એપશહેર

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં કેવી રહેશે હવા? હવામાન શાસ્ત્રીએ કરી છે આગાહી

જાણો, આ વખતે ધાબા પર પહોંચ્યા પછી પતંગ ફટ દઈને ચગી જશે કે થૂમકા મારીને ખભા દુખાડવા પડશે?

I am Gujarat 13 Jan 2021, 1:31 pm
ગાંધીનગરઃ ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી હોય છે. આવામાં જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પતંગ ચગાવવા માટે સવાર બાદ દિવસ દરમિયાન પવન મોટાભાગે સારો રહેશે તેવી આગાહી કરી છે. મહત્વનું છે કે આ વર્ષે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન મજબૂત બનાવાઈ છે ત્યારે કોરોનાની અસર પતંગના બજારોમાં પણ દેખાઈ રહી છે.
I am Gujarat ambalal patels prediction for air for uttarayan festival
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં કેવી રહેશે હવા? હવામાન શાસ્ત્રીએ કરી છે આગાહી


હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે iamgujarat.com સાથે કરેલી વાતચીતમાં ઉત્તરાયણના દિવસે પતંગ રસીઓ માટે દિવસ સારો રહેવાની આગાહી કરી છે. જેમાં દિવસ દરમિયાન એવરેજ 8-10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનની ગતિ સરેરાશ 8-12 કિલોમીટર રહેવાની આગાહી તેમણે કરી છે.

વિસ્તૃત રીતે જોઈએ તો સવારે 10-11 વાગ્યા સુધી પવનની ગતિ 8થી નીચે એટલે કે મંદ રહેશે અને 12 વાગ્યા પછી પવનની ગતિમાં વધારો થતો જશે અને અમદાવાદની ગણતરી કરીએ તો અહીં સરેરાશ 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. એટલે કે સવાર પછી બપોર થતાં-થતાં પવનની ગતિમાં વધારો થતો જશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે સવારે વહેલા પતંગ ચગાવવા જતા પતંગ રસિયાઓને ઠંડીનો અનુભવ થશે.

અંબાલાલે ઉત્તરાયણના દિવસ સરેરાશ પવનની ગતિ 10 કિલોમીટરની રહેવાનું જણાવ્યું છે વાસી ઉત્તરાયણના દિવસે પવન વધારે સારો રહેવાની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સરેરાશ દિવસ દરમિયાન 8-12 કિલોમીટરની ગતિએ ફૂંકાશે.

આ વખતે કોરોના વાયરસના કારણે ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને ઉભા કરાયેલા બજારોમાં પાછલા વર્ષોની સરખામણીએ ભીડ ઓછી જોવા મળી રહી છે. તો બીજી તરફ વેપારીઓનું માનવું છે કે ભલે અત્યારે ઘરાકી ઓછી હોય પણ દિવસ પૂરો થતાં-થતાં બજારમાં આવનારા ખરીદારોની સંખ્યામાં વધારો થશે.

પતંગ રસિક જય ચૌહાણ અને મુકેશ પરમાર સાથે અમે વાત કરી તો તેમનું માનવું છે કે, રાજ્યમાં કોરોનાના કારણે તહેવારો પર અસર પડી છે ત્યારે ઉત્તરાયણ નવા વર્ષનો પહેલો તહેવાર છે અને તેને અમે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવા ઈચ્છીએ છીએ. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, સરકારે જે પ્રકારે દિશા નિર્દેશ જાહેર કર્યા છે તેનું પાલન થાય તેની પણ ખાસ કાળજી રાખીશું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો