એપશહેર

5 વર્ષમાં 30,000 સ્ટાર્ટ અપ્સ અને 2.60 લાખ રોજગારીનું સર્જન

I am Gujarat 7 Sep 2016, 1:26 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat 30000 start ups to add 260 lakh jobs
5 વર્ષમાં 30,000 સ્ટાર્ટ અપ્સ અને 2.60 લાખ રોજગારીનું સર્જન


તાલીમ અને આન્ટ્રપ્રિન્યોરશીપના ફેલાવા થકી અગામી પાંચ વર્ષમાં દેશમાં નવા 30,000 સ્ટાર્ટઅપ્સ અને 2.60 લાખ નોકરીની તકો ઊભી કરવાના ઉદ્દેશ સાથે મિનિસ્ટ્રી ઑફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રોન્યોરશીપ હવે કોલેજ, યુનિવર્સિટી, શાળાઓ, આઇટીઆઇ તથા ઉદ્યોગસાહસિકતા વિકાસ કેન્દ્રોને વિકાસ પ્રક્રિયામાં સામેલ કરશે.

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થાન, ઉદ્યોગસાહસિકતા વિકાસ કેન્દ્રો તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓને ભારત સરકારની આ યોજનામાં ભાગ લેવા અંગેની માહિતી આપવા માટે ઈડીઆઇ ખાતે મંગળવારના રોજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજનામાં પ્રોજેક્ટ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ભાગ લેવા માંગતી શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓને યોજના અંગે વધુ માહિતી આપવામાં આવી હતી.

આ વર્કશોપમાં મિનિસ્ટ્રી ઑફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રોન્યોરશીપના કન્સલ્ટન્ટ ડૉ. ચાર્વી મહેતા, ઇડીઆઇના ડિરેક્ટર ડૉ. સુનિલ શુક્લા, ઇડીઆઇના સિનિયર ફેકલ્ટી ડૉ. સંજય પાલ, પ્રોગ્રામ ઑફિસર તથા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર આન્ત્રપ્રિન્યોરશીપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટના વડા વી. કે. એસ રાઠોર તથા વાઢવાની ફાઉન્ડેશન, નેશનલ આન્ત્રપ્રિન્યોરશીપ નેટવર્કના ડિરેક્ટર શ્રી અસગર અહેમદ ઉપસ્થિત રહ્યા હતા.

આ યોજના અંગે માહિતી આપતા ડૉ. ચાર્વી મહેતાએ જણાવ્યું હતું, “ઉદ્યમિતા શિક્ષણ મારફતે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સરકાર 220થી વધુ કૉલેજો, 300 શાળાઓ, 500 આઇટીઆઇ, 50 જેટલા ઉદ્યોગસાહસિકતા વિકાસ કેન્દ્રોને આ રાષ્ટ્રીય યોજના અંતર્ગત સાંકળશે. ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા સરકાર આ યોજના હેઠળ 10,000 જેટલા મેન્ટર્સ અને 8950 જેટલા ફેસિલિટેટર્સને તાલીમ આપશે.” સરકારનો ઉદ્દેશ આ યોજના થકી વર્ષ 2020-21 સુધીમાં 30,000 સ્ટાર્ટઅપ્સ અને 2.60 લાખ નોકરીની તકો ઊભી કરવાનો છે.

આ યોજના અંગે વાત કરતા ઇડીઆઇના ડિરેક્ટર ડૉ. સુનિલ શુક્લાએ જણાવ્યું હતું કે, “કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય દ્વારા હાથ ધરાયેલી આ યોજના લાંબાગાળે સમગ્ર દેશમાં આંત્રપ્રોન્યોરશીપ ઇકોસિસ્ટમ ઊભી કરવામાં ખૂબ જ મહત્વની પુરવાર થશે.”

વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતાની તાલીમ આપવા માંગતી શૈક્ષણિક સંસ્થાઓને આ યોજનામાં પ્રોજેક્ટ ઇન્સ્ટિટ્યૂટ તરીકે સંકળી શકાશે. આ પ્રોગ્રામમાં ઉદ્યોગ સાહસિકતાની વ્યવહારિક તાલીમ આપવા પર વિશેષ ધ્યાન અપાશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો