એપશહેર

ગુજરાતમાં AAP અને AIMIMની એન્ટ્રી ભાજપને ફળી, અને કોંગ્રેસને જબરી નડી!

સુરતમાં કોંગ્રેસને ખાતું ખોલાવવામાં પણ ફાંફા પડી ગયા, રાજકોટમાં પક્ષ માત્ર ચાર જ બેઠક પર સમેટાય તેવી શક્યતા

I am Gujarat 23 Feb 2021, 5:03 pm
અમદાવાદ: રાજ્યમાં 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણીની સેમિફાઈનલ મનાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પહેલા તબક્કાના પરિણામ લગભગ જાહેર થઈ ચૂક્યા છે. જેમાં છ મહાનગરોમાં ફરી ભગવો લહેરાવાનો છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં રવિવારે થયેલી ચૂંટણીમાં આ વખતે માત્ર ભાજપ અને કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી અને AIMIM પણ મેદાનમાં હતાં.
I am Gujarat aap surat
સુરતમાં જીતનો જશ્ન મનાવી રહેલા આમ આદમી પાર્ટીના સમર્થકો. તસવીર: ગૌરાંગ જોષી


પહેલીવાર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલા ચતુષ્કોણિય જંગમાં નવી બે પાર્ટીઓ આપ અને AIMIMના આગમનનો કોને ફાયદો થશે, અને કોને નુક્સાન થશે તેની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. વળી, મતદાન ધાર્યા કરતાં ઘણું ઓછું થવાના કારણે પણ ચતુષ્કોણિય જંગનો ફાયદો ભાજપને મળશે કે કોંગ્રેસને તેને લગતી અટકળો પણ લોકો કરી રહ્યા હતા. જોકે, આજે જાહેર થઈ રહેલા પરિણામમાં એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આપ અને AIMIM કોંગ્રેસને નડી ગયા છે.

અમદાવાદમાં કોંગ્રેસને ફટકો

AIMIM અને આમ આદમી પાર્ટી અમદાવાદમાં એકેય બેઠક જીતી નથી શક્યા, પરંતુ આ વખતની ચૂંટણીમાં અમદાવાદમાં કોંગ્રેસની બેઠકો ચોક્કસ ઘટી ગઈ છે. વળી, લઘુમતી વિસ્તારોને બાદ કરતાં પૂર્વના જે વિસ્તારો કોંગ્રેસનો મજબૂત ગઢ મનાતા હતા ત્યાં પણ કોંગ્રેસના ઉમેદવારો હારી ગયા છે. એટલું જ નહીં, ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની જીતની પૂરી શક્યતા હોવા છતાંય ત્યાં પણ તેની હાર થઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે, અમદાવાદમાં કોંગ્રેસના કંગાળ પ્રદર્શન પાછળ આપ અને AIMIMના કારણે તૂટેલા વોટ જવાબદાર હોઈ શકે છે.

સુરતમાં કોંગ્રેસ ખાતું ખોલવામાં નિષ્ફળ

સુરતમાં પહેલીવાર કોર્પોરેશનની ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ જ્વલંત પ્રદર્શન કરતાં 23 જેટલી બેઠકો પર વિજય પ્રાપ્ત કરી છે, જ્યારે કોંગ્રેસને એકેય બેઠક નથી મળી. જેનાથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે, AAPને કારણે સુરતમાં કોંગ્રેસનો રકાસ થયો છે. સુરતની 120 બેઠકોમાંથી આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી 84 બેઠકો પર ભાજપ અને 23 બેઠકો પર આપની જીત થઈ છે.

રાજકોટમાં કોંગ્રેસ માત્ર 4 બેઠક જીતી શકી

1995 બાદ પહેલીવાર રાજકોટમાં કોંગ્રેસનો મોટો પરાજય થયો છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ રાજકોટમાં અત્યારસુધી વોર્ડ નં. 15ને બાદ કરતાં ક્યાંય કોંગ્રેસના ઉમેદવાર જીતી શક્યા નથી. એટલું જ નહીં, આમ આદમી પાર્ટી અને AIMIM પણ રાજકોટમાં ખાતું ખોલી શક્યા નથી. જોકે, આ બંને પક્ષોએ કોંગ્રેસના કેટલા મત તોડ્યા તે તો વોટિંગના ફાઈનલ આંકડા આવશે ત્યારે જ ખબર પડી શકશે.

Read Next Story