એપશહેર

રુપાણી, વાઘાણીએ ઠપકો આપતા ઋત્વિજને મીડિયા પર આક્ષેપ કરતી ટ્વીટ ડિલીટ કરવી પડી

નવરંગ સેન | I am Gujarat 26 May 2020, 3:28 pm
ગાંધીનગર: ભાજપના આઈટી સેલને મીડિયાને બદનામ કરવાનું તેમજ વિજય નેહરાની બદલી અંગેના મેસેજ ફેલાવવાનું ભારે પડી ગયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વિજય રુપાણી અને પ્રદેશ પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીએ આ મામલે ઋત્વિજ પટેલ સહિતના પક્ષના યુવાનેતાઓને ઠપકો આપ્યો છે. જેના પગલે મીડિયાની ટીકા કરતી ટ્વીટ ડિલિટ કરવાની ઋત્વિજ પટેલને નોબત આવી છે. જોકે, આમ કરવામાં તે પોતે જ ટ્રોલ થઈ ગયા છે.
ભાજપના આઈટી સેલ દ્વારા #StopTargetingGujarat હેશટેગ સાથે અનેક ટ્વીટ કરવામાં આવી હતી. જેમાં વિજય નેહરાની બદલીથી લઈને કોરોનાને કાબૂમાં કરવા સરકાર દ્વારા ઉઠાવાયેલા પગલાંની ટીકા કરનારા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. વિજય નેહરા પર આ હેશટેગ સાથે અનેક આક્ષેપો કરતી ટ્વીટ કરવામાં આવી હતી. ત્યારબાદ મીડિયા પર પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.
પોતાની જૂની ટ્વીટ ડિલીટ કરી ઋત્વિજ પટેલે ફરી એક ટ્વીટ કરતા જણાવ્યું હતું કે મીડિયાને ટાર્ગેટ કરવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ ગણાવતા ઋત્વિજ પટેલે કહ્યું હતું કે પોતે હંમેશા મીડિયા પ્રત્યે સકારાત્મક રહ્યા છે.
જોકે, ઋત્વિજની આ ટ્વીટ પર પણ લોકોએ તેમને ટ્રોલ કરી જાતભાતના રિપ્લાય આપ્યા હતા. @JustThinkChief નામના એક યુઝરે લખ્યું હતું કે તો શું એમ માની લેવાનું કે સવારે વિકાસ ગાંડો થયો હતો?
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story