એપશહેર

કોરોના: અ'વાદમાં 140 અને રાજ્યમાં 48 દિવસ બાદ સૌથી વધુ દર્દીઓના મોત

રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 8 અને રાજ્યમાં 13 દર્દીઓના મોત, હજુ સમજી જજો નહીંતર કોરોના વધુ હાહાકાર મચાવશે.

TNN & Agencies 23 Nov 2020, 1:09 pm
અમદાવાદ: દિવાળીના તહેવારોમાં ભીડભાડને કારણે અમદાવાદ સહિત ગુજરાત ભરમાં ફરી કોરોના કેસો વધ્યા છે. દરરોજ નોંધાતા કેસોની સંખ્યામાં પણ મોટો ઉછાળો થયો છે, જ્યારે મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં છેલ્લે 5 જુલાઈના રોજ કોરોનાને કારણે 8 લોકોના મોત થયા હતા. રાજ્ય સરકારના જાહેર કરેલા આંકડા મુજબ 22 નવેમ્બરના રોજ 140 દિવસ પછી ફરીથી રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 8 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં પણ 48 દિવસ બાદ સૌથી વધારે 13 દર્દીઓ મોતને ભેટ્યા છે.
I am Gujarat 10
પ્રતિકાત્મક તસવીર


છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13 મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ રવિવાર સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ શહેરોમાં સારવાર લઈ રહેલા 13 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 8, સુરત કોર્પોરેશનના 2 જ્યારે બનાસકાંઠા, ભાવનગર અને ગાંધીનગરના 1-1 દર્દીનો સમાવેશ થાય છે.

શહેરના કોવિડ -19ના આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે પાછલા બે દિવસમાં શહેરમાં કોરોનાને કારણે 13 દર્દીઓના મોત થયા છે. મૃત્યુઆંકમાં અચાનક વધારો થવાનાં અનેક કારણો છે. પહેલું, એકંદરે કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં 300થી વધુ કેસ નોંધાય છે. આ રીતે હાઈ વાયરલ લોડ અને કોમર્બિડિટીઝ દર્દીઓનો હિસ્સો જોતાં એકંદર મૃત્યુદરમાં વધારો થઈ શકે છે, તેવું સિટી બેઝ્ડ એપેડેમિયોલોજિસ્ટે જણાવ્યું હતું.

બીજું, 'સીઝનલ ફેક્ટર્સ અને હાઈ ઈન્ફેક્શનને કારણે 60 વર્ષથી ઉપરના લોકો ચેપનો ભોગ બની શકે છે. તદુપરાંત, હોસ્પિટલમાં રિપોર્ટ કરવાનો સમય જેવા પરિબળો પણ છે, જો તહેવારોને લીધે દર્દીઓ મેડિકલ ફેસિલિટીમાં મોડા પહોંચે છે, તો બચવાની સંભાવના ઓછી થાય છે', એમ તેમણે ઉમેર્યું હતું.

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે, જેને અસરકારક બનાવવા માટે બધા નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાના ધોરણોનું પાલન કરે તે ખૂબ જ જરૂરી છે. દિવસ દરમિયાન ભીડભાડ હશે તો રાત્રિ કર્ફ્યૂનો કોઈ અર્થ રહેશે નહીં. એટલે દિવસમાં પણ બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ. નિષ્ણાતે કહ્યું કે, આપણે વારંવાર હાથ ધોવા સહિતના નિયમોનું પાલન કરવું જોઈએ.

માતા-પિતા અને ભાઈને ભરખી ગયો કોરોના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસની દિવાળીના પહેલાની ગાઈડલાઈનનું પાલન ન કરવાની ભૂલ લોકો ભોગવી રહ્યા છે. આ બધાની વચ્ચે પોલીસ પરિવાર માટે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં જીવલણે વાયરસે એક પોલીસ કોન્સ્ટેબલના આખા પરિવારનો માળો વિખેરી નાંખ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના માતા-પિતા તથા ભાઈને પાંચ દિવસના સમયગાળામાં જ કોરોના વાયરસ ભરખી ગયો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો