એપશહેર

અ'વાદઃ રસ્તા પર માસ્ક વગર ઝડપાયેલા 47 લોકો કોરોના પોઝિટિવ નીકળ્યા

રસ્તા પર માસ્ક વગર ફરતાં ઝડપાયેલા લોકોમાંથી 47 કોરોના પોઝિટિવ નીકળ્યા છે. જેમાંથી 6ને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.

TNN 27 Nov 2020, 7:58 am
અમદાવાદઃ ટ્રાફિક જંક્શન પર તમારી બાજુમાં માસ્ક વગર ઉભો રહેલો વ્યક્તિ કોવિડ-19નો એસિમ્પ્ટોમેટિક કેરિયર હોઈ શકે છે. અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને લોકો ફરજિયાતપણે માસ્ક પહેરે તેનો ટાસ્ક સોંપવામાં આવ્યો છે. તેમને જાણવા મળ્યું છે કે માસ્ક વગર ઝડપાયેલા જે લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું તેમાંથી 5 ટકા કોરોના વાયરસ પોઝિટિવ નીકળ્યા.
I am Gujarat people without mask
પ્રતિકાત્મક તસવીર


ડિપાર્ટમેન્ટે એક ડ્રાઈવ હાથ ધરી છે, જેમાં માસ્ક વગર પકડાયેલા લોકોને ટેસ્ટિંગ સેન્ટર પર લઈ જઈને ચેક કરવામાં આવી રહ્યા છે. ડિપાર્ટમેન્ટે 958 લોકોને માસ્ક વગર પકડ્યા હતા અને તેમાંથી 5 ટકા એટલે કે 47 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ 47માંથી, છને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે જ્યારે બાકીનાને સમરસ હોસ્ટેલ કોવિડ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે.

રસ્તા પર માસ્ક વગર રખડતા ઝડપાયેલા લોકોમાંથી અત્યારસુધીમાં 60નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીઓએ કહ્યું કે, લોકો માસ્ક પહેરે તે હેતુથી ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, આ દરમિયાન જે પાંચ ટકા લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમણે હવે ચિંતા ઉભી કરી છે. કારણ કે, આ લોકોએ અન્ય કેટલાય લોકોને સંક્રમિત કર્યા હશે.

સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર હર્ષદ સોલંકીએ કહ્યું હતું કે, શહેરના પૂર્વ ઝોનમાં માસ્ક વગર પકડાયેલા લોકોની સંખ્યા ઓછી હોવા છતાં, પકડાયા બાદ પોઝિટિવ આવનારની ટકાવારી શહેરમાં સૌથી વધારે છે. પૂર્વ ઝોનમાંથી માસ્ક વગર પકડાયેલા 68 વ્યક્તિઓમાંથી 13.2 ટકા પોઝિટિવ નીકળ્યા હતા. તે પછી ઉત્તર ઝોન છે, જ્યાં પોઝિટિવિટી રેટ 6.5 ટકા હતો. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 6.2 ટકા જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનનો પોઝિટિવિટી રેટ 5.9 ટકા હતો.

આરોગ્ય વિભાગ હવે આ લોકોના સંપર્કમાં આવેલાને શોધી રહ્યા છે, તેમજ તેવી પણ તપાસ કરી રહ્યા છે કે આ દર્દીઓ લગ્ન કે અન્ય કોઈ ફંક્શનમાં ગયા હતા કે કેમ.

Read Next Story