class 10 Board Exam)ની બોર્ડની પરીક્ષા આપશે. હબીબના આ અસામાન્ય દેખાવ માટે મોરકિયો (Morquio Syndrome) સિન્ડ્રોમ જવાબદાર છે. આ એવી દુર્લભ જેનેટિક કંડિશન છે જે હાડકાં, કરોડરજ્જુ, અંગો અને શારીરિક વિકાસને અસર કરે છે. મિર્ઝાપુરના રહેવાસી હબીબની હાઈટ 1.5 ફૂટ છે. તે અડધો કલાકથી વધારે લખી કે ચાલી નથી શકતો પરંતુ તેની આ સ્થિતિને તે પોતાના સપનાંને આડે નથી આવવા દેવા માગતો.
કચ્છ ફરવા જવા ઈચ્છતાં લોકોની મુસાફરી થશે વધુ સુગમ, પહેલી જૂનથી અમદાવાદ-ભુજ વચ્ચે શરૂ થશે ફ્લાઈટ

હબીબના પિતા ઈસ્માઈલ કુરેશી (Ismail Qureshi) દુકાન ચલાવે છે અને તેના માતાનું નામ શાહરબાનુ છે. હબીબ મિર્ઝાપુરમાં આવેલી ઓરિયન્ટ હાઈસ્કૂલ (Orient High School)માં અભ્યાસ કરે છે. તેનાં માતાએ કહ્યું, "હબીબ જન્મ્યો ત્યારે બધું જ સામાન્ય લાગતું હતું. જોકે, તે આઠ મહિનાનો થયો છતાં બેસતાં ના શીખતાં ડૉક્ટરને બતાવવા માટે અમે તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાં તે મોરકિયો સિન્ડ્રોમથી પીડાતો હોવાનું નિદાન થયું હતું. આ કંડિશનથી પીડાતા બાળકોના શરીરમાં પૂરતા પ્રમાણમાં એન્ઝાઈમ્સ ઉત્પન્ન થતાં નથી. શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થતી શુગર ચેઈનને આ એન્ઝાઈમ્સ તોડી પાડતાં હોય છે. પરંતુ આ બાળકોના શરીરમાં આમ ના થતું હોવાથી તેમના શારીરિક વિકાસ પર અસર પડે છે."


ડૉક્ટરોએ હબીબને ફિઝિયોથેરાપી લેવાની સલાહ આપી હતી પરંતુ તે લીધા છતાં તેના શરીરમાં કોઈ ફરક ના પડ્યો તેમ હબીબના માતાએ જણાવ્યું.

શાહરબાનુએ આગળ કહ્યું, "તેની હાઈટના કારણે તેની ઉંમર બે વર્ષ હોય તેવું લાગે છે પરંતુ તેની ઈચ્છાશક્તિ ખૂબ પ્રબળ છે અને તે હોંશિયાર વિદ્યાર્થી છે. તેણે ઉચ્ચ અભ્યાસ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે." શાહરબાનુનો એક મોટો દીકરો છે જે MScના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.


માર્ચ મહિનામાં CNGના ભાવમાં ત્રીજી વખત વધારો થયો, ભાવ ₹74.59 પર પહોંચ્યો

"હબીબ ચાલી ના શકતો હોવાથી તેને રોજ સ્કૂલે તેડીને મૂકવા જવો પડે છે. ગત શિયાળામાં તેને ગંભીર એલર્જી થઈ હોવાથી સ્કૂલે નહોતો મોકલી શકાયો. તેણે ધોરણ 10ની તૈયારી ઘરે જ કરી છે", તેમ તેના માતાએ ઉમેર્યું. બોર્ડની પરીક્ષામાં પેપર લખવા માટે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ (GSHEB)એ હબીબને રાઈટરની મંજૂરી આપી છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story