એપશહેર

અ'વાદઃ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા 5 વાહન ચાલકોને 100થી વધુ ઈ-મેમો મળ્યા

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા શહેરના 5 વાહન ચાલકોને 100થી પણ વધુ ઈ-મેમો મળી ચૂક્યા છે

Reported byAshish Chauhan | TNN 12 Sep 2020, 8:15 am
અમદાવાદઃ કોરોનાનો કહેર આવ્યો તે પહેલા અમદાવાદીઓ ટ્રાફિક જંક્શન્સ પર લાગેલા સીસીટીવી કેમેરામાં પકડાવવાની બીકે નિયમોનું પાલન કરતા હતા. વાહન ચાલકોમાં ઘર સુધી આવતા ઈ-મેમોને લઈને ડર હતો. જોકે હવે ટ્રાફિક પોલીસની ત્રીજી આંખ કહેવાતા સીસીટીવી કેમેરાનો પણ કેટલાક વાહન ચાલકોને ડર નથી રહ્યો. શહેરમાં પાંચ એવા વાહન ચાલકો છે જેમને નિયમોનો ભંગ કરવા બદલ 100થી પણ વધારે ઈ-મેમો અત્યાર સુધી મળી ચૂક્યા છે.
I am Gujarat traffic
અમદાવાદમાં ટ્રાફિકની ફાઈલ તસવીર


અમદાવાદ ટ્રાફિક ડિપાર્ટમેન્ટે સપ્ટેમ્બર 2015થી લાગુ કરવામાં આવેલી ઈ-મેમોની સિસ્ટમ બાદથી 100થી વધારે ઈ-ચલણ મેળવનારા પાંચ જેટલા વાહન ચાલકોની ઓળખ કરી છે. જેમાં એક બાઈક ચાલકને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ 17, મે 2017થી 3 ઓગસ્ટ 2020 સુધીમાં 121 ઈ-મેમો આપવામાં આવ્યા છે. આ ઈ-મેમો વિજય ક્રોસરોડ, પાંજરાપોળ અને પાલડીના સિગ્નલો પર હેલ્મેટ ન પહેરવા, રેડ સિગ્નલ ક્રોસ કરવા તથા સ્ટોપ લાઈનના ઉલ્લંઘનને લઈને આપવામાં આવ્યા છે. જોકે વાહન ચાલકે આજસુધી એકપણ ઈ-મેમોનો દંડ ભર્યો નથી.

ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ક્રોસ રોડ અને વિજય ક્રોસરોડ પર ટીમ તહેનાત કરીને ઈ-ચલણનો દંડ રિકવરનો દાવો કરવામાં આવે છે, જોકે તેમ છતાં આ વ્યક્તિ જેના પર 49,400 રૂપિયાનો દંડ ભરવાનો બાકી છે તે પોલીસને થાપ આપીને નીકળવામાં સફળ થઈ જાય છે.

સૌથી વધારે ઈ-મેમો મેળવનારા પાંચ વાહનો


ઈ-મેમોની વાત કરીએ તો પોલીસ માટે તે સૌથી મોટી મુશ્કેલી બન્યું છે કારણ કે મોટાભાગના કેસોમાં દંડ ભરવામાં આવી રહ્યો નથી. શહેર ટ્રાફિક પોલીસના સીનિયર અધિકારીએ કહ્યું, 100થી વધુ ઈ-ચલણ મળ્યા છે તેવા પાંચ વાહન ચાલકોમાંથી માત્ર એક વ્યક્તિએ જ ચૂકવણી કરી છે, બાકીના તમામ લોકોએ દંડ ભર્યો નથી.

બાઈક ચાલક બાદ બીજા નંબરે સૌથી વધુ ઈ-ચલણ એક રીક્ષા ચાલકને અપાયા છે. આ રીક્ષા ચાલકને અપાયેલા 113 ઈ-ચલણના 42,000 રૂપિયાનો દંડ થાય છે. તેણે પણ આજ સુધી એકપણ ઈ-ચલણ ભર્યું નથી. જ્યારે 165 જેટલા વ્યક્તિઓને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ 50થી વધારે ઈ-ચલણ અપાઈ ચૂક્યા છે. 165 વાહન ચાલકોને અપાયેલા કુલ 10,404 ઈ-ચલણમાંથી માત્ર 182 ભરાયા છે, જ્યારે હજુ પણ 10,222 ઈ-ચલણનો દંડ ભરવામાં આવ્યો નથી.

DCP ટ્રાફિક તેજસ પટેલ કહે છે, 'ઘણા કેસોમાં વાહન માલિકો બદાલાયા છે, જે દંડ વસૂલવામાં સમસ્યા ઊભી કરે છે. અમે ઈ-ચલણ રિકવર કરવા માટે ખાસ જગ્યાઓ પર માણસો ગોઠવી રહ્યા છીએ. અમે રેગ્યુલર બાકી ઈ-ચલણની ભરપાઈ માટે બે ટીમો ગોઠવતા રહીએ છીએ.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો