એપશહેર

કોરોનાના લીધે વડતાલ સ્વામિનારાયણ મંદિરની 192 વર્ષ જૂની પરંપરા તૂટી

શનિવારે એકાદશી પર યોજાનારો જલઝીલણી સમૈયો બંધ રાખવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે વડતાલ સ્વામિનારાયણ મંદિરે આ નિર્ણય કર્યો છે.

I am Gujarat 28 Aug 2020, 12:26 pm
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલમાં 29મી તારીખે જલઝીલણીના સમૈયાનું આયોજન કરાયું હતું. જે કોરોના મહામારીના પગલે બંધ રાખવામાં આવ્યું છે. 192 વર્ષથી ચાલી આવતી પરંપરા કોરોના મહામારીના લીધે તૂટી છે. 192 વર્ષમાં પ્રથમવાર શ્રીજીની વાજતે-ગાજતે શોભાયાત્રા નહીં નીકળે, મેળો નહીં થાય અને ગોમતીમાં નૌકાવિહાર ઉત્સવ પણ નહીં યોજાય. જલઝીલણી ઉત્સવની મંદિરમાં જ સાદગીથી ઉજવણી કરવામાં આવશે. જેમાં સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવશે. આ ઉત્સવને હરિભક્તો નિજમંદિરની વેબસાઈટ અને યૂટ્યૂબ ચેનલ પર ઓનલાઈન નિહાળી શકશે.
I am Gujarat vadtal
વડતાલ મંદિરની ફાઈલ તસવીર, સાભાર- vadtalmandir.org


વડતાલ સ્વામિનારાયણ મંદિરના આસિ. કોઠારી ડૉ. સંતસ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જલઝીલણી એકાદશી પર્વનું વિશેષ મહત્વ છે. આ નિમિત્તે સંપ્રદાયના મંદિરોમાં ધામધૂમથી ઉજવણી થતી હોય છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાંથી પૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં પરંપરા મુજબ સંતો અને હરિભક્તોની સાથે ભગવાન શ્રી ઠાકોરજીની વાજતે ગાજતે શોભાયાત્રા નીકળે છે. પવિત્ર ગોમતી તળાવમાં આવેલા નવા નીરમાં ભગવાનને નૌકા વિહાર કરાવવામાં આવે છે. આ ઉત્સવમાં ભજન મંડળીઓ અને 25થી વધુ ગામના હરિભક્તો મોટી સંખ્યામાં સામેલ થાય છે. 10 મણથી વધુ કાકડીનો પ્રસાદ વહેંચાય છે અને લોકમેળો ભરાય છે.

આ ઉત્સવનું સંચાલન શ્યામ સ્વામી દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે 192 વર્ષમાં પહેલીવાર જલઝીલણી એકાદશી પર્વ નિમિત્તે ઉજવાતો સમૈયો બંધ રખાયો છે. સરકારના આદેશ અને માર્ગદર્શિકા અનુસાર શોભાયાત્રા નીકળશે નહીં. લોકમેળો નહીં ભરાય. આ ઉત્સવ નિજમંદિરમાં સાદગીપૂર્વક જ ઉજવાશે. હરિભક્તો મંદિરની વેબસાઈટ અને યૂટ્યૂબ પર દર્શનનો લાભ લઈ શકશે, તેમ તેમણે જણાવ્યું હતું.

Read Next Story