એપશહેર

9 મહિના બાદ રાજ્યભરમાં સ્કૂલો ખુલી, પહેલા જ દિવસે 40 ટકા વિદ્યાર્થીઓ ક્લાસમાં હાજર રહ્યા

TNN 12 Jan 2021, 9:23 am
અમદાવાદઃ કોરોનાની મહામારીથી બંધ કરાયેલી સ્કૂલો ગુજરાતમાં સોમવારથી ફરી શરૂ કરાઈ હતી. 9 મહિનાના લાંબા સમય બાદ ફરીથી ખુલેલી સ્કૂલોમાં ધોરણ 10 અને 12ના અંદાજે 40 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અમદાવાદમાં આ હાજરી માત્ર 28 ટકા રહી હતી. રાજ્યમાં માર્ચ 2020થી જ સ્કૂલો અને કોલેજો લોકડાઉનના કારણે બંધ કરાયા હતા.
I am Gujarat school 1


રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકઠા કરવામાં આવેલા આંકડા મુજબ, 43 ટકા સ્કૂલો સોમવારે કુલી હતી. રાજ્યભરમાં રહેલી કુલ 9468 સ્કૂલોમાંથી 4,099 સ્કૂલો સોમવારે રાજ્યભરમાં વિદ્યાર્થીઓ માટે ખુલી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, શિક્ષકો, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ માટે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને સ્કૂલમાં પ્રવેશતા વખતે થર્મલ ગનથી શરીરનું તાપમાન ચેક કરવું જરૂરી છે. શિક્ષણમંત્રીએ ગાંધીનગરના કલોલની એક સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના આવકાર્યા હતા. જ્યારે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વસ્ત્રાલની એક સ્કૂલમાં ઉપસ્થિત રહ્યા હતા.

ચુડાસમાએ કહ્યું કે, લાંબા કોવિડ-19 વેકેશન બાદ સ્કૂલો અને કોલેજ ફરી ખુલતા વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ છે. ગ્રેજ્યુએશન અને પોસ્ટગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ કરવા ઉપરાંત અમે આગામી બોર્ડની પરીક્ષા માટે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પણ સ્કૂલો ખોલવાનો નિર્ણય લીધો હતો. સરકારના આંકડા મુજબ, રાજ્યની 5728 ગ્રાન્ડેટ સ્કૂલોમાંથી 2411 સ્કૂલો ખુલી હતી. જ્યારા 1381 સરકારી સ્કૂલોમાંથી 1202 સ્કૂલો ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુલી હતી. અમદાવાદના કેસમાં 452 સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોમાંથી માત્ર 87 સ્કૂલોમાં વર્ગખંડમાં અભ્યાસ શરૂ થયો હતો.

આ વિશે ધોરણ 12માં અભ્યાસ કરતી ભગવતી અગ્રવાલ કહે છે, સ્કૂલે સુરક્ષાની તમામ જરૂરી વ્યવસ્થા કરી હોવાથી મારા માતા-પિતા મને સ્કૂલ મોકલવા માટે રાજી હતા. આ ઉપરાંત પ્રેક્ટિકલ પર પણ હાથ અજમાવવો જરૂરી છે. અન્ય આનંદ લાંબા સમય બાદ મિત્રોને મળવાનો હતો.

જ્યારે DPS સ્કૂલના પ્રિન્સિપાલ સુરેન્દ્ર સચદેવાએ કહ્યું, વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવવા ઉત્સાહિત હતા. મંજૂરી મેળવનારા 57માંથી 20 વિદ્યાર્થીઓ હાજર હતા અને વધારે હજુ આવશે. અમે પ્રેક્ટિકલથી શરૂઆત કરી હતી, જે ઓનલાઈન ક્લાસમાં શક્ય નથી. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં આંટો મારીને તેમની ગેરહાજરીમાં થયેલા ફેરફારો પર પણ નજર કરી હતી.

અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી આર.આર વ્યાસે કહ્યું, 29.73 ટકા વિદ્યાર્થીઓએ સ્કૂલમાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને માસ્ક અને સેનિટાઈઝરની બોટલ આપવામાં આવી હતી. જુદા જુદા મંત્રીઓ અને ભાજપના ધારાસભ્યો ગુજરાતભરમાં વિદ્યાર્થીઓને આવકારવા સ્કૂલોમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલોના મેનેજમેન્ટના કેન્દ્ર સરકારની SOPનું કડકપણે પાલન કરવા માટે સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. કોરોનાના નવા કેસોમાં નોંઘાયેલા ઘટાડાને પગલે રાજ્ય કેબિનેટ દ્વારા ધોરણ 10-12 વિદ્યાર્થીઓ માટે સ્કૂલો અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજો શરૂ કરાઈ છે. એવી પણ જાહેરાત કરાઈ હતી કે સ્કૂલમાં હાજરી ફરજિયાત નહીં હોય અને ઓનલાઈન ક્લાસ પણ ચાલુ જ રહેશે.

Read Next Story