એપશહેર

દુઃખી મહિલા સબ ઇન્સ્પેક્ટરની વ્યથા 'પરિવાર કહે તેમ જ કરવું પડશે નહીંતર પિયરે જતી રહે'

I am Gujarat 13 Jan 2021, 3:44 pm
અમદાવાદઃ આજકાલ સમાજમાં મહિલાઓ વિરુદ્ધના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. એવું નથી કે આવી ઘટના ગામડામાં વધુ બની રહી હોય. મહિલાઓને લગ્ન બાદ માનસિક શારીરિક ત્રાસ આપવાના કિસ્સા શહેરોમાં પણ વધી રહ્યા છે. ભણેલા ગણેલા કહેવાતા સમાજ કે ભદ્ર સમાજમાં પણ આવી ઘટનાઓમાં સતત વધારો થવો ખરેખર ચિંતાનું કારણ છે. ત્યારે વધુ એક કિસ્સો આ પ્રકારનો સામે આવ્યો છે જેમાં અમદાવાદ શહેર કોર્પોરેશનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતામાં સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતી મહિલા તેના સાસરિયાઓના ત્રાસનો ભોગ બનતા મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેના સાસરિયાઓ તેના પગારના રૂપિયા પણ લઈ લેતા અને ત્રાસ પણ ગુજારતા હતાં. એટલું જ નહીં એ યુવતીનો પતિ નોકરીમાંથી સસ્પેન્ડ કરાવવાની ધમકી પણ આપતો હતો.
I am Gujarat ahmedabad sub inspector woman lodge complainant against in laws
દુઃખી મહિલા સબ ઇન્સ્પેક્ટરની વ્યથા 'પરિવાર કહે તેમ જ કરવું પડશે નહીંતર પિયરે જતી રહે'


યુવતીએ અંતે કંટાળી ને ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદ મુજબ જ્યારે આ યુવતી ગર્ભવતી હતી, ત્યારે તેનો પતિ તેની સાથે રહેતો ન હતો અને તેની માતા સાથે જઈને રહેતો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. આ કિસ્સાની મળતી માહિતી પ્રમાણે શહેરના નિકોલમાં રહેતી યુવતીના વર્ષ 2014માં લગ્ન થયા હતા. આ યુવતી એસ્ટેટ અને નગર વિકાસ ખાતામાં સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે. લગ્ન બાદથી જ આ યુવતીની નણંદ દિયર અને સાસુ ભેગા મળીને તેને નોકરી છોડી દેવા દબાણ કરતા હતા. અને યુવતી નોકરી છોડવાની ના પાડે તો બધા ભેગા મળીને તેને ગાળો આપતા હતા.

આ યુવતીએ નોકરી ના છોડતાં તેની સાસુ તેનો બધો પગાર લઈ લેતી હતી. અને આ યુવતીએ લગ્ન કર્યા ત્યારથી અત્યાર સુધીમાં 20 લાખ રૂપિયા જેટલી રકમ તેના ઘરમાં આપી ચૂકી છે. જ્યારે તેના પતિને આ બધી વાતો જણાવે ત્યારે તેનો પતિ કહેતો હતો કે "મારા પરિવાર વાળા કહેશે તેમ તારે કરવું પડશે નહીં તો તું તારા પિયરમાં જતી રહે". યુવતીની નણંદ પણ અવારનવાર પૈસાનું અભિમાન બતાવીને માનસિક ત્રાસ આપતી હતી.

જેથી આ યુવતી તેના પતિ સાથે નિકોલ ખાતે ભાડાના મકાનમાં રહેવા ગઈ હતી. જ્યાં તેનો પતિ તેને ઘરખર્ચના પૈસા આપતો પણ નહોતો અને અવારનવાર મૂકીને તેના પરિવાર પાસે જતો રહેતો હતો. જ્યારે આ મહિલા ગર્ભવતી થઈ હતી ત્યારે પણ તેનો પતિ તેની સાથે રહેતો ન હતો અને તેની માતા પાસે જઈને રહેતો હતો.

એટલું જ નહી આ યુવતીનો પતિ તથા સાસુ સહિતના લોકો તેને ત્રાસ આપીને કહેતા હતા કે "તું અમને પૈસા આપ તો જ તને સારી રીતે રાખીશું અને તો જ અમે સમાધાન કરીશું". આ પ્રકારની ધમકી આપતા આ યુવતી કંટાળી ગઈ હતી. આટલું જ નહીં તેના પતિથી છૂટાછેડા લઇ લેવા માટે દબાણ પણ સાસરિયાઓ કરતા હતા.

નોકરીમાંથી સસ્પેન્ડ કરાવવાની ધમકીઓ પણ આપતા હતા. જેથી આખરે કંટાળીને આ યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો