એપશહેર

ખેડાઃ બૂટલેગરોએ દારૂની 400 બોટલ કૂવામાં સંતાડી, બહાર કાઢવા ફાયર બ્રિગેડ બોલાવાઈ

ખેડાના વડતાલમાંથી પોલીસે બે બૂટલેગરોને ઝડપી પાડ્યા હતા. જેમણે કબૂલાત કરી છે કે તેમણે 400 બોટલ કૂવામાં નાખી દીધી હતી. જેમાંથી કેટલીક બોટલનો દારૂ પાણી સાથે પણ ભળી ગયો છે.

Reported byAshish Chauhan | Written byમિત્તલ ઘડિયા | TNN 8 Sep 2020, 9:59 am
આશિષ ચૌહાણ, અમદાવાદઃ ખેડા ગામમાં બૂટલેગરોએ દારૂની બોટલ કૂવામાં સંતાડતા દારૂ પાણી સાથે સાથે ભળી ગયો છે, અને એટલે જ હજી સુધી પોલીસ કેસના મૂળ સુધી પહોંચી શકી નથી. કૂવાનું પાણી અને દારૂ ભળી જતાં એટલી તીવ્ર દુર્ગંધ આવી રહી છે કે પોલીસ માટે પણ ત્યાં ઉભા રહેવાનું મુશ્કેલ બની ગયું છે.
I am Gujarat chaklasi police station


આ ઘટના ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વડતાલ ગામની જ્યાં ઓપરેશન પૂર્ણ કરવા માટે ફાયરબ્રિગેડના 8 જવાનોને બોલાવવામાં આવ્યા છે. ત્યાં ઉપસ્થિત સૂત્રોએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, 40 ફૂટ ઉંડા કૂવામાંથી ધૂમાડા જેવું કંઈક નીકળી રહ્યું છે. તેથી તેમણે કહ્યું કે, પુરાવા મેળવવા માટે ઓક્સિજન સપોર્ટની જરૂર પડશે.

આખી ઘટનાની શરુઆત રવિવારે વહેલી સવારે થઈ હતી. ચકલાસી પોલીસની ટીમને બાતમી મળી કે વડતાલની DPS સ્કૂલ પાછળના મકાનમાં દારૂની બોટલોનું વિશાળ કન્ટેનર ઉતારવામાં આવ્યું છે.

ઈન્સ્પેક્ટર જીગર પટેલ, સબ-ઈન્સપેક્ટર પ્રવિણગિરી ગોસ્વામી, અન્ય સાત પોલીસકર્મીઓ અને બે સાક્ષીઓ ભારે આશા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાંથી વડતાલના મહેન્દ્ર પરમાર અને રાજસ્થાનના મનોજ બિશ્નોઈ, એમ બે બૂટલેગરોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે વ્હિસ્કીની 72 બોટલ અને 19 બીયર કેન એમ બંને મળીને કુલ 35 હજાર રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

પોલીસની ટીમ આ કેસ બાબતે નિશ્ચિત હતી, પરંતુ આગળની તપાસ કરતાં ખુલાસો થયો કે આખો મામલો તો પાણીના ઊંડાણમાં છુપાયેલો છે.

આરોપીઓએ કબૂલાત કરી કે, તેમણે ઘરની અંદરના કૂવામાં 400 દારુની બોટલો સંતાડી હતી.

'અમારા માણસોએ કૂવામાં જવાનો પ્રયાસ કર્યો પરંતુ દુર્ગંધના કારણે તેમને ગૂંગળામણ થવા લાગી હતી. બાદમાં અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો અને તેમણે તેમના આઠ જવાનો મોકલ્યા', તેમ સબ-ઈન્સપેક્ટર ગોસ્વામીએ કહ્યું હતું.

ગોસ્વામીએ કહ્યું કે, સર્ચ ટીમ ઓક્સિજન સિલિન્ડર મેળવવા પ્રયાસ કરી રહી છે જેથી સુરક્ષિત રીતે દારૂની બોટલો બહાર લાવી શકાય કે જે અકબંધ છે. 'આ દરમિયાન અમે આરોપીઓ સામે પુરાવા મેળવવા માટે કૂવાના પાણીના સેમ્પલ ફોરેન્સિક ટેસ્ટિંગ માટે મોકલી દીધા છે', તેમ તેમણે કહ્યું. પોલીસ સુરક્ષા હેઠળ જ ફાયર બ્રિગેડના જવાનો બોટલો કાઢવાનો પ્રયાસ કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો