એપશહેર

કોરોનાથી રિકવર થયેલા દર્દીઓને થઈ રહ્યું છે જીવલેણ ફંગલ ઈન્ફેક્શન, લક્ષણો વિશે જાણો

કોરોનાથી રિકવર થયેલા દર્દીઓને હવે મ્યુકોર્માયકોસિસ ફંગલ ઈન્ફેક્શન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. છેલ્લા નવ મહિનામાં સિવિલમાં 46 કેસ નોંધાયા છે.

TNN 18 Dec 2020, 9:18 am
અમદાવાદઃ કોવિડ-19થી રિકવર થયા બાદ શહેરીજનોને મ્યુકોર્માયકોસિસ (mucormycosis) જેવી સ્વાસ્થ્યને લગતી પરેશાની થઈ રહી હોવાનો ખુલાસો થયો છે, તેમ શહેરના એક નિષ્ણાતે જણાવ્યું હતું. ફંગલ ઈન્ફેક્શન, જે કોવિડ-19 પહેલા ક્યારેક જ જોવા મળતુ હતું, તે હવે કોવિડ 19થી રિકવર થયેલા ખાસ કરીને ડાયાબિટિસ અથવા કિડની/હૃદય અથવા કેન્સર જેવી કો-મોર્બિડિટી ધરાવતા દર્દીઓમાં જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ફંગલ ઈન્ફેક્શન એ મુખ્યત્વે ઓછી રોગપ્રતિકારક ક્ષમતાની પ્રતિક્રિયાનો સંકેત છે.
I am Gujarat file photo
પ્રતિકાત્મક તસવીર


'મ્યુકોર્માયકોસિસ ઈન્ફેક્શનમાં અમે અત્યારસુધીમાં 20 ટકા (46 દર્દીઓમાંથી નવના મોત)મૃત્યુદર નોંધ્યો છે. જો કે, સમયસર નિદાન કરવામાં આવે તો મુશ્કેલીઓને અટકાવી શકાય છે', તેમ સિવિલ હોસ્પિટલના ENT સર્જન ડો. દેવાંગ ગુપ્તાએ કહ્યું હતુ. 'છેલ્લા 18 વર્ષમાં, મેં ઈન્ફેક્શનના આવા 20 જેટલા કેસ નોંધ્યા હતા. પરંતુ છેલ્લા નવ મહિનામાં અમે આવા 46 કેસ જોયા. મોટાભાગના દર્દીઓમાં કોવિડ-19થી રિવકર થયા બાદ ઓછી રોગપ્રતિકારક ક્ષમતા જોવા મળે છે'.

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. જે.પી. મોદીએ કહ્યું હતું કે, ફંગલ ઈન્ફેક્શનની સારવાર પાછળ આશરે 3થી 4 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જો કે, સિવિલ હોસ્પિટલમાં તે વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.

ઈન્ફેક્શન વિશે અહીં સમજો:
મ્યુકોર્માયકોસિસ એ ફંગલ ઈન્ફેક્શન છે જે મુખ્યત્વે નાકના પોલાણના ઉપરના ભાગમાં થાય છે. તે ધમનીઓ દ્વારા ફેલાતું હોવાથી રક્ત વાહિનીઓને પણ ચેપ લગાડે છે અને ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે.

મ્યુકોર્માયકોસિસના લક્ષણો:
નાકમાંથી ખરાબ/દુર્ગંધની ગંધ, શ્વસન સંબંધી સમસ્યાઓ, વારંવાર શરદી, નાક બંધ થઈ જવું, નાકની આસપાસ અથવા અંદર સોજો, નાકનો ભાગ કાળો પડી જવો. ક્યારેક તાવ અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.

- જેમની ઉંમર 40 કરતાં વધુ છે, જેઓ હાલમાં જ કોવિડ-19થી રિકવર થયા છે અથવા જેમને ડાયાબિટિસ અથવા અન્ય કો-મોર્બિડિટી છે તેમને આ ઈન્ફેક્શન થવાનું જોખમ વધારે રહે છે.

- કોઈ પણ મુખ્ય લક્ષણો દેખાય કે તરત જ ENT સર્જન અથવા નિષ્ણાતનો સંપર્ક કરવો જરૂરી છે.

સારવારની પ્રક્રિયા:
શંકાસ્પદ દર્દીને સીટી સ્કેન અથવા MRI અથવા અન્ય ટેસ્ટ માટે મોકલવામાં આવે છે. જો ફંગલ ઈન્ફેક્શન થયું હોવાની જાણ થાય તો સેમ્પલ લેવામાં આવે છે અને તેને બાયોપ્સી માટે મોકલાઈ છે.

-MRI સ્કેનથી નિષ્ણાતો ફંગલ ગ્રોથની હદ ચકાસે છે.

- નિષ્ણાતો દર્દીઓની સારવાર માટે એમ્ફોટેરિસિન બી ડીઓક્સીકોલેટ ઈન્જેક્શન જેવી સારવારનો ઉપયોગ કરે છે. ઈન્જેક્શનની કિંમત 2500થી 3 હજાર રૂપિયા છે. જેને સતત 15થી 21 દિવસ સુધી દિવસ દરમિયાન છ વખત લેવા પડે છે. અન્ય સારવારને પણ અપનાવવામાં આવે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો