એપશહેર

કોરોના વાયરસ: કાલથી ગુજરાતમાં પ્રવેશવા માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ જરૂરી

કોઈપણ રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશવા કોરોનાના RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત, જેમની પાસે નેગેટિવ રિપોર્ટ હશે તેમને જ મળશે એન્ટ્રી

I am Gujarat 31 Mar 2021, 2:39 pm

હાઈલાઈટ્સ:

  • ગુજરાત સરકારનો આદેશ 1 એપ્રિલ 2021થી લાગુ થશે
  • નેગેટિવ રિપોર્ટ 72 કલાક પહેલા કરાવેલો હોવો જોઈએ
  • રિપોર્ટ હશે તો જ ગુજરાતમાં એન્ટ્રી આપવામાં આવશે
  • છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 2220 કેસ નોંધાયા છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 5
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદ: કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત સરકારે અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે RT-PCRનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો છે, જે આવતીકાલથી લાગુ થશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, 01 એપ્રિલ 2021થી દેશના કોઈપણ રાજ્યમાંથી ગુજરાત આવનારા વ્યક્તિએ ફરજિયાતપણે નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. આ ટેસ્ટ ગુજરાતમાં એન્ટ્રી લેવાના વધુમાં વધુ 72 કલાક પહેલા કરાવેલો હોવો જોઈએ. જેમની પાસે નેગેટિવ રિપોર્ટ હશે તેમને જ ગુજરાતમાં એન્ટ્રી મળશે.
જણાવી દઈએ કે, અગાઉ 23 માર્ચથી માત્ર મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા લોકો માટે આ રિપોર્ટ ફરજિયાત હતો. જોકે, દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે, ત્યારે હવે તમામ રાજ્યો માટે આ નિયમ લાગુ કરાયો છે. જેના અનુસંધાને અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકોનું સ્ક્રિનિંગ પણ સરકાર દ્વારા ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આ પ્રકારનો નિર્ણય લઈ સુરતમાં રાજ્ય બહારથી આવતા તમામ લોકો માટે એક સપ્તાહ ક્વોરન્ટાઈનમાં રહેવાનું ફરજિયાત બનાવાયું હતું.

ગુજરાતમાં માર્ચ 2020માં કોરોનાનો પહેલા કેસ નોંધાયો હતો, અને ત્યારબાદ જેટલા પણ દર્દીઓ પોઝિટિવ આવતા હતા તેમાંના મોટાભાગના વિદેશ કે પછી આંતરરાજ્યની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. આ સ્થિતિનું આ વર્ષે ફરી નિર્માણ ના થાય તે માટે સરકાર અત્યારથી જ એલર્ટ બની ગઈ છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ દિલ્હી જેવા રાજ્યોએ પણ ગુજરાતથી આવતા લોકો માટે ઘણા સમય પહેલા જ નેગેટિવ RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવી દીધો છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ મંગળવાર સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. તેમજ 1988 દર્દીઓને હોસ્પિટલની સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી 2,88,565 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા થયો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો