એપશહેર

અમદાવાદીઓએ માસ્ક ના પહેરવા બદલ અઠવાડિયામાં 20 લાખ રૂપિયા દંડ ભર્યો

રાજકોટમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને કુલ 70 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો.

Reported bySarfaraz Shaikh | TNN 26 Nov 2020, 9:10 am
અમદાવાદ/સુરત/રાજકોટઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોના વાયરસની બીજી લહેરના કારણે કેસમાં ઉછાળો નોંધાયો છે. કોરોના વાયરસને અટકાવવા માટે નાગરિકો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે ત્યારે તેમને કાબૂમાં લાવવા માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક પગલા ભરાઈ રહ્યા છે. આવામાં 15 નવેમ્બરથી 22 નવેમ્બર દરમિયાન ગુજરાતીઓએ 3.9 કરોડ રુપિયાનો દંડ માસ્ક ના પહેરવા બદલ ચુકવ્યો છે.
I am Gujarat 2089 people caught and fined for not wearing masks in public
અમદાવાદીઓએ માસ્ક ના પહેરવા બદલ અઠવાડિયામાં 20 લાખ રૂપિયા દંડ ભર્યો


33 જિલ્લામાં કુલ 39,000 લોકોને 1000 રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટમાં 7,000 જેટલા લોકોને જાહેરમાં માસ્ક ના પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. શહેરી પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દિવાળીના તહેવારો પછી માસ્ક વગર ફરતા લોકોને સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ તરફ સુરતમાં માસ્ક વગર ફરતા 2,573 લોકોને 25 લાખથી વધુ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વડોદરામાં 2,341 લોકોને 23 લાખથી વધુનો દંડ થયો છે. અમદાવાદની વાત કરીએ તો અહીં રાજ્યમાં સૌથી ખરાબ રીતે કોરોના ફરી એકવાર વકર્યો છે, અહીં 2,089 લોકોને જાહેરમાં માસ્ક ના પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.


DGP આશિષ ભાટિયાએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરીને જણાવ્યું કે, ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે, આ સાથે માસ્ક લોકો ફરજિયાત પહેરે તે બાબતનું ધ્યાન રાખવામાં આવશે. પોલીસને એ પણ સૂચના આપવામાં આવી છે કે નાકથી માસ્ક નીચે ઉતરી ગયું હોય, ગળા પર હોય કે મોઢું દેખાતું હોય તેવી સ્થિતિમાં વ્યક્તિ સામે પગલા ભરવામાં આવે. ભાટિયાએ જણાવ્યું કે, "લોકોએ સમજવું જોઈએ કે માસ્ક પહેરવાથી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાથી જ કોરોના વાયરસને હરાવી શકાય છે. ઘણાં પોઈન્ટ પર માસ્ક વગર ફરતા લોકોને પકડીને કાર્યવાહી કરવામાં આવે છે."

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જણાવે છે કે મોટા પ્રમાણમાં માસ્ક ના પહેરવાની ફરિયાદો નોંધાઈ રહી છે તે જોતા એ સ્પષ્ટ થાય છે કે પોલીસ પોતાની કામગીરી ઘણી સારી રીતે કરી રહી છે. અગ્રવાલ જણાવે છે કે પાનના ગલ્લા, ચાની કિટલીઓ અને નાસ્તાની દુકાનો પાસે ખાસ નજર રાખવામાં આવે છે કારણ કે અહીં સૌથી વધુ માસ્ક ના પહેરવાની ઘટના બનતી હોય છે. અમે લોકોને એવી પણ વિનંતી કરી છે કે, જાહેરમાં ખાવાના બદલે બહારથી લીધેલો ખાવાનો સામાન ઘરે લઈ જવો જોઈએ. તેમણે આગળ જણાવ્યું કે, એપિડેમિક ડિસિસ એક્ટ હેઠળ કેટલાક જિલ્લાઓમાં ઘણાં ઓછા કેસ નોંધાયા છે. જેમાં બોટાદમાં માત્ર 39, તાપીમાં 45 અને ડાંગમાં 54 કેસ નોંધાયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો